World

Explainer: UNમાં તૂર્કિયેએ ફરી આલાપ્યો કાશ્મીર રાગ... જાણો કયા ત્રણ કારણોસર તે કરે છે પાકિસ્તાનની ચાંપલૂસી

By GS Team
24 Sep 20264 mins read
TukuTouch Logo
ન્યૂયોર્કમાં UNGA મંચ પરથી તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે દક્ષિણ એશિયાના વિવાદો વાટાઘાટોથી ઉકેલવાની વાત કરી. 8 વર્ષમાં 7 વખત કાશ્મીર રાગ આલાપ્યો. પાકિસ્તાન સાથેની ગાઢ મિત્રતા, મુસ્લિમ દેશોના નેતા બનવાની ઈચ્છા અને સ્થાનિક વોટ બેંક જેવા કારણોસર તૂર્કિયે આવું કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: UNમાં તૂર્કિયેએ ફરી આલાપ્યો કાશ્મીર રાગ... જાણો કયા ત્રણ કારણોસર તે કરે છે પાકિસ્તાનની ચાંપલૂસી

Turkish President Recep Tayyip Erdogan's statement on Kashmir: જ્યારે પણ યુનાઈટેડ નેશન્સની બેઠક હોય છે, ત્યારે તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન 'કાશ્મીર'ની એ જ જૂની કેસેટ વગાડવાનું શરૂ કરી દે છે. કાશ્મીર મુદ્દે તેમણે કાયમ પાકિસ્તાનનો પક્ષ લઈને ભારત વિરોધી નિવેદનો આપ્યા છે. તાજેતરમાં પણ તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના મંચ પરથી કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતની વારંવારની ચેતવણીઓ અને કડક વલણ છતાં તૂર્કિયે વારંવાર આવું કેમ કરે છે? ચાલો જાણીએ આ રાજકીય રમત પાછળ તૂર્કિયેની ગણતરી શું છે…

તૂર્કિયેએ 8 વર્ષમાં 7 વાર આલાપ્યો કાશ્મીર રાગ

અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર સહિત દક્ષિણ એશિયાના તમામ વિવાદો યુએન ચાર્ટરના ફ્રેમવર્ક હેઠળ વાટાઘાટો અને ચર્ચા દ્વારા ઉકેલવા જોઈએ. વર્ષ 2019થી અત્યાર સુધીમાં, 8 વર્ષમાં 7 વખત તેમણે આ મંચ પરથી કાશ્મીરનો રાગ આલાપ્યો છે.

તૂર્કિયે આવું શા માટે કરે છે?

વિદેશ બાબતોના નિષ્ણાતો તૂર્કિયેની આ હરકત પાછળના મુખ્ય 3 કારણો સમજાવે છે.

1: પાકિસ્તાન સાથેની ગાઢ મિત્રતા

  • 1947માં પાકિસ્તાન બન્યું ત્યારે તેને સૌથી પહેલા માન્યતા આપનાર દેશ તૂર્કિયે હતો.
  • તૂર્કિયેએ યુએનમાં પણ પાકિસ્તાનના સભ્યપદને ટેકો આપ્યો હતો.
  • બંને દેશો વચ્ચે હથિયારોનો વેપાર થાય છે. તેઓ સાથે મળીને લડાયક ડ્રોન, નૌકાદળના જહાજો અને પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ (KAAN) પણ બનાવી રહ્યા છે.
  • મે 2025માં 'ઓપરેશન સિંદૂર' વખતે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, ત્યારે તૂર્કિયેએ પાકિસ્તાનને ડ્રોન અને લશ્કરી સલાહકારો પૂરા પાડ્યા હતા.
  • એટલું જ નહીં, તૂર્કિયેએ અમેરિકાને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ભારતમાં અપાચે હેલિકોપ્ટર ઉડાડવાની મંજૂરી પણ આપી ન હતી.

