નેપાળમાં જળપ્રલય : 100નાં મોત, અનેક ભારતીયો ગુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તિબેટમાં આવેલા ભૂકંપથી નેપાળની નદીઓ ગાંડીતૂર બની અને પળવારમાં બધુ કાટમાળ થઈ ગયુ!
- સેકન્ડોમાં જ ૧૧ હાઇડ્રોપાવર પ્લાન્ટ, ૧૯ પુલ, ૪૦ કિમી સુધી અનેક રોડ ધોવાઇ ગયા, ગામડાઓ સાફ થઇ ગયા
- ૩૦૦ જેટલા વિદેશીઓ સહિત ૭૫૦થી વધુ લોકો ગુમ, અનેક ભારતીય પર્યટકો પણ ફસાયા હોવાની ભીતિ
- ૩૦ હેલિકોપ્ટર સાથે નેપાળ સૈન્ય તૈનાત, ભારતે રાહત સામગ્રી રવાના કરી, બિહાર, ઉત્તર પ્રદેશમાં તંત્ર એલર્ટ
નવી દિલ્હી/કાઠમંડુ, તા. ૨૬
નેપાળ ફરી એક વખત કુદરતી આફતની લપેટમાં આવી ગયું છે, અચાનક આવેલા ફ્લેશ ફ્લડને કારણે ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે ૭૫૦થી વધુ ગુમ છે. મૃતકો અને ગાયબ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે. જ્યારે અચાનક જ ભારે પૂરને પગલે અનેક મકાનો ધરાશયી થઇ ગયા છે. ચારથી પાંચ જિલ્લાઓમાં ભારે તારાજી જોવા મળી રહી છે. નેપાળમાં આવેલા આ ફ્લેશ ફ્લડ કે પૂરને કારણે ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશને એલર્ટ કરવા પડયા હતા.
સવારે ૮.૩૭ કલાકે નેપાળની નજીક આવેલા તિબેટના વિસ્તારમાં ૪.૪ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, બાદમાં સવારે ૯ વાગ્યા આસપાસ ભોટેકોશી નદીમાં અચાનક જ પૂર આવ્યું હતું. તેથી અચાનક જ નદીનું પાણી પૂર ઝડપે કેટલાક વિસ્તારોમાં ઘૂસવા લાગ્યું, પાણીની ગતિ એટલી હતી કે જાણે સુનામી આવી હોય તે રીતે અનેક ગામડા સાફ કરી નાખ્યા. સાથે જ અનેક લોકો પાણીમાં તણાઇ ગયા છે તેથી મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતાઓ છે. જે પણ લોકો ગુમ છે તેમાં ૧૩૩ ભારતીયો હોવાનું અનુમાન છે. સાથે જ ૨૮ જેટલા નેપાળી પોલીસ કર્મચારીઓ પણ ગૂમ છે. પ્રાપ્ત આંકડા મુજબ આ ફ્લેશ ફ્લડમાં નેપાળનો મોટો હિસ્સો ભારે તારાજીનો ભોગ બન્યો છે, કેમ કે અનેક કિમી સુધી રોડ ધોવાઇ ગયા છે. ૧૧ હાઇડ્રોપાવર પ્લાન્ટને નુકસાન થયું છે, જ્યારે ૪૩૧ મેગાવોટ વીજળી ઉત્પાદન સિસ્ટમથી બહાર થઇ ગયું છે. ભારે પૂરમાં ૧૯ જેટલા પુલ અને ૪૦ કિમી સુધી રોડ સાફ થઇ ગયા છે. જેને પગલે અનેક જિલ્લાઓમાં હાલ વાહન વ્યવહાર ખોરવાયો છે. રસુવા અને માલ્ખુ સુધી ૨૦થી વધુ સસ્પેંશન અને મોટરેબલ પુલ પણ વહી ગયા હતા. ટેલીકોમ્યુનિકેશન પણ ઠપ થઇ ગયું છે, ૨૫થી વધુ ટેલીકોમ સાઇટ પૂરની લપેટમાં આવી જતા હજારો લોકો સંપર્ક વિહોણા થઇ ગયા છે. અનેક વિસ્તારોમાં તો લોકોને પૂરથી એલર્ટ કરનારી સિસ્ટમ પણ પૂરમાં તણાઇ ગઇ છે.
