રશિયાના ભયાનક હુમલામાં કીવ ધણધણ્યું, 22 લોકોના મોત, ઝેલેન્સ્કીએ પુતિન પર સાધ્યું નિશાન
Russia-Ukraine War : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર લોહિયાળ ઘટના બની છે. તાજેતરમાં, રશિયાએ કીવના ડાર્નીત્સ્કી વિસ્તાર પર મોડી રાત્રે ડ્રોન અને મિસાઈલ હુમલાઓથી આખા કીવને હચમચાવી નાખ્યું છે, જેમાં ચાર બાળકો સહિત 22 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકાના નેતૃત્વમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિ પ્રયાસો ચાલી રહ્યા છે.
યુદ્ધ વધુ ક્રૂર તબક્કામાં ધકેલાયું
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રશિયાના વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને યુક્રેનના વોલોદિમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી, જેનો હેતુ યુદ્ધ અટકાવવાનો હતો, પરંતુ કીવ પર થયેલા આ મોટા હુમલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, રશિયા યુદ્ધ બંધ કરવાના બદલે સૈન્ય કાર્યવાહી વધુ કરી રહ્યા છે. આ હુમલાએ શાંતિ વાટાઘાટોની આશા પર પાણી ફેરવી દીધું છે અને યુદ્ધ વધુ ક્રૂર તબક્કામાં ધકેલી દીધું છે.
વિનાશનો નજારો અને સરકારી પ્રતિક્રિયા
યુક્રેનના આંતરિક બાબતોના મંત્રી ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું કે, ડાર્નીત્સ્કી જિલ્લા (Darnytskyi District)માં રહેણાંક ઈમારતો પર થયેલા હુમલા બાદ બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ઘટનામાં 22 લોકોના મોત થયા છે. શહેરના પ્રશાસન પ્રમુખ તૈમૂર તકાચેન્કોએ માહિતી આપી કે રશિયાએ ડ્રોન, ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો, જેના કારણે શહેરના 7 જિલ્લાઓમાં 100થી વધુ ઈમારતોને નુકસાન થયું, જેમાં એક શોપિંગ મોલનો પણ સમાવેશ થાય છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ હુમલા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને રશિયાને જવાબદાર ઠેરવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘જ્યારે રશિયા કૂટનીતિને બદલે બેલિસ્ટિક મિસાઈલો ઉપયોગ કરી રહ્યા છે અને ઉત્તર કોરિયા જેવા દેશો તેને મદદ કરી રહ્યા છે, ત્યારે વિશ્વએ પણ તે મુજબ જવાબ આપવો જોઈએ.’ તેમણે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની અને દબાણ વધારવાની માગ કરી છે.