World

એપસ્ટિન ફાઇલ્સની વધુ 68 તસવીર જાહેર, બિલ ગેટ્સ પણ એક મહિલા સાથે દેખાતા હોબાળો

By GS TEAM
18 Dec 20255 mins read
TukuTouch Logo
અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફરી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે હવે તબક્કાવાર જાહેર કરાઈ રહ્યા છે. 2019માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફરીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. ત્યારે હવે હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ્સે ગુરુવારે જેફરી એપસ્ટિનની ફાઈલમાંથી મેળવેલી 68 તસવીરો જાહેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપસ્ટિન ફાઇલ્સની વધુ 68 તસવીર જાહેર, બિલ ગેટ્સ પણ એક મહિલા સાથે દેખાતા હોબાળો

Epstein Files to Be Released:  અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફરી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે હવે તબક્કાવાર જાહેર કરાઈ રહ્યા છે. 2019માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફરીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. ત્યારે હવે હાઉસ ઓવરસાઈટ કમિટીના ડેમોક્રેટ્સે ગુરુવારે જેફરી એપસ્ટિનની ફાઈલમાંથી મેળવેલી 68 તસવીરો જાહેર કરી છે. આ નવી તસવીરો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એપસ્ટિનની ફાઈલોનો મોટો જથ્થો જાહેર કરવાની સમયમર્યાદાના એક દિવસ પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, સંપૂર્ણ ફાઈલ જાહેર કરવાની બાકી છે એવું પણ કહેવાય છે. 

અમેરિકન સંસદમાં ડેમોક્રેટ્સે જણાવ્યું કે આ તસવીરો ગયા અઠવાડિયે સમિતિને મળેલા 95,000 તસવીરોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. રિલીઝ કરાયેલી આ તસવીરોમાં વ્યક્તિના શરીર પર લખેલી "લોલિતા" નવલકથાની પંક્તિઓ, વિવિધ મુસાફરીના દસ્તાવેજો, રશિયાની 18 વર્ષની યુવતી વિશેના ટેક્સ્ટ મેસેજના સ્ક્રીનશોટ અને ઘણું બધું સામેલ છે. આ ફોટા ઓનલાઈન એક્સેસ કરી શકાય છે.

ડેમોક્રેટ્સે ગયા અઠવાડિયે પણ ડઝનબંધ ફોટા જાહેર કર્યા હતા, જેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, વુડી એલન, બિલ ગેટ્સ અને અન્ય હાઈ-પ્રોફાઈલ હસ્તીઓ જોવા મળી હતી. જોકે, આ ફોટામાં દેખાતા કોઈપણ વ્યક્તિનો એપસ્ટિનના ગુનાઓમાં સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું નથી.

રિપબ્લિકન અને વ્હાઇટ હાઉસે ડેમોક્રેટ્સ પર રાષ્ટ્રપ્રમુખને શરમાવવા અને "ખોટી નેરેટિવ" ઉભી કરવા માટે પસંદગીના (cherry-picking) ફોટા જાહેર કરવાનો આરોપ લગાવ્યો છે.

મહિલાના શરીર પર મેસેજ લખેલા જોવા મળ્યા

જાહેર કરાયેલી કેટલીક તસવીરમાં જાણીતિ નવલકથા "લોલિતા"ના અંશો કોઈ મહિલાના શરીરના વિવિધ ભાગો પર લખેલા જોવા મળે છે. 


બિલ ગેટ્સના નવી તસવીરો સામે આવી

એક તસવીરમાં બિલ ગેટ્સ અજાણી મહિલા સાથે જોવા મળી રહ્યા છે, જેમાં મહિલાનો ચહેરો છુપાવવામાં આવ્યો છે. આ અગાઉ જાહેર થયેલી એક તસવીરમાં પણ મહિલા સાથે બિલ ગેટ્સ જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરો કયા ઉદ્દેશ્યથી ખેંચવામાં આવી હતી તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.


નોમ ચોમ્સ્કી સાથે એપસ્ટિન જોવા મળ્યા

એક તસવીરમાં એપસ્ટિન સાથે જાણીતા પ્રોફેસર અને વિખ્યાત ફિલોસોફર નોમ ચોમ્સ્કી પણ વિમાનમાં સાથે જોવા મળી રહ્યા છે.

એપસ્ટિન અને ગિસ્લેન મેક્સવેલની ગુનાખોરી   

જેફરી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલે સગીર બાળાઓની જાતીય તસ્કરી (sex trafficking) અને શોષણ (sexual abuse)નું આપરાધિક નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં જેફરી મુખ્ય ગુનેગાર હતો. તે નાણાં પૂરા પાડનાર ક્લાયન્ટ શોધી લાવતો. ‘મેડમ’ તરીકે ઓળખાતી ગિસ્લેઇન જેફરીની સહયોગી તરીકે કામ કરીને સગીર છોકરીઓની ભરતી કરતી, તેમને તાલીમ આપતી અને પછી તેમને એપસ્ટિનના શક્તિશાળી મિત્રો પાસે ખાનગી ટાપુ કે અંગત માલિકીના મકાનોમાં મોકલતી, જ્યાં નાણાંના બદલામાં એ છોકરીઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરવામાં આવતો. 

ગુનેગારોને કેવી સજા મળી? 

જેફરી એપસ્ટિને 10 ઑગસ્ટ, 2019ના રોજ ન્યૂ યોર્કની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેનું મૃત્યુ વિવાદાસ્પદ રહ્યું છે. અનેકોએ જેફરીને મારી નંખાયો હોવાની શંકા વ્યક્ત કરી છે. ડિસેમ્બર, 2021માં કોર્ટે ગિસ્લેઇનને ‘બાળ-તસ્કરી’ અને બીજા ‘પાંચ ફોજદારી ગુના’ માટે દોષિત ઠેરવીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી, જે તેણી હાલ ભોગવી રહી છે.

આટલા સમય બાદ ફાઈલો કેમ જાહેર થઈ રહી છે?

કારણ છે એક ખાસ કાયદો. કોંગ્રેસ (અમેરિકાની સંસદ) એ એક નવો નિયમ પસાર કર્યો છે, જેને ‘એપસ્ટિન ફાઈલ્સ ટ્રાંસપેરેન્સી એક્ટ’ કહેવાય છે. આ નિયમ ફક્ત ત્રણ પાનાનો છે, પણ ખૂબ સ્પષ્ટ છે. નિયમ મુજબ, ન્યાય વિભાગે(DOJ- ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) હવે એપસ્ટિન અને તેની સહયોગી ગિસ્લેઇન મેક્સવેલ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર કરવા ફરજ પડી ગઈ છે. એટલે કે, જે કંઈ પણ ખુલ્લી (અવર્ગીકૃત) માહિતી તેમની પાસે છે, તે બહાર પાડવી પડશે. જેમ કે:

- કોણે, ક્યારે, ક્યાં મુસાફરી કરી તેના રેકોર્ડ.

- બેંક અને નાણાંના લેવડ-દેવડના કાગળિયાં.

- કંપનીઓના દસ્તાવેજો.

- જેલમાં એપસ્ટિનના મૃત્યુની તપાસના કાગળિયાં.

સીધા શબ્દોમાં કહીએ તો, કોંગ્રેસે કાયદો બનાવીને સરકારને આ માહિતી છુપાવવાની મનાઈ ફરમાવી દીધી છે, તેથી જ હવે તે જાહેર થઈ રહી છે. 

જાહેર થનારી સામગ્રીમાં શું શામેલ હોઈ શકે?

- FBIની બે તપાસની વિગતો: 2006માં ફ્લોરિડામાં શરૂ થયેલી પ્રથમ તપાસ અને 2019માં ન્યૂ યોર્કમાં શરૂ થયેલી બીજી (મુખ્ય) તપાસની વિગતો.

- વિવિધ પુરાવા: 300થી વધુ ગીગાબાઇટનો ડેટા, જેમાં FBIના સાક્ષી ઇન્ટરવ્યૂ, સર્ચ વોરંટ્સ, બેંક રેકોર્ડ, ઇમેઇલ્સ, ફોરેન્સિક રિપોર્ટ્સ, પામ બીચ પોલીસ દસ્તાવેજો અને ઇમિગ્રેશન રેકોર્ડ શામેલ હોઈ શકે છે.

- ગ્રાન્ડ જ્યુરી સામગ્રી: ન્યાયાધીશોએ આ સામગ્રી જાહેર કરવાનો માર્ગ મોકળો કર્યો છે, પરંતુ મેક્સવેલના કેસમાંથી મોટાભાગની સામગ્રી પહેલેથી જ જાહેર થઈ ચુકી હોવાનું મનાય છે. 

શું છુપાવવામાં આવશે? શેમાં સુધારા કરાશે?

કાયદો સ્પષ્ટ કરે છે કે, શરમ, પ્રતિષ્ઠાને નુકસાન અથવા રાજકીય સંવેદનશીલતાના આધાર પર કોઈ સામગ્રી રોકી શકાતી નથી. માત્ર નીચે દર્શાવેલા મુદ્દાઓમાં જ સુધારા કરવાની છૂટ છે:

1.  પીડિતોની ઓળખ છુપાવવી.

2. બાળ દુર્વ્યવહારની ગ્રાફિક સામગ્રી.

3. શારીરિક દુર્વ્યવહારની ગ્રાફિક સામગ્રી.

4. સક્રિય તપાસને જોખમમાં મૂકતી માહિતી.

5. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત દસ્તાવેજો.

નોંધ: એપસ્ટિનની મિલકતમાંથી મળેલા હજારો નગ્ન ફોટોગ્રાફ્સ જાહેર થશે નહીં.

ગુપ્તતા અને રાજકીય પક્ષપાતની ચિંતા

- પીડિતોની ગુપ્તતા: ઘણા પીડિતો તેમની ઓળખ જાહેર થવાથી ભયભીત છે, તેઓ કાળજીપૂર્વકના સંપાદનની માંગ કરી રહ્યા છે. એટલે કે તેઓ ઈચ્છે છે કે, જે કંઈ દસ્તાવેજ જાહેર કરવામાં આવે એમાં એ રીતે સુધારા કરાય કે કોઈની ઓળખ છતી ન થાય. 

- રાજકીય પક્ષપાતની આશંકા: કેટલાકને શંકા છે કે ટ્રમ્પ પ્રશાસન સંબંધિત સામગ્રી ઇરાદાપૂર્વક છુપાવવામાં આવશે, જ્યારે ડેમોક્રેટ્સ સંબંધિત માહિતી આસાનીથી જાહેર કરી દેવાશે.

- નવી માહિતીની અપેક્ષા: નિષ્ણાતોને અપેક્ષા છે કે આ દસ્તાવેજોમાંથી કંઈક નવી માહિતી મળશે. અત્યારે સુધી દાખલ ન થયેલા આરોપોના ડ્રાફ્ટ, FBIને મળેલા સૂચનો અને તપાસકર્તાઓ વચ્ચેના આંતરિક સંદેશાવ્યવહાર જાહેર થવાની અપેક્ષા રખાઈ રહી છે.

પર્દાફાશ કે પુનરાવર્તન?

ઘણાં દસ્તાવેજો પહેલાથી જ વિવિધ મુકદમાઓ દ્વારા જાહેર થઈ ચુક્યા છે. તેમ છતાં આ વખતે ખૂબ મોટી માત્રામાં દસ્તાવેજો જાહેર થવાની ધારણા હોવાથી કેટલીક નવી માહિતી મળી શકે એમ છે, ખાસ કરીને તપાસના આંતરિક સંદેશાવ્યવહારોમાં. છેવટનું લક્ષ તો ન્યાયની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનું જ છે, પરંતુ પીડિતોની ગોપનીયતા જળવાઈ રહે અને ન્યાયિક પ્રક્રિયાનું રક્ષણ થાય, એ પણ ધ્યાનમાં રાખવું પડશે.