ઈજિપ્તની ટીવી એન્કર સારા ખલીફાને ડ્રગ્સ કેસમાં મૃત્યુદંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કૈરો : ઈજિપ્તની એક કોર્ટે દેશની લોકપ્રિય ટીવી એન્કર સારા ખલીફા તથા અન્ય ૧૧ લોકોને ડ્રગ બનાવવા તથા તેની હેરફેરના કેસમાં દોષિત ગણીને મૃત્યુદંડની સજા ફટકારી છે.
૩૯ વર્ષની સારા ખલીફા ખુદ પોતે 'મિશન ઈમ્પોસિબલ' નામનો એક ક્રાઈમ શો જ હોસ્ટ કરતી હતી અને તેમ છતાં તે ખુદ આ ડ્રગ્સના કારોબારમાં સામેલ થઈ હોવાનો તેના પર આરોપ હતો. સારા એક ટીવી એન્કર હોવાની સાથે સાથે એક કોસ્મેટિક સર્જરી ક્લિનિક તથા એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીની માલિક પણ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર સારા તથા તેના સાગરિતો એક સંગઠિત ગેંગ બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ નેટવર્ક ચલાવતા હતા. તેઓ વિદેશથી ડ્રગ્સ બનાવવાના કાચા માલની આયાત કરતા હતા. ત્યારબાદ ગેંગના જુદા જુદા સભ્યો ડ્રગ્સ બનાવવા તથા તેને જુદાં જુદાં સ્થળે પહોંચાડવા સહિતનાં ગુનાઇત કૃત્યો આચરતા હતા.
જોકે, આ કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે સારા ભર અદાલતમાં રડી પડી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે પોતે જિંદગીમાં ક્યારેય ડ્રગ્સ તો શું પણ સિગારેટને પણ હાથ લગાડયો નથી.
પોલીસ તથા સ્થાનિક એજન્સીઓએ સારા સહિત આ ગેંગના સ્થળો પર દરોડા પાડયા ત્યારે તેમને ૭૫૦ કિલોથી વધારે ડ્રગ્સ તથા તે બનાવવાના સામાન સહિતની ચીજો મળી આવી હતી.
આ ગેંગ કાહિરાના એક એપાર્ટમેન્ટમાં જ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતી હતી. દરોડા દરમિયાન લાયસન્સ વિનાની રિવોલ્વર તથા દારુગોળો પણ જપ્ત કરાયાં હતાં.
આ કેસમાં કોર્ટે સારા સહિત ૧૨ને મૃત્યુદંડની સજા ફટકારી છે જ્યારે નવ આરોપીઓને જન્મટીપની સજા અપાઈ છે. જોકે, સાત આરોપીઓને કોઈ નક્કર પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે. ઇજિપ્તના કાયદા અનુસાર કોઈ આરોપીને મૃત્યુદંડ ફટકારતાં પહેલાં ગ્રાંડ મુફ્તિની મંજૂરી મેળવવામાં આવે છે. આ ધાર્મિક મંજૂરી મળ્યા પછી જ અદાલતે સારા સહિતના આરોપીઓ સામેનો ચુકાદો જાહેર કર્યો હતો. જોકે, સારા આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની છે.




