ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર
PM Modi China Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાત બાદ ચીન જઈ રહ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન PM મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે બે દ્વિપક્ષીય બેઠકો યોજાવાની સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા નવા ટેરિફને લઈને આ બેઠકોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે.
મોદી-જિંનપિંગની મુલાકાત પર વિશ્વભરની નજર
પીએમ મોદી (PM Narendra Modi) અને જિનપિંગ (China President Xi Jinping) વચ્ચેની મુલાકાત પર ભારત-ચીન સહિત વિશ્વભરની નજર રહેશે. અમેરિકાએ ભારત પર 50 ટકા ઝિંક્યા બાદ આ બેઠકોનું મહત્ત્વ વધી ગયું છે. બંને દેશો વેપારી સંબંધોને નવી દિશા આપવા અને અમેરિકાના ટેરિફ નિર્ણયનો સંયુક્ત સામનો કરવા અંગે ચર્ચા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)નું માનવું છે કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણ ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે, જેના કારણે રશિયા ઓઈલી કમાયેલી નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે. આ કારણે તેમણે ભારત પર ભારે ટેરિફ ઝિંક્યો છે. બીજીતરફ જોઈએ તો ચીન પણ રશિયા પાસેથી મોટા પાયે ઓઈલની આયાત કરે છે.
મોદી-જિંનપિંગ વચ્ચે બે બેઠક યોજાશે
રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદી શનિવારે સાંજે જાપાનથી તિયાનજિન પહોંચશે. તેઓ રવિવારે બપોરે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ સોમવારે SCO શિખર સંમેલનના ડિનર પહેલા બીજી બેઠક યોજાવાની શક્યતા છે. આ સંમેલન બાદ ભારત પાછા ફરતા પહેલા તેમની રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે પણ મુલાકાત થવાની શક્યતા છે.
દ્વિપક્ષીય અને વૈશ્વિક સંબંધો પર અસર
આ બેઠકો ભારતીય-ચીની કૂટનીતિ અને આર્થિક સંબંધો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ટ્રમ્પના 'ટેરિફ વોર'નો સામનો કરવા માટે ભારત અને ચીન વચ્ચે વેપાર અને આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી શકે છે. આ બેઠકો પછી બંને દેશોનું વલણ શું રહે છે, તેના પર વેપારી સમુદાય અને વૈશ્વિક રાજકારણના નિષ્ણાતોની નજર રહેશે. જો ભારત અને ચીન આ મામલે સહયોગ કરશે, તો તે વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે.