EXPLAINER : રૂપિયો, પાસપોર્ટ અને શાસન પણ દિલ્હીથી... શું બહેરીન ભારતનો જ હિસ્સો હતો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bahrain and India History : પર્શિયન ગલ્ફ(અખાત)માં આવેલો કોઈ સમૃદ્ધ આરબ દેશ ક્યારેય ભારતીય વહીવટનો હિસ્સો હતો એમ કહેવામાં આવે તો એ વાત પર વિશ્વાસ થઈ શકે? હા, વાત થઈ રહી છે બહેરીનની. એક એવો સમય હતો જ્યારે બહેરીનના નાગરિકો ભારતીય પાસપોર્ટ મેળવતા હતા અને ત્યાંની બજારોમાં ભારતીય રૂપિયો ધૂમ મચાવતો હતો. પરંતુ આજે સમય બદલાયો છે. વર્તમાન સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં બહેરીન અચાનક મુખ્ય નિશાન બની ગયું છે. ઈરાન વારંવાર બહેરીન પર હુમલા કેમ કરે છે અને આ સમગ્ર વિવાદ પાછળ સદીઓ જૂનો કયો તિહાસ છુપાયેલો છે? ચાલો વિગતવાર સમજીએ.
પૃથ્વી પર બહેરીનનું સ્થાન
બહેરીન(સત્તાવાર નામ: કિંગડમ ઑફ બહેરીન) પર્શિયન ગલ્ફમાં આવેલો ટાપુ દેશ છે. તેની રાજધાની મનામા(Manama) છે. બહેરીનની પશ્ચિમે સાઉદી અરેબિયા, દક્ષિણે કતાર અને ઉત્તર-પૂર્વમાં ઈરાન આવેલું છે. વૈશ્વિક તેલ વેપાર અને દરિયાઈ માર્ગોની દૃષ્ટિએ બહેરીનનું ભૌગોલિક સ્થાન અત્યંત મહત્ત્વનું છે.
બહેરીન અને ભારતનો સદીઓ જૂનો સંબંધ
બહેરીન ભૌગોલિક રીતે ભલે ભારતથી અલગ હતું, પરંતુ 1947 સુધી વહીવટી રીતે તે બ્રિટિશ ભારત(British India) હેઠળ આવતું હતું. જયપુર, જોધપુર અને હૈદરાબાદ જેવા ભારતના રજવાડાઓની જેમ જ બહેરીન અને અખાતના અન્ય શેખડોમ(અખાતના એ રાજ્યો જ્યાં પરંપરાગત રીતે કોઈ 'શેખ'(આરબ શાસક કે શાહી પરિવાર)નું શાસન હોય) પણ બ્રિટિશ શાસન હેઠળ હતા.
બહેરીનની આખી વિદેશ નીતિ અને વહીવટ તે સમયે નવી દિલ્હીથી ઓપરેટ થતો હતો. બહેરીનમાં તૈનાત બ્રિટિશ પોલિટિકલ એજન્ટ સીધો દિલ્હી રિપોર્ટ કરતો અને ત્યાં વ્યવસ્થા જાળવવા માટે ‘ભારતીય રાજકીય સેવા’(Indian Political Service - IPS)ના અધિકારીઓ મોકલવામાં આવતા. આ જ કારણ હતું કે ત્યાં ભારતીય પાસપોર્ટ(1947 સુધી) અને રૂપિયો ચાલતો હતો. ભારતીય ચલણ તો આઝાદી પછી પણ લાંબા સમય સુધી ત્યાં માન્ય હતું. 1965માં બહેરીની દિનાર માર્કેટમાં આવતાં 'ગલ્ફ રૂપિયો' બંધ કરી દેવાયો હતો.
બહેરીનને ભારતથી અલગ કરવા માટે બ્રિટિશરોએ ચાલ ચાલી
1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા નક્કી થયા ત્યારે અખાતના મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યોને કયા દેશમાં જોડવા તે મોટો પ્રશ્ન હતો. એ દરમિયાન, ઈરાનની આસપાસ તેલના ભંડારો મળી આવ્યા હોવાથી બ્રિટિશરો આ વ્યૂહાત્મક વિસ્તાર પર પોતાનો કબજો છોડવા માંગતા નહોતા.
ભારત આઝાદ થયું તેના બરાબર 4 મહિના પહેલાં 1 એપ્રિલ 1947ના રોજ અંગ્રેજોએ બહેરીનને બ્રિટિશ ભારતથી સત્તાવાર રીતે અલગ કરી દીધું. ત્યારબાદ તેનો વહીવટ નવી દિલ્હીના બદલે સીધો લંડનથી શરૂ કરવામાં આવ્યો. આ રીતે અંગ્રેજોએ બહેરીનને ભારતથી કાયમ માટે જુદું પાડી દીધું.
