ઈઝરાયલે ગાઝા સિટીને યુદ્ધ ક્ષેત્ર જાહેર કર્યું, માનવીય સહાય પહોંચાડવા પર પણ પ્રતિબંધ, 5 લાખ લોકો પર સંકટ
Israel-Gaza War : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં મહત્ત્વનો વળાંક આવ્યો છે. ઈઝરાયલી સેનાએ ગાઝાના સૌથી મોટા શહેર ગાઝા સિટીને યુદ્ધ ક્ષેત્ર જાહેર કર્યું છે અને અહીં માનવીય સહાય પહોંચાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયથી ગાઝા સિટીમાં રહેતાં હજારો લોકોની મુશ્કેલીઓ વધુ વધશે, જેઓ પહેલેથી જ ભૂખમરા જેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. IDF દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે કે, આજથી ગાઝા સિટીમાં લશ્કરી ગતિવિધિઓ પર કોઈ પણ પ્રકારની રોક નહીં રહે. આ વિસ્તારને અત્યંત ખતરનાક યુદ્ધ ક્ષેત્ર જાહેર કરાયું છે.
ઈઝરાયલનો ગાઝા પર કબજો કરવાનો પ્લાન?
નિષ્ણાતો માની રહ્યા છે કે, ઈઝરાયલી સેનાનો આ નિર્ણય ગાઝા સિટી પર કબજો કરવાની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. IDFએ કહ્યું છે કે, તેઓ ઈઝરાયલી નાગરિકોની સુરક્ષા માટે આતંકવાદી જૂથો સામે આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે. ગાઝાની અંદાજિત 10 લાખની વસ્તીમાંથી અડધી વસ્તી એટલે આશરે પાંચ લાખથી વધુ લોકો ગાઝા સિટીમાં આશરો લીધો છે. સેનાનું કહેવું છે કે, અમે તાજેતરના અઠવાડિયામાં ગાઝા પટ્ટીના અન્ય ભાગોમાં માનવીય સહાય પહોંચાડવા માટે કેટલીક છૂટ આપી હતી, પરંતુ હવે ગાઝા સિટીમાં આ નિયમ લાગુ નહીં રહે.
ભૂખમરાની સ્થિતિ અને ઈઝરાયલનો ઈનકાર
વૈશ્વિક ભૂખમરાની સ્થિતિ પર દેખરેખ રાખતી સંસ્થાએ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગાઝા સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં દુકાળની સ્થિતિ ઊભી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, 5.14 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં આ આંકડો 6.41 લાખ સુધી પહોંચી શકે છે. જોકે, ઈઝરાયલે આ રિપોર્ટને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ઈઝરાયલનો દાવો છે કે આ રિપોર્ટ પક્ષપાતી છે અને તેમાં મોટાભાગની માહિતી હમાસ દ્વારા પૂરી પાડવામાં આવી છે. ઈઝરાયલે કહ્યું છે કે તાજેતરમાં ગાઝામાં મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી પણ પહોંચી છે.