| (IMAGE - ENVATO) |
Faroe Islands Dolphin Slaughter: ડેનમાર્કના ફારો આઇલૅન્ડ્સ (Faroe Islands) પર એક ખૂબ જ આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં 1000 વર્ષ જૂની પરંપરાના નામે 700થી વધુ નિર્દોષ વ્હેલ અને ડોલ્ફિન માછલીઓને અત્યંત દર્દનાક મોત આપવામાં આવ્યું છે. આ ભયાનક શિકારને કારણે દરિયાનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું. સ્થાનિક ભાષામાં આ પ્રથાને 'ગ્રીંડાદ્રાપ' કે 'ગ્રાઇન્ડ' કહેવામાં આવે છે.
આ પ્રથા અંતર્ગત સ્થાનિકો હૂક અને ધારદાર ચપ્પુનો ઉપયોગ કરીને એટલાન્ટિક વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિન અને લોન્ગ-ફિન્ડ પાયલટ વ્હેલને ઘેરી લે છે અને તેમને દરિયાના ઓછા ઊંડાણવાળા કિનારા તરફ ખેંચી લાવીને બેરહેમીથી કાપી નાખે છે. આ ભયાનક દૃશ્ય જોવા માટે કિનારા પર બાળકો સહિત અનેક સ્થાનિકો ઊભા હતા. બાદમાં આ મૃત જળચર જીવોના માંસને ખાવા માટે વહેંચી દેવામાં આવ્યો હતો.
માત્ર એક જ દિવસમાં 706 જીવોનો ભયાનક શિકાર
એક પર્યાવરણ સંસ્થાના જણાવ્યા અનુસાર, વ્હેલ અને ડોલ્ફિનના આ ભયાનક સામૂહિક શિકારની ઘટનાઓ 27 મેના રોજ ફરોએ દ્વીપના ત્રણ અલગ-અલગ દરિયા કિનારે બની હતી. આ વિસ્તાર સ્કોટલૅન્ડથી આશરે 200 માઇલ ઉત્તરમાં આવેલો છે. શિકારીઓએ આ ત્રણ જગ્યાઓ પર ત્રાટકીને કુલ 706 જેટલા નિર્દોષ દરિયાઈ જીવોની હત્યા કરી નાખી હતી.
આ શિકાર દરમિયાન 'તોર્શા વન' નામના સ્થળે સૌથી વધુ 402 પાયલટ વ્હેલ અને 4 બોટલનોઝ ડોલ્ફિનને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ સિવાય 'સ્કાલાબોટનુર' કિનારે 168 અને 'હ્વાલવિક' નામના સ્થળે 132 વ્હાઇટ-સાઇડેડ ડોલ્ફિન માછલીઓનો શિકાર કરાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે શિકારીઓએ આ અસહાય પ્રાણીઓને મારવામાં ઘણો લાંબો સમય લગાડ્યો હતો, જેના કારણે આ જળચર જીવો મરતાં પહેલા લાંબા સમય સુધી દરિયાના કિનારે અસહ્ય પીડાથી તરફડતા રહ્યા હતા.
વાઇકિંગ યુગની પરંપરા વિરુદ્ધ કાયદામાં ફેરફાર
આ પ્રથાને ટેકો આપતા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ 1000 વર્ષ જૂની વાઇકિંગ કાળની પરંપરા છે, જે તેમની સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ છે અને તેનાથી સમુદાયને ખોરાક મળે છે. તેથી ડેનમાર્કનો આ સ્વાયત્ત પ્રદેશ આ શિકારનો બચાવ કરે છે. બીજી તરફ, પ્રાણીઓના અધિકારો માટે લડતાં એક્ટિવિસ્ટ્સ આ પ્રથાને અત્યંત ક્રૂર અને પછાત માને છે, જેની આજના આધુનિક યુગમાં કોઈ જરૂર નથી. આ ભયાનક શિકાર પાછળનું એક ચોંકાવનારું કારણ એ પણ સામે આવ્યું છે કે, આ ઘટનાના બરાબર એક દિવસ પહેલા એટલે કે 26 મેના રોજ જ ફરોએ દ્વીપની સંસદે પોતાના પશુ કલ્યાણ કાયદામાં મોટો ફેરફાર કરીને ડોલ્ફિનને સુરક્ષા આપતો કાયદાકીય ભાગ જ હટાવી દીધો હતો.


