Macron hits Back At Trump’s Jibes: વિશ્વના બે શક્તિશાળી નેતા વચ્ચેનો વિવાદ હવે નવો વળાંક લઈ રહ્યો છે. નાટો અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દે પહેલેથી જ સામસામે આવી ગયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન હવે વ્યક્તિગત ટિપ્પણીઓને લઈને ચર્ચામાં છે. ફ્રાંસના પ્રમુખ મેક્રોન અને તેમના પત્ની બ્રિજિટ મેક્રોન વચ્ચેના એક વીડિયો પર ટ્રમ્પે કરેલી મજાકને મેક્રોને 'અસંસ્કારી' ગણાવી છે.
શું હતો સમગ્ર મામલો?
વાત એમ છે કે, ફ્રાન્સના પ્રમુખ મેક્રોન મે 2025માં વિયેતનામના પ્રવાસે ગયા, ત્યારે પ્લેનનો દરવાજો ખૂલતાની સાથે જ તેમના પત્ની બ્રિજિટ મેક્રોને તેમના ચહેરા પર ધક્કો મારતા કે 'થપ્પડ' મારતા હોય તેવું દેખાતું હતું. જો કે, મેક્રોને એ ઘટનાને હસીને ટાળી દીધી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો.
ટ્રમ્પની 'વૈવાહિક સલાહ' અને મેક્રોનનો જવાબ
વ્હાઇટ હાઉસમાં ઈલોન મસ્ક સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને ફ્રાન્સ અંગે સવાલ કરાયો હતો. ત્યારે તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘મેક્રોનને મારી એક જ સલાહ છે, હંમેશા દરવાજો બંધ રાખવો.’ ટ્રમ્પની આ મજાક પર ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા, પરંતુ મેક્રોનને આ વાત બિલકુલ પસંદ આવી નથી.
આ અંગે પ્રતિક્રિયા આપતા મેક્રોને કહ્યું કે, ટ્રમ્પની આ ટિપ્પણી 'ખૂબ નીચા સ્તરની' છે. એક દેશનો પ્રમુખ બીજા દેશના પ્રમુખના અંગત જીવન પર આવી ટિપ્પણી કરે તે શોભતું નથી.
ઈલોન મસ્ક પણ વિવાદમાં કૂદી પડ્યા
આ વિવાદમાં ટેસ્લાના માલિક ઈલોન મસ્ક પણ પાછળ ન રહ્યા. મસ્ક આંખ પર કાળા ડાઘ સાથે જોવા મળ્યા હતા. આ અંગે તેમણે મેક્રોનની મજાક ઉડાવતા કહ્યું હતું કે, ‘ના હું ફ્રાન્સની આસપાસ ક્યાંય નહોતો.’ આ ટિપ્પણી કરીને મસ્કે એ વાત તરફ ઈશારો કર્યો હતો કે, મેક્રોનને તેમની પત્નીએ મોં પર કથિત રીતે થપ્પડ મારી હતી.
નાટો અને યુક્રેન મુદ્દે પહેલેથી જ તણાવ
આ વ્યક્તિગત કટાક્ષો પાછળ ઊંડો રાજકીય તણાવ પણ જવાબદાર છે. ટ્રમ્પ અને મેક્રોન વચ્ચે નાટોના બજેટ અને યુક્રેન-રશિયા યુદ્ધને લઈને પહેલેથી જ મતભેદો ચાલી રહ્યા છે. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અને મેક્રોનનો યુરોપિયન અભિગમ અવારનવાર ટકરાતા રહ્યા છે, અને હવે આ 'સ્લેપ-ગેટ' વિવાદે તેમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો: યુદ્ધ વિરામની આશા! પાકિસ્તાન ફેઈલ જતાં અમેરિકા-ઈરાનનું સંઘર્ષ અટકાવવા આ દેશ મેદાને
વૈશ્વિક મંચ પર નેતાઓ વચ્ચેના મતભેદો સામાન્ય છે, પરંતુ જ્યારે તે વ્યક્તિગત અને કૌટુંબિક બાબતો સુધી પહોંચે છે, ત્યારે તે રાજદ્વારી સંબંધોમાં લાંબાગાળાની કડવાશ ઊભી કરી શકે છે. હાલ તો મેક્રોન અને ટ્રમ્પ વચ્ચેનો આ 'કોલ્ડ વોર' સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં હોટ ટોપિક બની ગયું છે.


