Get The App

યુરોપમાં ભીષણ ગરમીનો દોર, ફ્રાન્સ સરકારે એક દિવસ માટે દારૂ પીવા સામે પ્રતિબંધ મૂક્યો

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
યુરોપમાં ભીષણ ગરમીનો દોર, ફ્રાન્સ સરકારે એક દિવસ માટે દારૂ પીવા સામે પ્રતિબંધ મૂક્યો 1 - image

Europe extreme heatwave 2026 : યુરોપના મોટાભાગના દેશો હાલમાં ભયંકર ગરમી અને હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે તાપમાન તમામ જૂના રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યું છે. ફ્રાન્સમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા વચ્ચે દેશના 35 વિસ્તારોમાં 'રેડ હીટવેવ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતાં ફ્રાન્સ સરકારે આ વિસ્તારોમાં યોજાનારા જાહેર કાર્યક્રમોમાં શરાબના સેવન પર કડક પ્રતિબંધ લગાવી દીધો છે.

કટોકટીની બેઠક બાદ પબ્લિક ઇવેન્ટ્સમાં દારૂ પર પ્રતિબંધ

ફ્રાન્સના કુલ 96 વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ, પેરિસ અને બરગંડી સહિતના 35 સંવેદનશીલ વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી અને કેટલીક જગ્યાએ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. આ અસહ્ય ઉનાળાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ એક તાકીદની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.

આ બેઠક બાદ સરકારે રવિવારે યોજાનારા પ્રખ્યાત 'ફેતે ડે લા મ્યુઝિક ફેસ્ટિવલ' (Fête de la Musique) અને અન્ય તમામ જાહેર કાર્યક્રમોમાં ગરમીના જોખમને ટાળવા માટે એક દિવસ માટે દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. બીજી તરફ, પાટનગર પેરિસમાં પ્રશાસને લોકોને ગરમીથી રાહત આપવા માટે તમામ જાહેર પાર્ક-બગીચાઓ ચોવીસે કલાક ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે.

જર્મની, સ્પેન અને ઇટાલીમાં પણ હાહાકાર: પ્રવાસીઓની કસોટી

માત્ર ફ્રાન્સ જ નહીં, પરંતુ યુરોપના અન્ય દેશો પણ આ 'હીટ ડોમ' ની અસરમાં સંપડાયેલા છે:

જર્મની: દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અતિશય ગરમી અને હવામાં ભેજના કારણે આગામી સમયમાં ભારે તોફાન આવી શકે છે.

સ્પેન: અહીં ગરમી એટલી અસહ્ય બની ગઈ છે કે ફૂટબોલ ચાહકો માટે એકત્રિત થવા માટે બનાવવામાં આવેલી ખાસ જગ્યાઓ (ફેન ઝોન) ને પણ બંધ કરવાની ફરજ પડી છે.

ઇટાલી: રોમ સહિતના વિસ્તારોમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાતા સામાન્ય જનજીવન અને પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. રોમમાં જગપ્રસિદ્ધ કોલોસિયમની બહાર પ્રવાસીઓ કાળઝાળ તડકામાં લાઈનો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે, જ્યારે ઘણા લોકો બચવા માટે પ્રાચીન ક્લોડિયસ મંદિરના ભોંયરામાં આશરો લઈ રહ્યા છે.