- સામાન્યત: ઇદ પૂર્વેથી જ ભરચક દેખાતી તહેરાનની બજારો વેરાન સમાન બની રહી : યુએઈ અને કતારમાં નમાઝ મસ્જિદોની અંદર જ પઢવા આદેશ
નવી દિલ્હી : આ વર્ષે મધ્ય-પૂર્વ માટે ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર ખુશીઓ ભર્યો નહીં રહે. મિસાઇલ અને ડ્રોન હુમલા અને સાયરનોનો અવાજ વારંવાર સાંભળવા મળે છે. પરિણામે આવતીકાલે ૨૦મી માર્ચે આવતો ઇદ-ઉલ- ફિત્રનો તહેવાર રસહીન રહેવા સંભવ છે. વાસ્તવમાં આ દિવસે રમઝાનના રોજા પૂરા થાય છે. ચાંદ દેખાયા પછી પાક મુસલમાનો ભવ્ય ભોજન લે છે. તે પૂર્વે પરસ્પરને ભેટી પરસ્પરનું અભિવાદન કરે છે. ચારે તરફ આનંદ ઉલ્લાસ હોય છે. તેવું કશું આ વખતે દેખાવા સંભવ નથી. સામાન્યત: ઇદ પૂર્વેથી જ બજારોમાં ખરીદી માટે ભીડ જામતી હતી પરંતુ આ વખતે તો તહેરાનની બજારો પણ સૂમસામ દેખાય છે. બીજા શહેરોમાં પણ આવો જ માહોલ જોવા મળે છે.
ઇદના તહેવારે અને તે પૂર્વે જ ગલ્ફ કન્ટરીઝ (ખાડી-દેશોએ) સલામતીની પણ પૂરી વ્યવસ્થા કરી છે. તે દેશોમાં નમાજ મસ્જીદની અંદર જ પઢવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
કતારે જાહેર કરી દીધું છે કે, સમગ્ર દેશમાં નમાજ મસ્જીદની અંદર જ પઢાશે.
જો કે પછીથી રહી રહીને થોડી ખરીદી દેખાઈ રહી છે. પરંતુ તેમાં કંઈ ખાસ કસ દેખાતો નથી.
દરમિયાન કતાર ઉપર ફરી ઇરાને મિસાઇલ હુમલો કરતાં કતારે ઇરાનના રાજદૂત તથા દૂતાવાસના તમામ કર્મચારીઓને અનિચ્છનીય વ્યકિતઓ તરીકે જાહેર કરી ૨૪ કલાકમાં દેશ છોડી દેવા કહ્યું છે. આ સાથે દૂતાવાસ ઉપર કતાર સરકાર જ તેનું તાળુ લગાડી દેવાની છે.
ટુંકમાં આ ઇઝરાયલ-અમેરિકા વિરુદ્ધ ઇરાનના યુદ્ધમાંથી એક પછી એક ફણગા ફુટતા જાય છે. સાથે આ યુદ્ધ બંધ થવાની તો કલ્પના પણ કરી શકાય તેમ નથી.


