Get The App

વૈશ્વિક ક્રૂડના ભાવમાં ભડકો : યુદ્ધ લાંબુ ચાલશે : ટ્રમ્પ

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ભડકો : યુદ્ધ લાંબુ ચાલશે : ટ્રમ્પ 1 - image

- ઇરાનનો ખાડી દેશો પર મિસાઇલમારો, સાઉદીની આરામ્કો રિફાઇનરીનો સફાયો

દુબઇ : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તે પછી મધ્ય-પૂર્વની સ્થિતિ બદતર થઈ ગઈ છે. ઈરાને સાઉદીમાં અરામ્કો કંપની પર હુમલો કરતા રિફાઈનરી બંધ કરવી પડી હતી. વળી, હોર્મુઝની ખાડી વાટે થતો ક્રૂડ સહિતની ચીજવસ્તુઓનો વેપાર બંધ થતાં ક્રૂડની નિકાસને મોટો ફટકો પડયો છે. તેના કારણે ભાવમાં વધારો થયો હતો. એક જ દિવસમાં ક્રૂડના ભાવ વધી ગયા હોવાથી આગામી દિવસોમાં દુનિયાભરમાં ક્રૂડના ભાવમાં ભડકો થવાની શક્યતા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું આ યુદ્ધ લાંબું ચાલવાનું છે. ઈરાનની આખી લીડરશિપ ખતમ કરવાની છે. ઈરાનને સીધું કરવા માટે ચાર સપ્તાહ લાગશે. ટ્રમ્પના આ નિવેદનના કારણે પણ દુનિયાને ચિંતા પેઠી છે. આગામી દિવસોમાં વૈશ્વિક વેપાર ખરાબ રીતે અસરગ્રસ્ત બનશે.

સેન્સેક્સ એક સમયે 2,746 પોઇન્ટ ખાબક્યો હતો

મધ્ય-પૂર્વમાં યુદ્ધના પગલે બ્રેન્ટ ક્રૂડ 12 ટકા વધી ઈન્ટ્રા-ડે 82 ડોલરે

- મધ્યપૂર્વની કટોકટીના લીધે સેન્સેક્સ 1,048 પોઇન્ટ ખાબકતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.59 લાખ કરોડનું ધોવાણ

નવી દિલ્હી : અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સાથેના યુદ્ધે આખા વિશ્વને હચમચાવી નાખ્યુ છે. તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ તેના લીધે એક સમયે ૧૦થી ૧૨ ટકા વધીને પ્રતિ બેરલ ૮૨ ડોલરને પાર થઈ ગયું હતું. જોકે, ઓપેકે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વધારો કરવાની જાહેરાત કરતાં ક્રૂડ ઓઈલના ભાવ પર તેની પણ અસર થઈ હતી અને ભાવ ગગડયા હતા. મધ્ય-પૂર્વના યુદ્ધના પગલે સોમવારે શેરબજારમાં પણ ભારે કડાકો બોલાયો હતો. સેન્સેક્સ ૧,૦૪૮ પોઈન્ટ તૂટતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૫૯ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ ૭૩ ડોલરની આસપાસના ભાવે સોદા થઈ રહ્યા છે. ઓપેકો ઓઇલનું ઉત્પાદન વધારીને પ્રતિ દિન ૨.૬૦ લાખ બેરલ કરવાની જાહેરાત કરી છે. આ વધારો વિશ્લેષકોની અપેક્ષા કરતાં પણ વધારે છે. સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, યુએઈ, કુવૈત, કઝાખસ્તાન, અલ્જીરિયા અને ઓમાને ઉત્પાદનમાં વધારો કર્યો છે. ઇરાન લગભગ પ્રતિ દિન ૧૬ લાખ બેરલનો ઓઇલ પુરવઠો પૂરો પાડે છે, જે મુખ્યત્વે ચીન ખરીદે છે. જો કે યુદ્ધના કારણે તેના પુરવઠામાં અવરોધ આવી શકે છે.  મધ્યપૂર્વમાં ભૂરાજકીય તનાવના કારણે યુરોપમાં ગેસની કિંમતો ૨૨ ટકા જેટલી ઉછળી છે. આ ઉછાળો ૨૦૨૨ના ગેસ બજારમાં જોવા મળેલા સંકટ પછી સૌથી મોટા ઉછાળામાં એક છે. 

સુપ્રીમ લીડર ખામેનઈના મોતના પગલે ઇરાને મધ્યપૂર્વના અનેક આરોબ દેશોમાં મિસાઇલ છોડતા આખા મધ્યપૂર્વમાં બૂમરાણ મચી ગઈ હતી. ઇરાને ઓમાન, કતર, યુએઈ, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં તેની મિસાઇલ છોડી હાહાકાર મચાવી દીધો હતો. ઇઝરાયેલમાં તેણે ખાસ કરીને તેલઅવીવને નિશાન બનાવ્યું હતું. 

શનિવારે શરૂ થયેલા યુદ્ધના કારણે વીકેન્ડમાં બંધ વૈશ્વિક બજારો સોમવારે બજાર ખૂલતા જ હચમચી ગયા હતા. બીએસઈ સેન્સેક્સે એક હજાર પોઇન્ટનો ઘટાડો નોંધાવતા રોકાણકારોની સંપત્તિમાં ૬.૫૯ લાખ કરોડનું ધોવાણ થયું હતું. દિવસના પ્રારંભિક સત્રામાં બીએસઇનો ૩૦ શેરનો સેન્સેક્સ દિવસના પ્રારંભિક સત્રમાં ૨,૭૪૩.૪૬ પોઇન્ટ કે ૩.૩૭ ટકા ઘટી ૭૮,૫૪૩.૭૩ જેટલો થઈ ગયો હતો. જો કે દિવસના અંતે સેન્સેક્સ ૧૦૪૮.૩૪ પોઇન્ટ એટલે કે ૧.૨૯ ટકા ઘટીને ૮૦,૨૩૮.૮૫ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. 

મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ અંગે ભારતના ઓઇલ મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારત સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારત દેશમાં ચાવીરૂપ પેટ્રોલિયમ પ્રડક્ટ્સની ઉપલબ્ધતા અને પોષણક્ષમતાના આધારે જરૂરી બધા પગલાં લેશે. ભારત તેની ક્રૂડ ઓઇલની ૮૮ ટકા જરૂરિયાત આયાતથી પૂરી કરે છે. આ જ રીતે નેચરલ ગેસની અડધા ઉપરાંતની જરૂરિયાત આયાતથી પૂરી કરે છે. ઓઇલ મિનિસ્ટર હરદીપ પુરીએ ક્રૂડ ઓઇલ, એલપીજી અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતાની સમીક્ષા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વિવિધ દેશો વચ્ચે ઘર્ષણ સમયે બજારની ચાલ

ઘર્ષણ

શરૂ થયા તારીખ

એક સપ્તાહ

એક સપ્તાહ પછી

-

-

પહેલા (ટકામાં)

પછી (ટકામાં)

રશિયા યુક્રેન

૨૪-૦૨-૨૦૨૨

- ૧.૩૨

- ૩.૧૮

ઇઝરાયલ- હમાસ

૦૭-૧૦-૨૦૨૩

૦.૭૪

૦.૪૩

ભારત- પાકિસ્તાન

૦૭-૦૫-૨૦૨૫

૦.૫૭

૦.૭૨

યુ.એસ./ ઇઝરાયલ ઇરાન

૨૮-૦૨-૨૦૨૬

-૧.૮૪

--