દફન ક્રિયાનું પણ પાક.માં 'વ્યાપારીકરણ' થઈ ગયું છે
ઓછી આવકવાળા કુટુમ્બો તો અંતિમ ક્રિયાના ખર્ચને લીધે દેવાદાર થઈ જાય છે કબર ખોદી તેમાં ઈંટો જડવાનો ખર્ચ 40થી 45 હજાર થાય છે
રાવલપિંડી: પાકિસ્તાનમાં ફુગાવો હાથ બહાર ગયો છે, અને તે પણ તેટલી હદ સુધી કે ગરીબ કુટુમ્બો માટેનો દફન ક્રિયા પણ મોંઘી પડે છે. આ માહિતી આપતાં પાકિસ્તાનનું અખબાર 'ધી એક્સપ્રેસ ટ્રિબ્યુન' જણાવે છે કે, દફનવિધિ એટલી મોંઘી બની છે કે, ગરીબ કુટુમ્બો તેમનાં પ્રિયજનની દફનવિધિ કરે ત્યાં દેવાદાર થઈ જાય છે. કારણ કે કબર ખોદવા તેની બાજુમાં ઈંટો જડાવવાનો ખર્ચ (પાકિસ્તાની) રૂપિયા ૪૦ થી ૪૫ હજાર જેટલો પહોંચે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી રાવલપિંડીમાં તે પરંપરા ચાલતી હતી કે મૃતકનાં કુટુમ્બીજનોની સહાય માટે આજુબાજુના યુવાનો પહોંચી જતા હતા અને કબર ખોદી તેની બાજુઓ ઉપર ઈંટો પણ જડી દેતા હતા. પરંતુ હવે તે પ્રથા જ દૂર થઈ ગઈ છે. હવે તો દફનક્રિયાનું વ્યાપારીકરણ થઈ ગયું છે, તે માટે કબ્રસ્તાનના વહીવટકર્તાઓ કડક નિયમો અમલી કરી રહ્યાં છે.
રાવલપિંડીમાં તો કબ્રસ્તાન માટે જગ્યા જ રહી નથી. કેટલાંયે મોટા કબ્રસ્તાનોએ તો નોટીસ લગાડી દીધી છે કે હવે કબર માટે જગ્યા જ નથી. કબર માટે જગ્યા મેળવવા માટે મૃતકનાં કુટુમ્બોને ભારે રકમ ચૂકવવી પડે છે તે પછી કબર ખોદવાનો ખર્ચ થાય છે તે ઉપરાંત કબરની બાજુઓ ઉપર ઈંટો જડવાનો ખર્ચ થાય છે. આ બધો ખર્ચ મળી તે (પાકિસ્તાની) રૂા. ૪૦ થી ૪૫ હજાર જેટલો પહોંચે છે. ફુગાવો એટલી હદે હાથ બહાર ગયો છે કે, દફન સમયે મૃતકને વીંટાળવાનું કાપડ ૩ થી ૪ હજાર રૂપિયા જેટલું મોંઘુ થઈ ગયું છે. તેમજ મૃતદેહને કબરમાં મુક્યા પછી તેની ઉપર પાથરવામાં આવતાં પુષ્પો, ગુલાબજળ, ધૂપ સળીઓ, કપૂર વગેરેનો ખર્ચ રૂા. ૨૦૦૦ જેટલો થાય છે તે દફન ક્રિયા પચી કબર ઉપર ઈંટનું જે સ્ટ્રકચર બનાવવું પડે છે, તેનો ખર્ચ આશરે ૧૫૦૦૦ રૂપિયા જેટલો થાય છે. જો ચારસનું સ્ટ્રકચર રચવું હોય તો તેનો ખર્ચ તો રૂા. ૩૦ હજાર જેટલો પહોંચે છે. આમ પાકિસ્તાનમાં ફુગાવાએ માઝા મુકતા મૃત્યુ પણ મોંઘું બની ગયું છે.


