World

એક સમયે જ્યાં કડકડતી ઠંડી પડતી હતી તેવું યુરોપ ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું

By GS Team
23 Jun 20262 mins read
એક સમયે જ્યાં કડકડતી ઠંડી પડતી હતી તેવું યુરોપ ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું

- એટમિક રીએક્ટર્સ પણ બંધ કરવાં પડયાં

- ફ્રાંસમાં બે બાળકીઓ સહિત 18નાં મૃત્યુ થયાં છે ઇંગ્લેન્ડના છ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયો

લંડન, પેરીસ : યુરોપ ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું છે તેના કેટલાયે વિસ્તારોમાં જનજીવન, સ્વાસ્થ્ય સેવામાં તથા બુનિયાદી સેવાઓ પણ ગંભીર રીતે અસરગ્રસ્ત થઇ છે. ફ્રાંસમાં બે બાળકીઓ સહિત ૧૮નાં મૃત્યુ થયાં છે અને સ્પેનનાં ઠંડા પ્રદેશમાં આવેલાં સાન સેબેસ્ટિયનમાં ઉષ્ણતામાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું છે.

બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ ઇંગ્લેન્ડનાં છ ક્ષેત્રો વેસ્ટ મિડલેન્ડઝ, ઇસ્ટ મિડલેન્ડઝ, સાઉથ ઇસ્ટ, સાઉથ-વેસ્ટ લંડન, તથા ઇસ્ટ-ઇંગ્લેન્ડમાં બુધવાર સવારના ૧ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રેડ હેલ્થ વોર્મિંગ જાહેર કરી છે.

આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ એટલી ગંભીર છે કે સ્વસ્થ લોકો માટે પણ જીવનનો ખતરો ઊભો થઇ શકે તેમ છે. તેની અસર પરિવહન ભોજન પાણી, ઊર્જા આપૂર્તિ અને વ્યવસાયો ઉપર પણ પડી શકે તેમ છે.

બ્રિટનમાં જારી કરાયેલો આ બીજો રેડ એલર્ટ છે. આ પૂર્વે જુલાઈ ૨૦૨૨માં પહેલીવાર રેડ એલર્ટ જારી કરાયો હતો. ત્યારે પણ તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું. ધી ગાર્ડીયને હવામાન નિષ્ણાતોનો હવાલો આપતાં જણાવ્યું હતું કે આ સપ્તાહે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તાપમાન ૩૮થી ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે તેમ છે તેથી ૧૯૭૬ના જૂનનો રેકર્ડ પણ તૂટી શકે તેમ છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સ્થિતિ એક હીટ ડોમ ને લીધે બની છે. જે પશ્ચિમ યુરોપ ઉપર ગર્મ હવા ફસાવી દે છે. ઋતુ પરિવર્તનને લીધે તીવ્ર મોસમી ઘટનાઓ અધિક તીવ્ર બની રહી છે.

ફ્રાંસમાં તો સ્થિતિ આથી પણ વધુ ગંભીર છે. તેના અર્ધાથી વધુ વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરાયો છે. લગભગ ૩.૯ કરોડ લોકો રેડ એલર્ટના પરિઘમાં આવી ગયા છે. વીક એન્ડથી હજી સુધીમાં ઓછામાં ઓછાં ૧૮નાં મૃત્યુ થયાં છે. તેમાં બે નાનાં બાળકો પણ સમાવિષ્ટ છે. તેઓને કારની અંદર જ બેહોશ સ્થિતિમાં જોવા મળ્યાં હતાં.

ફ્રાંસના વડાપ્રધાન સેલા સ્ટીયન લેકોર્નું એ આપાતકાલીન કેબિનેટ મીટીંગ બોલાવી છે. દેસમાં ૧,૩૫૦ સ્કૂલો બંધ કરાઈ છે.

ઇટાલીનાં ૧૨ શહેરોમાં રેડ એલર્ટ પ્રસિદ્ધ કરાયો છે. જ્યારે ફ્રાંસમાં નદીનું પાણી જ અત્યંત ગરમ હોવાથી વોટર કૂલ્ડ એટમિક રીએકટર બંધ કરવું પડયું છે.

જર્મનીમાં એક અકસ્માતમાં પાંચનાં મૃત્યુ થયાં છે. તેઓ ગરમીથી બચવા પાણીમાં પડતાં ડૂબી ગયા હતા. ફ્રેન્કફર્ટ વિમાન મથકે પ્લેન લાંબો સમય રનવે પર ઊભું રહ્યું હોવાથી યાત્રીકો ગરમીથી મુંઝાઈ ગયા હતા. સ્પેનમાં તાપમાન સરેરાશ કરતાં ૧૦ ડીગ્રી જેટલું વધુ રહ્યું છે. ઉત્તરના ઠંડા વિસ્તારોનાં પણ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર પહોંચશે તેમ વિજ્ઞાનીઓ કહે છે. ફ્રાંસની સાથે બેલ્જિયમ પણ ગરમીના સપાટામાં આવી ગયું છે ત્યાં અને ફ્રાંસમાં જૂન મહિનામાં તાપમાન ૩૮.૪ ડીગ્રી પહોંચવા સંભવ છે.