World

'સ્થિતિ વધુ ન બગાડો, MoUનું પાલન કરો', પાકિસ્તાન-કુવૈતની અમેરિકા અને ઈરાનને અપીલ

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
હોર્મુઝને લઈને અમેરિકા-ઈરાન વચ્ચે ફરી સંઘર્ષ વધ્યો છે. પાકિસ્તાન અને કુવૈતે બંને દેશોને 'ઇસ્લામાબાદ એમઓયુ'નું સન્માન કરી તણાવ ઘટાડવા અપીલ કરી. શનિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને કુવૈતના શેખ જર્રાહ જબેર વચ્ચે આ અંગે ચર્ચા થઈ. ઈરાને અમેરિકા પર કરાર તોડવાનો આરોપ લગાવી, હવે MoUના વચનો નહીં પાળવાની સ્પષ્ટતા કરી છે. કુવૈત પણ ઈરાની હુમલાથી પ્રભાવિત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સ્થિતિ વધુ ન બગાડો, MoUનું પાલન કરો', પાકિસ્તાન-કુવૈતની અમેરિકા અને ઈરાનને અપીલ

Islamabad MoU Peace Deal : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)ને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સૈન્ય સંઘર્ષ તેજ થઈ ગયો છે. આ દરમિયાન પાકિસ્તાન અને કુવૈતે બંને દેશોને ગયા મહિને થયેલા 'ઇસ્લામાબાદ એમઓયુ' (Islamabad MoU)નું સન્માન કરવા અને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. બીજી તરફ, ઈરાને અમેરિકા પર કરાર તોડવાનો આરોપ લગાવતા સ્પષ્ટ કર્યું છે કે, તે હવે આ એમઓયુ હેઠળ આપેલા પોતાના વચનોનું પાલન નહીં કરે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સૈન્ય તણાવ વધવા વચ્ચે પાકિસ્તાન અને કુવૈતે બંને દેશોને શાંતિ કરાર (MoU)નું પાલન કરવા અને સ્થિતિને વધુ ન બગાડવાની અપીલ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન ઇશાક ડાર અને કુવૈતના વિદેશ મંત્રી શેખ જર્રાહ જબેર અલ-અહમદ અલ-સબાહ વચ્ચે શનિવારના રોજ ટેલિફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના તાજા ઘટનાક્રમ પર ચર્ચા કરી હતી.

આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે શનિવારના રોજ અમેરિકા અને ઈરાને એકબીજાના સૈન્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સ્થળો પર નવા હુમલા કર્યા હતા. હોર્મુઝને લઈને બંને દેશો વચ્ચે સંઘર્ષ ફરી તેજ થયો છે. કુવૈતના વિદેશ મંત્રીએ વાતચીત દરમિયાન પોતાના દેશ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી, અને તમામ પક્ષોને સંયમ રાખવા તથા એમઓયુને પૂર્ણપણે લાગુ કરવાની અપીલ કરી. તાજેતરના હુમલાઓમાં કુવૈત પણ પ્રભાવિત થયું છે. ઈરાની હુમલામાં ત્યાંના એક ડિસેલિનેશન (દરિયાઈ પાણીના શુદ્ધિકરણ) પ્લાન્ટ અને એક ઓઈલ ફેસિલિટીને નુકસાન પહોંચ્યું છે. આ કારણે કુવૈતને અસ્થાયી રૂપે પોતાનું એરસ્પેસ બંધ કરવું પડ્યું અને ઘણી ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ હતી. ઇશાક ડારે પ્રદેશમાં તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા અપીલ કરી. તેમણે 'ઇસ્લામાબાદ એમઓયુ' હેઠળ કરવામાં આવેલા યુદ્ધવિરામ સંબંધિત વચનોનું પાલન કરવાની જરૂરિયાત પણ દોહરાવી.

પાકિસ્તાન બન્યું હતું ગેરેન્ટર

ગયા મહિને અમેરિકા અને ઈરાને પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી 'ઇસ્લામાબાદ એમઓયુ' પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં પાકિસ્તાને ગેરેન્ટરની ભૂમિકા ભજવી હતી. કરાર હેઠળ તકનીકી સ્તરની વાર્તા માટે 60 દિવસની સમયસીમા નક્કી કરવામાં આવી હતી, પરંતુ તાજા સૈન્ય હુમલા બાદ આ પ્રક્રિયા પાટા પરથી ઉતરી ગઈ હોય તેમ લાગે છે. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે, તે આ કરારના કોઈ પણ નિયમને માન્યતા આપતું નથી. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું છે કે, 'અમેરિકાએ તમામ વચનો તોડ્યા છે, અને એમઓયુને સંપૂર્ણપણે બેકાર સાબિત કરી દીધું છે. જેના જવાબમાં અમે પણ અમારા તમામ વચનો પર અમલ કરવાનું બંધ કરી દીધું છે અને હવે અમે તે વચનો પૂરા નથી કરી રહ્યા.'