Explainer: વસ્તી વિસ્ફોટ નહીં, હવે વસ્તી ઘટાડો બનશે મહાસંકટ! ભારત સહિતના મોટા દેશો માટે ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The Shrinking World Challenge: કલ્પના કરો કે એક શહેર આધુનિક સગવડો ધરાવતી હૉસ્પિટલો, પહોળા રસ્તાઓ અને ગગનચુંબી ઇમારતોથી સજ્જ છે, પરંતુ તેના બગીચાઓમાંથી બાળકોનો કિલકિલાટ ગાયબ થઈ ગયો છે. શાળાઓના દરવાજા પર કાયમી તાળાં લાગી ગયા છે. હૉસ્પિટલના પ્રસૂતિ વૉર્ડ બિલકુલ ખાલીખમ પડ્યા છે. આ કોઈ હોલીવુડની સાયન્સ-ફિક્શન ફિલ્મનો સીન નથી, પરંતુ આપણી ધરતીની જ ચોંકાવનારી વાસ્તવિકતા છે. દાયકાઓથી આપણને એવો જ ડર બતાવવામાં આવતો હતો કે દુનિયામાં 'વસ્તી વિસ્ફોટ' થઈ રહ્યો છે અને વસ્તી વધી વધીને એટલી બધી થઈ જશે કે એક દિવસ પૃથ્વીના તમામ સંસાધનો ખૂટી પડશે. પરંતુ, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને 'અવર વર્લ્ડ ઇન ડેટા'ના સત્તાવાર આંકડાઓ હવે એક તદ્દન વિપરીત ચિત્ર રજૂ કરી રહ્યા છે.
એક તરફ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં વસ્તી વધારો થઈ રહ્યો છે, ત્યારે વૈશ્વિક નકશા પર એક બહુ મોટું પરિવર્તન આવી ચૂક્યું છે. વિશ્વના 64 દેશો અને પ્રદેશો હવે તેમની વસ્તીની સર્વોચ્ચ સપાટી વટાવી ચૂક્યા છે, જેનો સીધો અર્થ એ છે કે હવે આ દેશોની વસ્તી વધવાને બદલે દર વર્ષે ઘટી રહી છે. આ પણ એક ચિંતાનું કારણ છે. કઈ રીતે? ચાલો સમજીએ.
વસ્તી ઘટાડો અનુભવી રહેલા 64 દેશોમાં શું પરિસ્થિતિ છે?
આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં માત્ર નાના કે યુદ્ધનો સામનો કરી રહેલા દેશો જ નથી, પરંતુ વિશ્વની મોટી અને શક્તિશાળી મહાસત્તાઓ પણ સામેલ છે.
- વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, ચીન, તેની વસ્તીની ટોચ પાર કરી ચૂક્યો છે અને હવે ત્યાં વસ્તી ઘટી રહી છે.
- દક્ષિણ કોરિયાની હાલત સૌથી ગંભીર છે. ત્યાં પ્રજનન દર વિશ્વમાં સૌથી ઓછો એટલે કે માત્ર 0.72 છે. જો આ જ સ્થિતિ રહેશે તો આ સદીના અંત સુધીમાં દક્ષિણ કોરિયાની વસ્તી અડધાથી પણ ઓછી થઈ જશે.
- એશિયામાં જાપાન, તાઇવાન, હોંગકોંગ અને થાઇલૅન્ડ પણ આ જ ઢાળ પર છે.
- યુરોપમાં ઇટાલી, જર્મની, સ્પેન, પોલૅન્ડ, યુક્રેન, રશિયા અને ઑસ્ટ્રિયા વસ્તી ઘટાડાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
- પોલૅન્ડ, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા પૂર્વી યુરોપિયન દેશોમાં જન્મ દર તો ઓછો છે જ, સાથે જ યુવાનો રોજગારી માટે અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાથી ત્યાં વસ્તી ઝડપથી ઘટી રહી છે.
- કેરેબિયન અને લેટિન અમેરિકાના ક્યુબા, પ્યુઅર્ટો રિકો, જમૈકા, ઉરુગ્વે, ડોમિનિકા, માર્ટીનિક, ગ્વાડેલુપ, કુરાકાઓ, મોન્ટસેરાટ, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ માર્ટિન, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, યુએસ વર્જિન આઇલૅન્ડ્સ અને ફોકલૅન્ડ આઇલૅન્ડ્સ જેવા અનેક પ્રદેશોમાં પણ વસ્તી ઘટાડો સમસ્યા બની રહ્યો છે.
