World

ટ્રમ્પે શસ્ત્રો છોડી દેવાનું કહ્યું હોવા છતાં હમાસે તેના જ નાગરિકોની ક્રૂર હત્યા કરી

By GS TEAM
15 Oct 20252 mins read
ટ્રમ્પે શસ્ત્રો છોડી દેવાનું કહ્યું હોવા છતાં હમાસે તેના જ નાગરિકોની ક્રૂર હત્યા કરી

- મધ્ય-પૂર્વ અને શાંતિને અણબનાવ હોય તેમ લાગે છે

- હવે ગાઝાપટ્ટી પર કબ્જો મેળવવા વિવિધ પેલેસ્ટાઇની કલાન્સ (ટોળીઓ) વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થઈ ગયો છે

ગાઝા : હજી તો માંડ ઈઝરાયલ સાથે શાંતિ સમજૂતી થઈ છે, ત્યાં તો ગાઝાપટ્ટી ઉપર કબ્જો મેળવવા પેલેસ્ટાઇની ટોળીઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થઈ ગયો છે તે પૈકી હમાસે જાહેર કરી દીધું છે કે તે જ ગાઝાપટ્ટી પરના સાચા અધિકારી છે અને પોતાની આ જાહેરાતને સાબિત કરવા તે ગાઝા શહેર અને ગાઝાપટ્ટીમાં આડેધડ ધરપકડો કરી સામુહિક મૃત્યુ દંડો આપવા લાગ્યું છે.

સોમવારે સાંજે બહાર પડેલા વિડીયો ફૂટેજમાં આઠ નાગરિકોને ગાઝા શહેરના મુખ્ય માર્ગ ઉપર હમાસનાં સભ્યો બેસુમાર માર મારતા દેખાય છે તે પછી તેઓને હાથ-પગ બાંધી ગોઠણભેર બેસાડી દેવાતા જોવા મળે છે. આ પછી હમાસના સભ્યો તેમને ગોળીથી ઠાર મારતા દેખાય છે.

આ આઠે નાગરિકોની હત્યા કરનારા હમાસના આઠે સભ્યોએ માથા ઉપર લીલા પટ્ટાઓ બાંધ્યા હતા, અને પછી 'અલ્લાહ હૂ અકબર' (અલ્લાહ જ મહાન છે) તેવો નારો તેમના નેતાએ જગાવ્યો તે સાથે ધડાધડ ગોળીઓ છૂટી આઠે-આઠ ધરાશાયી થયા તે સમયે આસપાસ ઉભેલા ટોળાએ હર્ષનાદો સાથે ચીચીયારીઓ કરી હતી.

ગાઝા શાંતિ સમજૂતી થઈ ત્યારે તો મીટીંગનું નેતૃત્વ લેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને શસ્ત્રો સોંપી દેવા કહ્યું હતું ત્યારે મૌખિક રીતે તેઓએ સહમતી દર્શાવી હતી. પરંતુ હકીકતમાં તેમણે એક પણ શસ્ત્ર કે એક પણ ગોળી સમર્પિત કરી નથી.

બીજી તરફ ઈઝરાયલી સેના હવે ગાઝાપટ્ટી છોડી રહી છે તે ગમે તે ભોગે શાંતિ જાળવી શકતી હતી. હવે તો સમગ્ર ગાઝાપટ્ટી વિસ્તારમાં કાનૂન વ્યવસ્થા જેવું કશું રહ્યું નથી. અંધાધૂંધી ફેલાઈ રહી છે.

પેલેસ્ટાઇનીઓ પૈકી કેટલાયને હમાસ અને અન્ય લડાયક ટુકડીઓ તે બધાને ડાકુ ટોળીના સભ્યો કહે છે અને ઇઝરાયલના 'ખાંધીયા' કહે છે. તેઓ ઉપર કાનૂની કાર્યવાહી કરી વખત બગાડવા તેઓ માગતા નથી.

અત્યારે ગાઝા પટ્ટીમાં સત્તાનો શૂન્યાવકાશ છે, હમાસની સામે અન્ય સશસ્ત્ર ટોળીઓએ મોરચા માંડયા છે. છેલ્લાં ૧૮ વર્ષથી ગાઝાપટ્ટી પર કબ્જો જમાવી બેઠેલા હમાસની સામે કેટલાયે સ્થાનિક બળવાન કુટુમ્બો પડયાં છે, તેઓને ઈઝરાયલ જ દરેક રીતે ટેકો આપે છે તેમ પણ કહેવાય છે. હદ તો તે વાતની છે કે ગાઝાપટ્ટીમાં ભૂખે મરતા લોકોને ખાદ્યાન્ન પહોંચાડવામાં છે, તે ખાધાન્ન પણ પેલી સશસ્ત્ર ટોળીઓ આંચકી લે છે.

હજી ઈઝરાયલ હીઝબુલ્લા વિવાદ ચાલે છે. ઈઝરાયલ-ઈરાન વિવાદ ચાલે છે. ઈરાક અને વિશેષત: સીરીયામાં અંતર-વિગ્રહ ફાટી નીકળ્યો છે તેની પૂરી વિગતો પણ અપ્રાપ્ય છે, તે ઉપરથી કેટલાક વિશ્લેષકો હતાશા સાથે કહે છે, મધ્ય-પૂર્વને શાંતિ સાથે અણબનાવ હોય તેવું લાગે છે.