Get The App

ઈદ બાદ ફરી ભડકી હિંસા: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ભીષણ જંગ, અનેક જાનહાનિ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ઈદ બાદ ફરી ભડકી હિંસા: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ભીષણ જંગ, અનેક જાનહાનિ 1 - image


Pakistan-Afghanistan War: ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલો યુદ્ધવિરામ સમાપ્ત થતાની સાથે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ શરૂ થયો છે. બુધવારે (25મી માર્ચ) પૂર્વી અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલા ભારે ગોળીબારમાં બે નાગરિકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

તોપમારો અને વળતો પ્રહાર

અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના માહિતી નિર્દેશક ઝિયાઉર રહેમાન સ્પિનઘરના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામની મુદત પૂરી થતા જ પાકિસ્તાની દળોએ નારાઈ અને સરકાનો જિલ્લાઓ પર ડઝનબંધ તોપખાનાના ગોળા છોડ્યા હતા. આ હુમલામાં બે સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સામે પક્ષે, અફઘાન સરહદ સુરક્ષા દળોએ પણ આક્રમક વળતો જવાબ આપ્યો હતો. તાલિબાન અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમના વળતા પ્રહારમાં પાકિસ્તાની સેનાની ત્રણ લશ્કરી ચોકીઓ ધ્વસ્ત થઈ ગઈ છે અને એક પાકિસ્તાની સૈનિકનું મોત નીપજ્યું છે. જો કે, પાકિસ્તાન તરફથી આ નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર

પાકિસ્તાની સેનાએ આ મામલે મૌન સેવ્યું છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અફઘાન દળોએ પહેલા ગોળીબાર કરીને ઉશ્કેરણી કરી હતી. નોંધનીય છે કે સાઉદી અરેબિયા, તૂર્કિયે અને કતારની મધ્યસ્થીથી માંડ એક અઠવાડિયા પહેલા બંને દેશો શાંતિ માટે સહમત થયા હતા, પરંતુ આ સમજૂતી લાંબી ટકી શકી નથી.

TTP ની સક્રિયતાએ ચિંતા વધારી

સરહદી તણાવની સાથે સાથે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પણ પાકિસ્તાનની અંદર ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી છે. TTPએ અફઘાન તાલિબાનનું સહયોગી સંગઠન માનવામાં આવે છે. પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાન TTPના આતંકીઓને આશ્રય આપી રહ્યું છે, જેનો ઉપયોગ પાકિસ્તાન સામે કરવામાં આવે છે.