World

નેપાળમાં હોનારત વચ્ચે ચીનમાં જોરદાર ભૂકંપ! સિચુઆનમાં 5.1 ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળ સરહદ નજીક ચીનના સિચુઆન પ્રાંતમાં શુક્રવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોંગચાંગ શહેરમાં કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સિચુઆન ભૂસ્તરશાસ્ત્રીય રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી તંત્ર સતર્ક બન્યું છે. સદનસીબે, કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. નેપાળમાં પૂર હોનારતમાં 469ના મોત થયા છે અને 1468 લોકો ગુમ છે, જેમાં 290 ભારતીયોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં હોનારત વચ્ચે ચીનમાં જોરદાર ભૂકંપ! સિચુઆનમાં 5.1 ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ

Earthquake in China: નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પૂર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો સાવચેતીના ભાગરૂપે સતર્ક થઈ ગયા હતા.

ચીનમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સત્તાવાર સંસ્થા 'ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર'ના અહેવાલ મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સિચુઆન પ્રાંતના લોંગચાંગ શહેરમાં જમીનની અંદર સ્થિત હતું.

સંવેદનશીલ વિસ્તાર છે સિચુઆન પ્રાંત

સિચુઆન પ્રાંત ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ફોલ્ટ લાઇન પર આવેલો હોવાથી ભૂતકાળમાં પણ અનેક મોટા અને વિનાશક ભૂકંપોનો સાક્ષી રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે સામાન્ય આંચકા આવતાં જ સ્થાનિક નાગરિકો અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તાત્કાલિક સાવધ થઈ જાય છે.

રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ સ્તરનો ગણવામાં આવે છે, જેનાથી નબળા બાંધકામો ધરાવતી ઇમારતોમાં તિરાડો પડવાની કે હળવા નુકસાનની શક્યતા રહે છે. હાલના તબક્કે આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના કે કોઈ મોટું માળખાકીય નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

નેપાળ જળપ્રલયમાં 469ના મોત, 1468 લોકો લાપતા

નેપાળ અને તિબેટ સરહદે ગ્લેશિયર અને પર્વતો ધસી પડવાના કારણે સર્જાયેલી ભીષણ પૂર હોનારતમાં સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. શુક્રવાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 469 પર પહોંચી ગયો છે, જ્યારે સરહદની બંને બાજુ મળીને હજુ પણ 1468 લોકો ગુમ છે. આ ભયાનક આફતમાં ભારતના 290 નાગરિકો હજુ પણ સંપર્કવિહોણા છે.