World

અમેરિકામાં નોકરી ગુમાવનારા વિદેશીઓએ તુરંત દેશ છોડવો પડશે

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી મળતા અહેવાલ મુજબ, અમેરિકામાં H-1B સહિતના ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ (જેમાં ભારતીયો બહુમતીમાં છે) માટે ટ્રમ્પ સરકારે 60 દિવસનો ગ્રેસ પિરિયડ સમાપ્ત કરવાની દરખાસ્ત કરી છે. નોકરી છૂટતા જ દેશ છોડવાની ફરજ પડશે. આ નિયમ લાગુ થતા હજારો ભારતીય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર મોટો પ્રભાવ પડશે અને તેમને તાત્કાલિક અમેરિકા છોડવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં નોકરી ગુમાવનારા વિદેશીઓએ તુરંત દેશ છોડવો પડશે

Donald Trump new Plan: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ વધારવાનું શરૂ કર્યું છે. આ જ શ્રેણીમાં હવે ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ કે જેમાં ભારતીયો બહુમતીમાં હોય છે તેમના માટે ટ્રમ્પ સરકારે નોકરી છૂટતાની સાથે જ દેશ છોડવો પડે તેવી સ્થિતિ ઊભી કરવાની તૈયારી હાથ ધરી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે એચ-1બી અને અન્ય કાયદાકીય નોન-ઈમિગ્રન્ટ્સ વિદેશી કર્મચારીઓને નોકરી છૂટયા પછી મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ ખતમ કરવા માટે ટ્રમ્પ સરકારે વિચારણા હાથ ધરી છે.

અમેરિકામાં સૂચિત દરખાસ્ત વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ ઈન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સમીક્ષા માટે મોકલાઈ છે. આ નિયમ હજુ કાયદો બન્યો નથી. જોકે, તે કાયદો બની જશે તો એચ-1બી સહિત ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓએ નોકરી ગુમાવ્યા પછી તાત્કાલિક અમેરિકા છોડી જવાની ફરજ પડશે.

અમેરિકામાં એચ-1બી સહિતના ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોવાથી ટ્રમ્પ સરકારના આ નિર્ણયની એચ-1બી વિઝાધારક સહિતના ભારતીય પ્રોફેશનલ્સ પર સૌથી વધુ પડવાની ભીતિ સેવાઈ રહી છે.

હાલ અમેરિકામાં નોકરી કરતા ઈમિગ્રન્ટ્સને નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી, નવા સ્પોન્સર શોધવા, વિઝા સ્ટેટસ બદલવા અથવા દેશ છોડવાની તૈયારી કરવા માટે 60 દિવસનો સમય મળે છે.

આ ગ્રેસ પિરિયડ 2017માં લાગુ ડીએચએસ નિયમથી આવ્યો હતો, જેના હેઠળ વિદેશી કર્મચારી અને તેના પર નિર્ભર લોકોને નવી નોકરી શોધવાના સમય સુધી અમેરિકામાં કાયદેસર રોકાણની મંજૂરી મળતી હતી. આ સુવિધાનો લાભ ઈ-1, ઈ-2, ઈ-3, એચ-1બી, એચ-1બી1, એલ-1, ઓ-1 અને ટીએન જેવા નોન ઈમિગ્રન્ટ વિઝાધારકોને મળતો હતો.

ટ્રમ્પ સરકાર સંબંધિત પ્રસ્તાવ સ્વીકારી લેશે તો બધા જ પ્રકારની શ્રેણીના પ્રોફેશનલ્સ અને વિદેશી કામદારો માટે મોટી મુશ્કેલી ઊભી થશે. નોકરી ગુમાવવા અથવા વિપરિત પરિસ્થિતિઓમાં નોકરી છોડવાના સંદર્ભમાં તેમણે તાત્કાલિક અમેરિકા છોડવું પડશે.

અમેરિકા છોડવા માટે જરૂરી વ્યવસ્થા માટે તેમને કેટલા દિવસનો સમય મળશે તે પણ હજુ સ્પષ્ટ નથી. અમેરિકામાં હજારો ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સ વર્ષોથી રહે છે, ઘર ખરીદ્યા છે, ટેક્સ ચૂકવ્યા છે, બાળકોને અમેરિકાની સ્કૂલોમાં ભણાવ્યા છે અને કારકિર્દી બનાવી છે. પરંતુ સૂચિત પ્રસ્તાવથી તેમની કારકિર્દી જ નહીં પરિવારનું જીવન પણ અનિશ્ચિતતામાં ધકેલાવાનું જોખમ ઊભું થયું છે તેમ સૂત્રોનું કહેવું છે.