બાળકોના ડાયપર કરતાં વૃદ્ધોના ડાયપરનું વેચાણ વધુ
જાપાનમાં વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. ત્યાં બાળકોના ડાયપર કરતાં વૃદ્ધો માટેના ડાયપરનું વેચાણ વધુ થાય છે. બાળકો ન હોવાને કારણે ત્યાં હજારો શાળાઓ કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે.
વસ્તી ઘટાડા પાછળનું મુખ્ય કારણ શું છે?
આ ઘટાડો કોઈ મહામારી, યુદ્ધ કે કુદરતી આફતનું પરિણામ નથી, પણ માનવ સમાજની બદલાયેલી જીવનશૈલી અને વિચારસરણીનું પરિણામ છે. કોઈ પણ દેશની વસ્તીને સ્થિર રાખવા માટે પ્રજનન દર (રિપ્લેસમેન્ટ રેટ) સરેરાશ 2.1 હોવો જરૂરી છે. એટલે કે સરેરાશ એક સ્ત્રી દીઠ 2.1 બાળકો જન્મવા જોઈએ. પરંતુ આજે વિશ્વની અડધાથી વધુ વસ્તી એવા દેશોમાં રહે છે જ્યાં આ દર 2.1થી નીચે જતો રહ્યો છે.
- આ પાછળ મોંઘવારી અને શહેરીકરણનો મોટો હાથ છે. મોટા શહેરોમાં જીવનનિર્વાહ, બાળકોનો ઉછેર, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઘર ખરીદવાનો ખર્ચ એટલો વધી ગયો છે કે યુગલોને એક કરતાં વધુ બાળક ઉછેરવાનું આર્થિક રીતે પરવડતું નથી.
- આ ઉપરાંત, મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે, પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપી રહી છે અને મોડેથી લગ્ન કરવા અથવા તો બાળકો ન થવા દેવાના સ્વતંત્ર નિર્ણયો લઈ રહી છે. એને લીધે પણ વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે.
વિશ્વના અન્ય કયા દેશો માટે ખતરાની ઘંટડી છે?
હાલમાં જે દેશોમાં વસ્તી વધી રહી છે ત્યાં પણ આગામી અમુક વર્ષોમાં વસ્તી ઘટાડો શરૂ થઈ જશે, એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા આપવામાં આવી છે. તેના અંદાજ મુજબ બ્રાઝિલ, મેક્સિકો અને આર્જેન્ટિના જેવા દેશો વર્ષ 2050 સુધીમાં તેમની વસ્તીની ટોચ પર પહોંચી જશે. એ પછી ત્યાં ઘટાડો શરૂ થશે.
વસ્તી બાબતે ભારતનું ભવિષ્ય શું હશે?
ભારતની વાત કરીએ તો, આજે આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. 2060ના દાયકામાં આશરે 1.7 અબજની વસ્તી સાથે ભારતની વસ્તી સર્વોચ્ચ સપાટી પર પહોંચી જશે. એ પછી ભારતમાં પણ વસ્તી ઘટવાનું શરૂ થશે.
અમેરિકાની શું સ્થિતિ છે?
વસ્તી બાબતે અમેરિકાનો કિસ્સો રસપ્રદ છે. અમેરિકામાં પણ જન્મ દર ખૂબ જ ઓછો છે, પરંતુ ત્યાં ઇમિગ્રેશન (સ્થળાંતર) તેને બચાવી લે છે. દર વર્ષે લાખો યુવાનો અમેરિકામાં સ્થાયી થાય છે, જે ત્યાંના ઓછા જન્મ દરની ખાધ પૂરી કરે છે અને વસ્તીને જાળવી રાખે છે.
વિશ્વની કુલ વસ્તી 2084 પછી ઘટવા લાગશે
વૈશ્વિક સ્તરે જોઈએ તો, વર્ષ 2084ની આસપાસ વિશ્વની કુલ વસ્તી આશરે 10.3 અબજના આંકડા સાથે ટોચ પર પહોંચશે. ત્યારબાદ, માનવ ઇતિહાસમાં પ્રથમ વખત વૈશ્વિક વસ્તીમાં કાયમી ધોરણે ઘટાડો થવાનું શરૂ થશે.
