World

'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે, બોલવામાં સંયમ વર્તે....', અમેરિકાનો સિક્રેટ મેસેજ લીક

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ NATOના સહયોગી દેશોને રશિયા વિરુદ્ધ નિવેદનબાજી ઓછી કરવાની સલાહ આપી છે. પેન્ટાગોનના અધિકારીઓએ લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનીયા સહિતના દેશોને રશિયાના જોખમ અંગે જાહેરમાં સંયમ રાખવા જણાવ્યું છે. અમેરિકી અધિકારીઓ માને છે કે યુરોપિયન નેતાઓના કેટલાક નિવેદનો ખંડની સુરક્ષા માટે યોગ્ય નથી. આ સંદેશ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકોમાં અપાયો હતો, જેમાં રશિયાને વધુ ઉશ્કેરવાથી બચવા પર ભાર મુકાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે, બોલવામાં સંયમ વર્તે....', અમેરિકાનો સિક્રેટ મેસેજ લીક

Russia Ukraine War: અમેરિકાએ NATOના પોતાના કેટલાક સહયોગી દેશોને રશિયા વિરુદ્ધની નિવેદનબાજી ઓછી કરવાની સલાહ આપી છે. યુએસ રક્ષા વિભાગ એટલે કે પેન્ટાગોનના અધિકારીઓએ લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનીયા સહિત અનેક દેશોને કહ્યું છે કે તેઓ રશિયાના જોખમ વિશે જાહેરમાં બોલતી વખતે સંયમ રાખે. એક રિપોર્ટ પ્રમાણે આ મામલા સાથે જોડાયેલા ચાર લોકોએ જણાવ્યું કે અમેરિકી અધિકારીઓનું માનવું છે કે, યુરોપિયન નેતાઓના કેટલાક નિવેદનો મહાદ્વીપની સુરક્ષા માટે યોગ્ય નથી.

આ સંદેશ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકોમાં આપવામાં આવ્યો હતો. જોકે, તે સ્પષ્ટ નથી કે બાલ્ટિક દેશો સિવાય કઈ યુરોપિયન સરકારો સુધી આ વાત પહોંચાડવામાં આવી. પેન્ટાગોનના નીતિ પ્રમુખ એલ્બ્રિજ કોલ્બી પણ આ સંદેશ આપનાર અમેરિકી અધિકારીઓમાં સામેલ હતા. તેઓ યુરોપમાં અમેરિકી સૈનિકોની તહેનાતીની સમીક્ષા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અધિકારી છે.

રશિયાને ન ઉશ્કેરો

રિપોર્ટ પ્રમાણે કોલ્બીએ તાજેતરમાં બાલ્ટિક દેશોના એક અધિકારીને કહ્યું કે, રશિયાને ઉશ્કેરતા નિવેદનો ન આપવા. તેમણે યુરોપિયન નેતાઓના તે નિવેદનોનું ઉદાહરણ આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન રશિયા ઘેરાઈ ગયું છે અને હવે હતાશ થઈને પગલાં લઈ રહ્યું છે. એસ્ટોનીયાના વડાપ્રધાન ક્રિસ્ટન મિહાલે સપ્ટેમ્બરના અંતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સરખામણી ખૂણામાં ફસાયેલા ઉંદર સાથે કરી હતી.

એક યુરોપિયન અધિકારીએ જણાવ્યું કે, અમેરિકી સંદેશનો અર્થ એ હતો કે અમેરિકા યુરોપની મદદ કરી રહ્યો છે, પરંતુ સહયોગી દેશોએ વધારે હોબાળો ન મચાવવો જોઈએ. પેન્ટાગોને એસ્ટોનીયાના એક પ્રતિનિધિમંડળને પણ તેમની સાર્વજનિક નિવેદનબાજીમાં સંતુલન જાળવવા કહ્યું હતું.

યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાની નવી રણનીતિ

આ સલાહ એવા સમયે આવી છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેન યુદ્ધ ખતમ કરાવવા માટે વાતચીતનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસમાં રશિયાને પ્રતિબંધોમાં રાહત આપવા જેવા પ્રસ્તાવો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તેમજ યુક્રેન પર રશિયન ઉર્જા ઠેકાણાઓ પર હુમલા રોકવાનું દબાણ પણ છે.

NATO ની અંદર આ વાત પર મતભેદ છે કે રશિયાના જોખમને સાર્વજનિક રૂપથી કઈ રીતે રજૂ કરવામાં આવે. કેટલાક અધિકારીઓનું માનવું છે કે રશિયાને લઈને સતત ચેતવણી આપવાથી મોસ્કોને ડર ફેલાવવાની તક મળે છે. જ્યારે બીજા અધિકારીઓનું કહેવું છે કે, યુરોપિયન જનતાને જોખમની જાણકારી હોવી જરૂરી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા માટે જરૂરી ખર્ચ અને પ્રયાસોને સમજી શકે.

આ દરમિયાન યુરોપમાં શંકાસ્પદ તોડફોડની ઘટનાઓને લઈને પણ ચિંતા વધી છે. જર્મનીમાં તાજેતરમાં બે બેલારુસિયન નાગરિકોને મહત્વપૂર્ણ ઠેકાણાઓમાં આગ લગાવવાની કથિત સાજીશના આરોપમાં ધરપકડ કરવામાં આવી. જર્મનીએ સપ્ટેમ્બરમાં લીપઝિગ/હાલે એરપોર્ટ પર ડ્રોન હુમલાના પ્રયાસ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું, જોકે મોસ્કોએ આ આરોપોને ફગાવી દીધા છે.