અલ નીનો ગરમી અને વાતાવરણમાં અનિશ્ચિતતા વધારશે, વિશ્વ હવામાન વિભાગની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

El Nino 2026: અલ-નીનો એ એક કુદરતી આબોહવાકીય ઘટના છે, જેમાં મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. સામાન્ય રીતે દર બેથી સાત વર્ષે આ સ્થિતિ સર્જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૂર્વીય પ્રશાંતથી પશ્ચિમ તરફ પવનો ફૂંકાય છે, જે ગરમ પાણીને ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ લઈ જાય છે.
જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં મજબૂત અલ-નીનો બનવાની સંભાવના
જ્યારે અલ-નીનો આવે છે, ત્યારે આ પવનો નબળા પડી જાય છે અથવા તો ઉલટી દિશામાં ફૂંકાવા લાગે છે. આના કારણે સમુદ્રની સપાટીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ વધી શકે છે. WMO (વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઑર્ગેનાઈઝેશન)ના જણાવ્યા પ્રમાણે 2026માં આ ઘટના ઝડપથી મજબૂત થઈ રહી છે અને જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં મજબૂત અલ-નીનો બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. આ અલ નીનો ગરમી અને વાતાવરણમાં અનિશ્ચિતતા વધારશે.
આ ઘટના માત્ર સમુદ્ર પૂરતી સીમિત નથી રહેતી. તે સમગ્ર વિશ્વના પવનની દિશા, વરસાદની પેટર્ન અને તાપમાનમાં મોટો ફેરફાર લાવી દે છે. અલ-નીનો દરમિયાન ગરમ પાણી વાતાવરણમાં વધુ ગરમી છોડે છે, જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધુ વધારો થાય છે. વર્તમાન આબોહવા પરિવર્તન(ક્લાઈમેટ ચેન્જ)ની સ્થિતિ વચ્ચે આ ઘટના વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
વિશ્વભર પર પ્રભાવ: દુષ્કાળ, પૂર અને લૂ
અલ-નીનો મજબૂત થવાના કારણે વિશ્વના ઘણા વિસ્તારોમાં આકરા હવામાનનો પ્રકોપ વધશે. WMOના રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ અને ભારે વરસાદ બંનેની સંભાવના વધી જશે. પ્રશાંત (પેસિફિક) મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, ઉત્તર દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ અથવા દુષ્કાળની આશંકા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં વધુ વરસાદ અને તેના ઉત્તરીય ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ભારતમાં ચોમાસું નબળું પડવાની સંભાવના રહે છે. અલ-નીનોના વર્ષોમાં મોટાભાગે ઓછો વરસાદ પડે છે, જેના કારણે કૃષિ ક્ષેત્ર પ્રભાવિત થાય છે. આ ઉપરાંત હીટવેવનું પ્રમાણ વધી શકે છે, જેને લીધે હીટ સ્ટ્રોક, ડીહાઈડ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ વધશે. આ દરમિયાન દરિયાઈ ગરમીના મોજા પણ વધશે, જે મત્સ્યોદ્યોગ અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડશે.
કૃષિ પર સૌથી મોટો ખતરો
FAOના જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ એશિયા અને સાહેલ ક્ષેત્રમાં દુષ્કાળને કારણે પાક અને ઘાસચારો પ્રભાવિત થશે. વર્ષ 2015-16ના અલ-નીનો દરમિયાન લાખો લોકો ભૂખમરાની કગાર પર આવી ગયા હતા. આ વખતે જો 'સુપર અલ-નીનો' સર્જાશે તો અનાજનું ઉત્પાદન ઘટી શકે છે, જેના કારણે ભાવ વધશે અને ખાદ્ય સુરક્ષા સામે મોટો પડકાર ઊભો થશે. આ સાથે જ પશુપાલન, પાણીની ઉપલબ્ધતા અને ગ્રામીણ અર્થતંત્ર પણ પ્રભાવિત થશે.