આશરે ૨૩ મિનિટ સુધી આ જળપ્રલય નેપાળને ઘમરોળતુ રહ્યું, પૂરની સ્થિતિને પહોંચી વળવા અને ફસાયેલા લોકોને મદદરૂપ થવા માટે નેપાળ આર્મી દ્વારા ૩૦ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ભારત તરફ ભારતીય એરફોર્સ દ્વારા રાહતસામગ્રી સાથે બે હેલિકોપ્ટર દોડાવવામાં આવશે. નેપાળના ટુરિઝમ બોર્ડે કહ્યું છે કે ૩૮૪ ટ્રાવેલર્સ કે જેમાં ૨૯૧ વિદેશીઓ, ૯૩ નેપાળીઓનો સમાવેશ થાય છે તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે અને હાલ ક્યાં છે તેની કોઇ જ જાણકારી નથી.
પ્રાથમિક યાદીમાં ૧૦૫ ભારતીયો પણ ગૂમ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નેપાળની સરહદે આવેલા બિહાર અને ઉત્તર પ્રદેશમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફની અનેક ટીમો આ રાજ્યોમાં તૈનાત કરી દેવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગે તિબેટમાં જે તારાજી સર્જાઇ છે તેને લઇને રેસ્ક્યૂ ઓપરેશનના આદેશ આપ્યા હતા. ભારતે તાત્કાલીક પોતાના પાડોશી દેશ નેપાળ માટે રાહત સામગ્રી રવાના કરી દીધી છે.
નેપાળ-ચીન ફ્રેન્ડશિપ બ્રિજ પાણીમાં ખાબક્યો
નેપાળ-ચીન બોર્ડરે બનેલ ફ્રેન્ડશિપ બ્રિજ પણ આ ફ્લેશ ફ્લડમાં તણાઇ ગયો હતો. પાંદડાની જેમ પાણીમાં વહી જતા આ પુલનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ૨૦૨૫માં પણ પૂરને કારણે આ ફ્રેન્ડશિપ બ્રિજ તણાઇ ગયો હતો જોકે તાજેતરમાં રિપેર કરીને ત્યાં ચીનની વસ્તુઓની અવરજવર વધારી દેવાઇ હતી, હવે ફરી આ પુલ તણાઇ જતા ફરી એક વખત નેપાળ સાથે ફ્રેન્ડશિપના ચીનના પ્રયાસો પર પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો.
હિમસ્ખલનથી નદી પર કુદરતી ડેમ બન્યો અને બાદમાં તે તૂટતા પૂર આવ્યાનું અનુમાન
ગ્લેશિયરના પહાડનો એક મોટો હિસ્સો તુટીને નેપાળ અને તિબેટ વચ્ચે વહેતી નદી એલહેન્ડે ખોલામાં ધસી આવ્યો અને પાણીનો પ્રવાહ અટકાવી દીધો હતો. બાદમાં અચાનક જ પાણીનો ધોધ છોડયો જેને કારણે એલહેન્ડે ખોલા સાથે જોડાયેલી નદી ભોટેકોશીમાં પૂર આવ્યું હતું. પૂર આવ્યું તેના એક કલાક પહેલા જ ૪.૪ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે આ હિમપ્રપાત થયું હોવાની શક્યતાઓ છે. નેપાળ અને તિબેટમાં અવાર નવાર હિમસ્ખલન થયા કરે છે જેને કારણે નદીઓ પર થોડા સમય માટે કુદરતી ડેમ બની જાય છે અને જળ ભરાવા લાગે છે, બાદમાં અચાનક જ પુર ઝડપથી આ પાણી છૂટે છે અને પૂર આવે છે.




