World

30 સેકન્ડનો ભીષણ વિસ્ફોટ, 50,000 ફૂટ ઊંચી રાખ: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં હજારો લોકો ફસાયા

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ઈન્ડોનેશિયામાં રવિવારે વહેલી સવારે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટતાં આકાશમાં 50,000 ફૂટ ઊંચે રાખના વિશાળ વાદળો છવાઈ ગયા હતા. જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે સુન્ડા ખાડીમાં થયેલા આ વિસ્ફોટને કારણે જકાર્તાના સોએકાર્નો-હટ્ટા એરપોર્ટ પર 209 ફ્લાઈટ્સ ખોરવાઈ હતી. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તંત્રએ લોકોને 3 કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

30 સેકન્ડનો ભીષણ વિસ્ફોટ, 50,000 ફૂટ ઊંચી રાખ: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં હજારો લોકો ફસાયા

Indonesia Volcano : ઈન્ડોનેશિયામાં રવિવારે વહેલી સવારે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટતાં આકાશમાં રાખના વિશાળ વાદળો છવાઈ ગયા હતા. આ ધડાકા બાદ રાખનો એક ગોટો 20,000 ફૂટ અને બીજો આશરે 50,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો. આકાશમાં રાખ ફેલાઈ જવાને કારણે જકાર્તાના સોએકાર્નો-હટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા કલાકો માટે વિમાન સેવાઓ અટકાવી દેવી પડી હતી.

30 સેકન્ડ સુધી વિસ્ફોટ, જાનહાનિ ટળી

જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે સુન્ડા ખાડીમાં આવેલા આ જ્વાળામુખીમાં રવિવારે સવારે 3:53 વાગ્યે આશરે 30 સેકન્ડ સુધી વિસ્ફોટ નોંધાયો હતો. કેમેરામાં જ્વાળામુખીમાંથી લાવા નીકળતો સ્પષ્ટ દેખાયો હતો. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૌથી નજીકની વસ્તી 16 કિલોમીટર દૂર હોવા છતાં સાવચેતીના ભાગરૂપે લોકોને સક્રિય ક્રેટરથી ઓછામાં ઓછા 3 કિલોમીટર દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આકાશમાં 50,000 ફૂટ ઊંચે ઊડ્યા રાખના ગોટા

વિસ્ફોટ પછી રાખ બે અલગ-અલગ દિશામાં ફેલાઈ હતી. 20,000 ફૂટ ઊંચો ગોટો ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા જકાર્તા, બેન્ટેન અને પશ્ચિમ જાવાના ભાગો પ્રભાવિત થયા હતા. જ્યારે 50,000 ફૂટ ઊંચાઈએ પહોંચેલો બીજો ગોટો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ સરકતાં બેન્ટેન, લેમ્પુંગ, બેંગકુલુ અને હિંદ મહાસાગરના વિસ્તારો સુધી પહોંચી ગયો હતો.

જકાર્તા એરપોર્ટ પર 209 ફ્લાઈટ્સ ખોરવાઈ

રાખના જોખમને પગલે એરપોર્ટ પ્રશાસને સવારે 5:30થી 9:30 વાગ્યા સુધી ફ્લાઈટ સંચાલન બંધ રાખ્યું હતું. આ કારણે દિવસ દરમિયાન 209 ફ્લાઈટ્સને અસર થઈ હતી અને અંદાજે 22,800 મુસાફરો અટવાઈ પડ્યા હતા. સિંગાપોર, હોંગકોંગ, સિડની, દોહા અને કુઆલાલમ્પુર સહિતના આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઈટ્સ રદ કે મોડી પડી હતી, જ્યારે 170 વિમાનો એરપોર્ટ પર જ ગ્રાઉન્ડેડ રહ્યા હતા.

2018માં આ જ્વાળામુખીએ મચાવી હતી તબાહી

અનાક ક્રાકાટોઆ હાલમાં ચાર સ્તરની ચેતવણી વ્યવસ્થામાં બીજા સૌથી ઊંચા સ્તરે છે. વર્ષ 2018માં આ જ્વાળામુખી ફાટ્યા બાદ સર્જાયેલી ભયાનક સુનામીમાં 430થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, તે વિસ્ફોટ પછી આ જ્વાળામુખી ટાપુ પોતાના મૂળ કદ કરતાં ચોથા ભાગનો જ રહી ગયો છે.