વસ્તી ઘટાડો કેવા ગંભીર પડકારો સર્જશે?
આમ તો સાદી સમજણ એમ કહે છે કે, જેટલી વસ્તી ઓછી એટલું સારું, કેમ કે ઓછી વસ્તી પૃથ્વીના સંસાધનો ઓછા વાપરે. પણ, ઓછી વસ્તી માનવ જીવન માટે સંકટ સર્જી શકે છે. કઈ રીતે?
- કાર્યબળનું સંકટ: ભવિષ્યમાં સસ્તા અને અમર્યાદિત શ્રમનો યુગ પૂરો થઈ જશે. કામ કરવા માટે યુવાન હાથ ઓછા હશે, જેથી મલ્ટીનેશનલ કંપનીઓ અને ઉદ્યોગોએ રોબોટિક્સ, ઓટોમેશન અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પર સંપૂર્ણ આધાર રાખવો પડશે.
- પેન્શન અને સ્વાસ્થ્ય સેવાઓનો બોજ: કામ કરતા અને ટેક્સ ચૂકવતા યુવાનોની સંખ્યા ઘટશે, જ્યારે પેન્શન અને તબીબી સંભાળ પર નિર્ભર વૃદ્ધોની સંખ્યા બમણી કે ત્રણ ગણી થઈ જશે. સરકારની આવક ઘટશે અને સામાજિક સુરક્ષા પાછળનો ખર્ચ આસમાને પહોંચશે.
- ઇમિગ્રેશન બનશે નવું બળતણ: જે દેશો વિદેશી યુવાનો અને પ્રતિભાઓને પોતાના દેશમાં આવવા દેશે, તે જ આર્થિક રીતે ટકી શકશે. જે દેશો પોતાની સરહદો બંધ રાખશે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે.
- વિકાસ માટે મર્યાદિત સમય: ભારત અને આફ્રિકાના દેશો માટે આ સૌથી મોટી ચેતવણી છે. આ દેશો પાસે તેમની યુવા વસ્તીનો મહત્ત્મ લાભ લેવા માટે માત્ર આગામી 20-30 વર્ષ જ બચ્યા છે. જો આ સમયગાળામાં યુવાનોને યોગ્ય કૌશલ્ય, સારું શિક્ષણ અને રોજગારી નહીં મળે, તો આ દેશો પોતાની વસ્તી વૃદ્ધ થાય તે પહેલાં સમૃદ્ધ બની શકશે નહીં.
21મી સદીમાં વસ્તી વધારો મિશન બનશે
21મી સદીનો મુખ્ય મુદ્દો હવે ‘વસ્તી નિયંત્રણ’ નથી રહ્યો. હવે સરકારો દેશની જનતાને વસ્તી વધારવા માટે કહેવા લાગી છે અને એ માટે જાતજાતની આકર્ષક ઓફરો આપી રહી છે.
- જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને રશિયા જેવા દેશો બાળક જન્મતાં જ રોકડ સહાય, દંપતીને સસ્તા દરે હોમ લોન અને સબસિડી, બાળકના શિક્ષણનો તમામ ખર્ચ સરકાર ભોગવે, જેવી ઓફર્સ જનતાને આપી રહ્યા છે.
- ભારતમાં આંધ્ર પ્રદેશે 'પાણી પહેલા પાળ' બાંધવા માંડી છે. આંધ્ર પ્રદેશમાં માર્ચ 2026થી વડાપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ 'પોપ્યુલેશન મેનેજમેન્ટ પોલિસી' (વસ્તી વ્યવસ્થાપન નીતિ) રજૂ કરી છે, જે મુજબ જો દંપતી બીજા અથવા ત્રીજા બાળકને જન્મ આપે તો તેમને ₹25,000ની આર્થિક સહાય અને બાળકને 18 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ મફત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અહીં સરકારે 'એક બાળક પૂરતું છે'ના બદલે 'ત્રણ બાળકો શ્રેષ્ઠ છે'નો નવો નારો આપ્યો છે.
ટૂંકમાં, બદલાતી પરિસ્થિતિ અનુસાર તમામ દેશોએ સિસ્ટમમાં એવા ફેરફારો કરવા પડશે જેથી ઘટતી વસ્તી મોટી કટોકટી બનવાને બદલે જે-તે દેશની નવી તાકાત બની શકે.