ભારત માટે ખાસ પડકાર
ભારતમાં અલ-નીનોનો સીધો સંબંધ ચોમાસા સાથે છે. નબળા ચોમાસાને કારણે ખરીફ પાક જેવા કે ડાંગર, મકાઈ અને સોયાબીનના ઉત્પાદનને માઠી અસર થઈ શકે છે. દુષ્કાળની સ્થિતિને લીધે જળાશયોમાં પાણીનું સ્તર ઘટશે, જેથી સિંચાઈ મુશ્કેલ બનશે અને વીજ ઉત્પાદન પણ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત, ગરમી વધવાને કારણે સ્વાસ્થ્ય સેવાઓ પર બોજ વધશે, જેની સૌથી વધુ અસર વૃદ્ધો, બાળકો અને શ્રમિકો પર જોવા મળશે.
શહેરોમાં 'અર્બન હીટ આઇલૅન્ડ'ની અસરને કારણે લૂ વધુ ખતરનાક બની જશે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પહેલાથી જ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છે, તેમાં અલ-નીનો વધુ ઝટકો આપશે. જો કે, દરેક અલ-નીનોની અસર એકસરખી નથી હોતી. કેટલાક કિસ્સાઓમાં પ્રાદેશિક સ્તરે ભારે વરસાદના અણધાર્યા પરિણામો પણ જોવા મળ્યા છે, પરંતુ એકંદરે દુષ્કાળની આશંકા સૌથી વધુ રહે છે.
WMO અને વૈશ્વિક તૈયારી
WMOના સેક્રેટરી જનરલ સેલેસ્ટે સાઉલોએ કહ્યું કે, અલ-નીનોની પહેલાથી જ શરૂઆત થઈ ચૂકી છે અને તે ઝડપથી વધુ મજબૂત બનશે. તેમણે UN અને પ્રાદેશિક સ્તરે પરસ્પર સંકલન વધારવાની વાત કહી છે. હવામાનની આગાહી, આબોહવા માહિતી સેવાઓ અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી લોકોના જીવ બચાવવા તેમજ અર્થતંત્રને થતું નુકસાન ઘટાડવામાં મદદરૂપ બનશે.
સરકારો, માનવીય સંગઠનો, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે અત્યારથી જ તૈયાર રહેવું જોઈએ. ભારતમાં IMD, કૃષિ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ અત્યારથી જ સક્રિય રહેવું જોઈએ. આ સ્થિતિનો સામનો કરવા માટે પાક વીમો, જળ સંરક્ષણ, દુષ્કાળ સામે ટકી શકે તેવા બિયારણો અને સચોટ હવામાન આગાહીનો મહત્તમ ઉપયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
અલ-નીનો એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ માનવસર્જિત ક્લાઈમેટ ચેન્જ તેને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. ગરમ થઈ રહેલા સમુદ્ર અને વાતાવરણ અલ-નીનોના પ્રભાવને વધારી દે છે. ભવિષ્યમાં આવી આબોહવાકીય ઘટનાઓની તીવ્રતા અને આવૃત્તિ વધી શકે છે. આથી જ, લાંબા ગાળાના આયોજન અને અનુકૂલન તરફ આગળ વધવું અનિવાર્ય બન્યું છે.
અલ-નીનો 2026 એક ચેતવણી છે. WMOના ગ્લોબલ સીઝનલ ક્લાઈમેટ અપડેટમાં અન્ય પરિબળો જેવા કે 'ઈન્ડિયન ઓશન ડાયપોલ' અને એટલાન્ટિક મહાસાગરની સ્થિતિને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જો આપણે સુમેળભર્યા અને આયોજનબદ્ધ રીતે આ પડકારનો સામનો કરવા તૈયાર રહીશું, તો સંભવિત નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાશે. આ કપરી પરિસ્થિતિ સામે ખેડૂતો, નીતિ-નિર્માતાઓ અને સામાન્ય જનતાને જાગરૂકતા અને કાર્યવાહીની જરૂર છે.









