World

નેપાળમાં જળપ્રલય : 469ના મોત, 30 દેશોના લોકો સંપર્કવિહોણા; 288 ભારતીયોની શોધખોળ તેજ

By GS Team
28 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળ-તિબેટ સરહદે આવેલા ભયાનક પૂરને 3 દિવસ થવા છતાં મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં 469 લોકોના મૃત્યુ થયા છે અને 30થી વધુ દેશોના નાગરિકો ગુમ છે. 1,600થી વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. ભારતે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે. 84 ભારતીયોને બચાવાયા. નવા સરોવર નિર્માણથી યુપી-બિહારમાં એલર્ટ અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં જળપ્રલય : 469ના મોત, 30 દેશોના લોકો સંપર્કવિહોણા; 288 ભારતીયોની શોધખોળ તેજ

Nepal Flash Flood : નેપાળ અને તિબેટની સરહદ પર આવેલી ભયાનક પૂરની હોનારતને 3 દિવસ વીતી ગયા હોવા છતાં મલબામાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 469 પર પહોંચી ગયો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ હોનારતમાં 30થી વધુ દેશોના નાગરિકો ગુમ છે. જેમાં ભારત, અમેરિકા, ચીન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુક્રેન સહિતના દેશોના પ્રવાસીઓ તથા મજૂરો સામેલ છે. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1,600થી વધુ લોકોને હેલિકોપ્ટર અને જમીની માર્ગે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ સેંકડો લોકો લાપત્તા છે.

રાહત અને બચાવ કામગીરી ઝડપી બનવાઈ
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, 796 લોકોને હેલિકોપ્ટર મારફતે અને 700 લોકોને જમીની રસ્તે સુરક્ષિત બહાર કઢાયા છે. ચિતવન જિલ્લામાંથી સૌથી વધુ 137 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, તનહું અને નવલપરાસી જિલ્લાઓમાંથી પણ મૃતદેહો મળ્યા છે. પૂરે 35 પુલ, 45 ઝૂલતા પુલ અને લગભગ 40 કિલોમીટરના રસ્તાઓ નષ્ટ કરી દીધા છે. ત્રિશૂલી અને દેવીઘાટ જેવા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે નુવાકોટ જિલ્લાના વિદુર નગરપાલિકા વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે ચીનના વડાપ્રધાન લી છિયાંગે પણ તિબેટના ગ્યીરોંગ વિસ્તારની મુલાકાત લઇને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

ભારત અને અન્ય દેશો દ્વારા મદદની જાહેરાત
ભારતે નેપાળની મદદ માટે અત્યાર સુધીમાં 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કાઠમંડુ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસો સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. અત્યાર સુધીમાં 84 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવાયા છે. જેમાં ત્રિશૂલી-1 પ્રોજેક્ટના 63 મજૂરો અને તમિલનાડુના 21 લોકો સામેલ છે. અમેરિકાએ 5 લાખ ડોલર, બ્રિટને 50 લાખ પાઉન્ડ અને શ્રીલંકાએ 10 લાખ ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.

કેવી રીતે સર્જાઈ આ ભયાનક દુર્ઘટના?
બુધવારે નેપાળ-ચીન સરહદ નજીક લાંગતાંગ લિરુંગ પર્વત પાસે એક હિમનદી (ગ્લેશિયર)નો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. તેની સાથે પહાડના ખડકો પણ ધસી પડ્યા હતા. બરફ અને કાટમાળ પહેલા લ્હેંદે નદીમાં પડ્યો હતો, જેનાથી નદીનો પ્રવાહ રોકાઈ ગયો હતો. આ અસ્થાયી બંધ તૂટતા જ પાણી અને કાટમાળનો ભયાનક પ્રવાહ ભોટેકોશી અને ત્રિશૂલી નદી તંત્ર મારફતે મધ્ય નેપાળમાં તબાહી મચાવવા લાગ્યો હતો. યુએસજીએસ (USGS) અને વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં જેને 4.4 તીવ્રતાનો ભૂકંપ માનવામાં આવતો હતો, તે ખરેખર હિમનદી તૂટવા અને ખડકો ધસવાને કારણે થયેલી પ્રચંડ હલચલ હતી.

ગુમ નાગરિકોના આંકડા

નેપાળની આપદા પ્રબંધન એજન્સી અનુસાર માત્ર નેપાળમાં જ 910 લોકો ગુમ છે. તિબેટ તરફ 558 લોકો ગુમ છે. ભારતના વિદેશ મંત્રાલય અનુસાર 288 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેમાંથી 73 લોકો હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા અને બાકીના કૈલાશ માનસરોવર યાત્રાએ ગયા હતા. આ ઉપરાંત અમેરિકાના 90, મલેશિયાના 51, યુક્રેનના 55, ઓસ્ટ્રેલિયાના 39 અને બ્રિટનના 33 નાગરિકો પણ ગુમ છે.

નવા સરોવર નિર્માણથી ખતરો અને યુપી-બિહારમાં એલર્ટ

ભોટેકોશી નદીના ઉપરી ભાગમાં ચોચેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ પર કાટમાળ જમા થવાથી એક નવું સરોવર બની ગયું છે, જેમાં 20 લાખ ઘન મીટર પાણી જમા થઈ ચૂક્યું છે. જો આ કુદરતી બંધ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી પૂર આવી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગરમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. બિહારના વાલ્મીકિનગર બેરેજના તમામ 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ 13 સંવેદનશીલ ગ્લેશિયર તળાવો પર સતત નજર રાખવાના નિર્દેશ આપ્યા છે.