ઈરાન અને બહેરીન વચ્ચેની સદીઓ જૂની દુશ્મનાવટ
વર્ષ 1783 પહેલાં આ વિસ્તાર પર્શિયન સામ્રાજ્ય એટલે કે આજના ઈરાનનો ભાગ હતો. પરંતુ 1783માં આરબના 'અલ ખલીફા' પરિવારે પર્શિયનોને હરાવીને બહેરીન પર પોતાનું શાસન સ્થાપિત કર્યું, જે આજે પણ ત્યાં રાજ કરે છે. આ વિવાદ ધાર્મિક અને રાજકીય બંને છે.
- વસ્તી અને શાસક: બહેરીનની મોટાભાગની વસ્તી ઈરાનની જેમ જ 'શિયા' મુસ્લિમ છે, જ્યારે ત્યાંનો રાજવી પરિવાર 'સુન્ની' મુસ્લિમ છે.
- ઈરાનનો દાવો: ઈરાન હંમેશાં એવું માનતું આવ્યું છે કે બહેરીને ક્યારેક પર્શિયાનો ભાગ હતું, તેથી તે હવે ઈરાનનું જ હોવું જોઈએ. ઈરાને 1927, 1952 અને 1956માં બહેરીન પર સત્તાવાર દાવા કર્યા. 1957માં તો ઈરાને બહેરીનને પોતાનો 14મો પ્રાંત પણ જાહેર કરી દીધો હતો!
યુનાઇટેડ નેશન્સ(UN)નો હસ્તક્ષેપ થતાં બહેરીનને આઝાદી મળી
વર્ષ 1970 સુધીમાં બ્રિટને અખાતમાંથી સંપૂર્ણપણે હટી જવાનો નિર્ણય લીધો. આ સમયે ઈરાનના શાહે સંયુક્ત રાષ્ટ્ર(UN)નો દરવાજો ખટખટાવ્યો. યુનાઇટેડ નેશન્સે બહેરીનના લોકોનો મત જાણવા માટે ત્યાં મતદાન કરાવ્યું. બહેરીનની જનતાએ ઈરાન સાથે જોડાવાને બદલે સ્વતંત્ર દેશ બનવાનું પસંદ કર્યું અને એ રીતે 1971માં બહેરીન એક આઝાદ રાષ્ટ્ર બન્યું. પરંતુ આ શાંતિ લાંબી ન ટકી. 1979માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને આયાતુલ્લાહની નવી સરકારે ફરીથી બહેરીનનો મુદ્દો ઉઠાવ્યો. ઈરાને બહેરીનમાં શિયાઓ દ્વારા થઈ રહેલા વિરોધને ભડકાવવાનું અને તેમને શાહી પરિવાર વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું, જેનાથી બંને દેશો વચ્ચેની કડવાશ ચરમસીમાએ પહોંચી ગઈ.
ઈરાનથી બચવા બહેરીન અમેરિકાને પડખે ભરાયું
ઈરાનના હુમલો કરીને બહેરીન પર કબજો જમાવી લે, એવું જોખમ સર્જાતા બહેરીને અમેરિકા સાથે સંરક્ષણ સંબંધો મજબૂત કર્યા. આજે બહેરીન અમેરિકા માટે મધ્ય-પૂર્વ(Middle East)માં સૌથી મહત્ત્વનું સૈન્ય મથક છે. અમેરિકાની નૌકાદળની પ્રખ્યાત 5th Fleet(પાંચમી ફ્લીટ)નો મુખ્ય બેઝ બહેરીનમાં આવેલો છે, જે સમગ્ર પર્શિયન ગલ્ફ અને ઈરાન પર નજર રાખે છે.
ઈરાન આ અમેરિકન સૈન્ય મથકને પોતાના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો માને છે. આથી જ, જ્યારે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે વૈશ્વિક સ્તરે યુદ્ધ કે તણાવની સ્થિતિ સર્જાય છે, ત્યારે ઈરાન સૌથી પહેલા બહેરીનમાં આવેલા યુએસ મિલિટરી બેઝને નિશાન બનાવે છે. બહેરીન અને ઈરાન વચ્ચેની આ લડાઈ માત્ર આજના સમય પૂરતી મર્યાદિત નથી, તેની પાછળ સદીઓ જૂનો સામ્રાજ્યવાદ, 1947ના ભારત કનેક્શનના મૂળિયાં અને વર્તમાન સમયની આંતરરાષ્ટ્રીય રાજનીતિ જવાબદાર છે.









