યુક્રેનમાંથી નીકળેલા કાર્ગો જહાજ પર હુમલામાં ચાર ભારતીયના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાએ ત્રણ મિસાઇલ વડે હુમલો કર્યાનો યુક્રેનનો દાવો
યુક્રેનનો મોસ્કો પર 400થી વધુ ડ્રોન વડે હુમલો કેટલાય ઓઇલ ડેપો ખતમ, બે રશિયન જહાજ ખતમ
કીવ : યુક્રેનના ઓડેસા બંદર પરથી અનાજ લઈ જતાં કાર્ગો શિપ પર થયેલા હુમલામાં ચાર ભારતીયના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારતે આ હુમલાને વખોડી કાઢ્યો છે, જ્યારે યુક્રેનનું કહેવું છે કે આ હુમલો રશિયાએ કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એમવી ગોલ્ડન નામના જહાજ પર ૧૯ જુલાઈના રોજ હુમલો થયો હતો. તેમા પાંચ ભારતીય સહિત ૧૭ ક્રૂ હતા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉપલબ્ધ માહિતી મુજબ ચાર ભારતીયે જીવ ગુમાવ્યો છે અને એક ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભારતે જણાવ્યું છે કે અમે વારંવાર જણાવ્યું છે કે કોઈપણ સંઘર્ષમાં કોમર્સિયલ જહાજને નિશાન ન બનાવવામાઁ આવે. યુક્રેનના જણાવ્યા મુજબ મકાઈ લઈ જતું ગોલ્ડન લીયો નામના જહાજ પર રશિયાના ત્રણ મિસાઇલોએ હુમલો કર્યો હતો. ૧૭માંથી આઠ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા.
યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર ૪૦૦થી વધુ ડ્રોન સાથે હુમલો કર્યો છે. આમ યુક્રેને લાંબા અંતરના ડ્રોન વડે રશિયામાં છેક ૪૦૦ કિ.મી. અંદર જઈને હુમલો કરવાની ક્ષમતા કેળવી છે. રશિયાએ કીવ અને યુક્રેનના અન્ય શહેરો પર બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યા પછી વળતો જવાબ આપતા યુક્રેને આ હુમલો કર્યો છે. મોસ્કોના મેયરે જણાવ્યું હતું કે યુક્રેનના ૮૫ ટકા ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે.
તેણે ઉમેર્યુ હતું કે એકપણ ડ્રોન રાજધાની મોસ્કો સુધી પહોંચ્યું ન હતું. મોસ્કો પ્રાંતના વડા એન્ડ્રેઇ વોરોબોયોવે જણાવ્યું હતું કે યુક્રેનના ડ્રોન હુમલામાં ૧૦ને ઇજા થઈ છે. કેટલાક રહેણાક બિલ્ડિંગો અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થયું છે. આ હુમલાના લીધે મોસ્કોથી ૩૦ કિ.મી. દૂર આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આગ લાગી છે. આ સિવાય મોસ્કોથી ૨૦ કિ.મી. દૂર આવેલા પોડોલ્સ્ક સ્થિત ઓઇલ ડેપોમાં પણ આગ લાગી છે.
યુક્રેનના લશ્કરી દળોએ પણ જણાવ્યું છે કે તેમણે રશિયામાં ઘણી બધી લોજિસ્ટિક ફેસિલિટીઝ અને ઓઇલ ડેપોને નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત રશિયાના કથિત શેડો ફ્લીટને પણ તેમણે લક્ષ્યાંક બનાવ્યું છે. આ સિવાય બ્લેક સીમાં ચાર ડ્રાય કાર્ગો શિપને પણ નિશાન બનાવવામાં આવ્યું છે, જો કે યુક્રેનના દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી.
યુક્રેનના લાંબા અંતરની ડ્રોન ટેકનોલોજીએ રશિયા માટે મુશ્કેલી સર્જી છે. તેના લીધે રશિયાએ તેની વિશાળ જમીનનું રક્ષણ કરવું વધું આકરું બન્યું છે. તેમા પણ રશિયાની ઓઇલ ફેસિલિટીઝ પર યુક્રેનના સતત હુમલાના લીધે રશિયાને ઘરઆંગણે ઇંધણની અછત સર્જાઈ છે. રશિયન પ્રમુખ પુતિન માટે પણ શરમજનક સ્થિતિનું નિર્માણ થયું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના એર ડિફેન્સે ૨૪ કલાકમાં કુલ ૧,૦૫૪ યુક્રેનિયન ડ્રોન તોડી પાડયા હતા.
યુક્રેનના ડ્રોન રશિયાની નબળાઈ છે તો રશિયાની બેલિસ્ટિક મિસાઇલ યુક્રેનની નબળાઈ છે. બેલિસ્ટિક મિસાઇલ અવાજ કરતાં વધુ ઝડપે આવતી હોવાથી યુક્રેનની એર ડિફેન્સ તેને રોકી શકતી નથી. રશિયા માટે યુક્રેન પર હુમલો કરવામાં ડ્રોન કરતાં બેલિસ્ટિક મિસાઇલ વધુ અસરકારક નીવડી છે. આના કારણે રશિયા હવે યુક્રેન પર બેલિસ્ટિક મિસાઇલના હુમલા ઉત્તરોતર વધારી રહ્યું છે. રશિયાએ ગઇકાલે યુક્રેન પર ૯૪ ડ્રોન અને બે મિસાઇલ વડે હુમલો કર્યો હતો. યુક્રેને રશિયાના ૮૧ ડ્રોન અટકાવી દીધા હતા, પરંતુ બેલિસ્ટિક મિસાઇલ અટકાવી શક્યું ન હતું. તેના લીધે નવ સ્થળોએ નુકસાન થયું હતું.




