2,00,000 બેરલ કિરણોત્સર્ગી કચરો સમુદ્રમાં પધરાવ્યો, યુરોપના દેશોના પાપની કિંમત માનવજાતે ચૂકવવી પડશે
Radioactive Waste : વર્ષ 1946 અને 1990ની વચ્ચે એટલે કે 50 વર્ષ કરતાં વધુ સમય સુધી યુરોપિયન દેશો દ્વારા વિવિધ પ્રકારનો કિરણોત્સર્ગી કચરો એટલાન્ટિક મહાસાગરમાં ફેંક્યો હતો. વિજ્ઞાનીઓની એક ટીમે હાલમાં એટલાન્ટિક મહાસાગરના તળિયે 3,355 બેરલ કિરણોત્સર્ગી કચરો શોધી કાઢ્યો છે, જે કુલ 200,000 બેરલ કિરણોત્સર્ગી કચરાનો એક નાનકડો હિસ્સો છે. હવે 35 વર્ષ પછી આ કિરણોત્સર્ગી પદાર્થો દરિયાઈ જીવોને દુષિત કરે અને માણસોમાં પ્રવેશવાનું જોખમ સર્જાયું છે.
સમુદ્રના તળિયેથી મળ્યો હજારો બેરલ કિરણોત્સર્ગી કચરો
વિજ્ઞાનીઓની એક ટીમે હાલમાં એટલાન્ટિક મહાસાગરના તળિયે 3,355 બેરલ કિરણોત્સર્ગી કચરો શોધી કાઢ્યો છે. આ કચરો ફ્રાન્સના કિનારાથી દૂર દરિયામાં 13,000 ફૂટની ઊંડેથી મળી આવ્યો છે. આ સંખ્યા સમુદ્રના તળિયે પડેલા કિરણોત્સર્ગી કચરાથી ભરેલા બેરલની વાસ્તવિક સંખ્યાનો માત્ર એક નાનો ભાગ છે. 1946થી 1990ની વચ્ચેના સમયગાળામાં અંદાજિત 2,00,000થી વધુ બેરલ સમુદ્રમાં ડૂબાડી દેવાયા હતા.
કિરણોત્સર્ગી કચરાએ પર્યાવરણીય સંકટ સર્જ્યું
વર્ષ 1946થી 1990 સુધી યુરોપિયન દેશોએ વિવિધ પ્રકારનો કિરણોત્સર્ગી કચરો એટલાન્ટિક મહાસાગરમાં નાંખવાની પ્રથા અપનાવી હતી. 50 કરતાં વધુ વર્ષોમાં કુલ મળીને 200,000 બેરલ કિરણોત્સર્ગી કચરાનો નિકાલ કરાયો હતો. અલબત્ત આ કાર્ય ન્યુક્લિયર એનર્જી એજન્સી (NEA)ની દેખરેખ હેઠળ કરાયું હતું. NEA 34 દેશોનું સંગઠન છે, જે પરમાણુ સલામતી અને કચરાના મેનેજમેન્ટનું કામ કરે છે. માણસોને કિરણોત્સર્ગની અસરથી સુરક્ષિત રાખવા માટે આ કચરો સમુદ્ર તળિયે ફેંકાયો હતો, પરંતુ હવે તે માનવજાતના આરોગ્ય માટે ગંભીર ખતરો બની ગયો છે.
આ પણ વાંચો : ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર
માનવ આરોગ્ય માટે કઈ રીતે ખતરો બની શકે છે?
આ કિરણોત્સર્ગી પદાર્થ દરિયાઈ જીવો થકી માણસો સુધી પહોંચી શકે છે. બેરલમાં બંધ રેડિયોએક્ટિવ પદાર્થોનો ચૂવાક થાય અને તે પાણીમાં ભળે તો દરિયાઈ જીવો તેને ખાઈ લે એવું બની શકે. માછલીઓની ચામડી દ્વારા પણ એ કચરો શોષાઈ શકે છે. માણસો આવા દુષિત જીવો ખાય તો એ રેડિયોએક્ટિવ પદાર્થો માણસના શરીરમાં પ્રવેશીને લાંબા ગાળાની આરોગ્યની સમસ્યાઓ સર્જી શકે છે. માંસપેશીઓને ગંભીર નુકસાન થવાથી લઈને કેન્સરનું જોખમ સર્જાવા સુધીની અનેક ગંભીર શારીરિક સમસ્યા થઈ શકે છે.