2: મુસ્લિમ દેશોના લીડર બનવાની ઇચ્છા

  • એર્દોગન પોતાને જૂના 'ઓટ્ટોમન સામ્રાજ્ય'ના વારસદાર માને છે અને સમગ્ર મુસ્લિમ વિશ્વના નેતા બનવા માંગે છે. આ માટે તેઓ પેલેસ્ટાઇન, રોહિંગ્યા અને કાશ્મીર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલે છે.
  • સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) જેવા શક્તિશાળી દેશોથી અલગ દેખાવા માટે તેઓ પાકિસ્તાન, મલેશિયા અને કતાર સાથે નવી જોડાણ રચી રહ્યા છે.
  • ઑગસ્ટ 2026માં સાઉદી, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ થયો અને તેના થોડા જ અઠવાડિયા પછી એર્દોગને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, જે દર્શાવે છે કે તેઓ ભારતનો વિરોધ કરીને આ નવા લશ્કરી જોડાણનો ફાયદો ઉઠાવવા માંગે છે.

3: તૂર્કિયેનું સ્થાનિક રાજકારણ અને વોટ બૅંક

  • એર્દોગનની પાર્ટી AKP(Adalet ve Kalkınma Partisi એટલે કે Justice and Development Party)ની મોટી વોટ બૅંક ધાર્મિક વિચારધારા ધરાવે છે.
  • જ્યારે પણ તૂર્કિયેના અર્થતંત્ર પર દબાણ વધે છે કે સ્થાનિક સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે એર્દોગન કાશ્મીર જેવા મુદ્દા ઉઠાવીને પોતાના સમર્થકોને ખુશ કરવાનો અને વૈશ્વિક નેતા દેખાવાનો પ્રયાસ કરે છે.

…તો પછી 2024માં કેમ કંઈ ન બોલ્યા?

એર્દોગને 2019 પછી માત્ર વર્ષ 2024માં UNGAમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તે સમયે તૂર્કિયે 'BRICS' સંગઠનમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને ભારતને નારાજ કરવા માંગતું ન હતું. આનો સીધો અર્થ એ છે કે જ્યારે તૂર્કિયેને પોતાના આર્થિક ફાયદા દેખાય છે, ત્યારે તે ચૂપ રહે છે.

2019ના વિવાદ વખતે ભારતે આપેલો જડબાતોડ જવાબ

2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી, ત્યારે એર્દોગને સૌથી વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે, ત્યાં 80 લાખ લોકો નાકાબંધીમાં જીવી રહ્યા છે અને 72 વર્ષથી આંતરરાષ્ટ્રીય સમુદાય આ મુદ્દે નિષ્ફળ રહ્યો છે. તે વખતે ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તૂર્કિયેની યાત્રા રદ કરી દીધી હતી. ભારતે તૂર્કિયે સાથેના સંરક્ષણ સંબંધો પણ મર્યાદિત કરી દીધા હતા અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ‘જમ્મુ અને કાશ્મીર’ ભારતનું અવિભાજ્ય અંગ છે. 1972ના શિમલા કરાર મુજબ આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે, જેમાં કોઈ ત્રીજા પક્ષ(જેમ કે તૂર્કિયે કે UN)ની દખલગીરીની કોઈ જરૂર નથી. તૂર્કિયેએ બીજા દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ.

ભારત-તૂર્કિયેના સંબંધો પર શું અસર પડશે?

એર્દોગનના આ નવા નિવેદનથી બંને દેશો વચ્ચે ફરીથી તણાવ વધી શકે છે. 2025ના પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, બંને દેશો એપ્રિલ 2026થી વાટાઘાટો દ્વારા સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને વચ્ચે આશરે $7.5 બિલિયનનો વેપાર થાય છે. તૂર્કિયે ભારત સાથે વેપાર વધારવા માંગે છે. તેમના વિદેશ મંત્રી કહે છે કે ભારતે તૂર્કિયેને પાકિસ્તાનના ચશ્માથી ન જોવું જોઈએ, પરંતુ જ્યારે કાશ્મીરની વાત આવે ત્યારે તૂર્કિયે પાકિસ્તાનનો જ પક્ષ લે છે. તૂર્કિયેની આ બેધારી નીતિ બંને દેશોના વેપાર અને સંબંધોને મોટું નુકસાન પહોંચાડી શકે છે.