કિરણોત્સર્ગી તત્ત્વો સદીઓ સુધી નષ્ટ થતાં નથી
અલગ અલગ પ્રકારના કિરણોત્સર્ગી તત્ત્વોનું આયુષ્ય અલગ અલગ પ્રકારનું હોય છે. જેમ કે, સીઝિયમ-137 લગભગ 30 વર્ષ સુધી ટકી રહે છે, તો પ્લુટોનિયમ-241 નું આયુષ્ય લગભગ 13 વર્ષ હોય છે. યુરેનિયમ-238 તો 4.5 અબજ વર્ષથી વધુ સમય સુધી ટકી શકે છે! આવા પદાર્થો સમગ્ર જીવસૃષ્ટિ માટે કાળ બની શકે છે.
બેરલનું આયુષ્ય ક્યારનું સમાપ્ત થઈ ચૂક્યું છે
આમ તો બેરલ એટલા મજબૂત હોવા જોઈએ જે સદીઓ સુધી કિરણોત્સર્ગી પદાર્થો લિક થતા રોકે, પરંતુ એટલાન્ટિકને તળિયે ફેંકાયેલા બેરલ એટલા સક્ષમ નથી. તે ધીમે ધીમે નબળા પડી રહ્યા છે. તેમનું આયુષ્ય માત્ર 20થી 26 વર્ષનું હતું. આ આયુષ્ય ક્યારનું સમાપ્ત થઈ ચૂક્યું હોવાથી વિજ્ઞાનીઓની ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો : રશિયાના ભયાનક હુમલામાં કીવ ધણધણ્યું, 22 લોકોના મોત, ઝેલેન્સ્કીએ પુતિન પર સાધ્યું નિશાન
એટલાન્ટિકના તળિયે કયા પ્રકારના કિરણોત્સર્ગી પદાર્થો છે?
એટલાન્ટિકના તળિયે જે કિરણોત્સર્ગી પદાર્થો છે, જેમાંના લગભગ એક તૃતિયાંશ ટ્રિટિયમ સંબંધિત હતા. આ પદાર્થ સામાન્ય રીતે ઓછો જોખમી છે. બાકીનો હિસ્સો બીટા અને ગામા ઉત્સર્જકોનો છે, જે કિરણોત્સર્ગ ઉત્સર્જિત કરે છે. લગભગ બે ટકા આલ્ફા કિરણોત્સર્ગ પણ ખરા. ડમ્પ કરાયેલા સ્ટ્રોન્ટિયમ-90 જેવા તત્ત્વો વિશેષ ચિંતાનો વિષય છે કેમ કે તે કેલ્શિયમની નકલ કરે છે અને દરિયાઈ જીવો દ્વારા શોષાઈ શકે છે. ખાદ્ય શૃંખલામાં પ્રવેશીને એ તત્ત્વ માણસો માટે જાતભાતની બિમારી નોંતરી શકે છે.
વિજ્ઞાનીઓ આ દિશામાં શું કરી રહ્યા છે?
ફ્રેન્ચ વિજ્ઞાનીઓ જે બેરલ મળી આવ્યા છે એના ભવિષ્યને સમજવાના મિશન પર છે. પ્રથમ તબક્કામાં, સોનાર અને સ્વાયત્ત જલચર રોબોટ ‘UlyX’ નો ઉપયોગ કરીને તેમણે કિરણોત્સર્ગી કચરો નંખાયેલો એ સમુદ્ર તળિયાનો નકશો તૈયાર કર્યો છે. 2026માં આગામી તબક્કો હાથ ધરાશે, જેમાં વિજ્ઞાનીઓ પાણી, કાદવ અને દરિયાઈ જીવોમાં કિરણોત્સર્ગી તત્ત્વોની હાજરી છે કે નહીં, એની તપાસ કરશે.
વિજ્ઞાનીઓ કિરણોત્સર્ગી સામગ્રીને નબળી ગણે છે
વિજ્ઞાનીઓના મતે આ બેરલમાંની મોટા ભાગની કિરણોત્સર્ગી સામગ્રી નબળી છે અને સમુદ્રમાં ઘણે ઊંડે હોવાથી તે માણસો માટે તાત્કાલિક જોખમ ઊભું કરવાની નથી. જો કે, એના લીધે લાંબા ગાળાનું જોખમ મટી નથી જતું. કિરણોત્સર્ગી પદાર્થોથી દરિયાઈ જીવનને દુષિત થયું તો ખાદ્ય જીવો મારફતે એવા પદાર્થો માણસો સુધી પહોંચશે જ. અને એમ થયું તો માનવજાતે કદી ન જોઈ હોય એવી બિમારીઓનો સામનો કરવો પડશે.