Get The App

ગ્રીનલેન્ડને ખરીદી લેવા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઓફર, દરેક નાગરિકને ચૂકવશે 1 લાખ ડોલર!

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીનલેન્ડને ખરીદી લેવા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઓફર, દરેક નાગરિકને ચૂકવશે 1 લાખ ડોલર! 1 - image

Donald trump offer To Geenland : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક દેશની સમગ્ર વસ્તીને જ ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલોથી આંતરરાષ્ટીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ દેશ છે ગ્રીનલેન્ડ. છેલ્લા કેટલાક દિવસોથી, પ્રમુખ ટ્રમ્પે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ અમેરિકા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અમેરિકાને ગમે તે ભોગે આ દેશની જરૂર છે. હવે, આ જરૂરિયાતને પૂરી કરવા માટે, અમેરિકાએ ગ્રીનલેન્ડના 57,000 નાગરિકોની "કિંમત" નક્કી કરી દીધી હોવાનું જણાય છે.

શું છે અમેરિકાની યોજના?

એક અહેવાલમાં મામલા સાથે સંકળાયેલા સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે અમેરિકન અધિકારીઓએ ગ્રીનલેન્ડના લોકોને એકસાથે મોટી રકમ આપવા પર ચર્ચા કરી છે, જેથી તેમને ડેનમાર્કથી અલગ થવા અને અમેરિકામાં જોડાવા માટે મનાવી શકાય. માહિતી મુજબ, વ્હાઇટ હાઉસના સહયોગીઓ અને અમેરિકન અધિકારીઓએ પ્રતિ વ્યક્તિ $10,000 થી $1,00,000 સુધીની રકમ પર ચર્ચા કરી છે. આનો અર્થ એ છે કે અમેરિકા આ યોજના માટે કુલ $6 બિલિયન સુધીનો ખર્ચ કરી શકે છે.

આ પહેલા, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ સંકેત આપ્યા હતા કે પ્રમુખ ટ્રમ્પ અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો એ જોઈ રહ્યા છે કે સંભવિત ખરીદી કેવી હોઈ  શકે છે. અમેરિકન અધિકારીઓ એવું પણ કહી ચૂક્યા છે કે ગ્રીનલેન્ડને અમેરિકા સાથે જોડવા માટે કોઈપણ રસ્તો અપનાવી શકાય છે અને જરૂર પડ્યે સેનાનો ઉપયોગ પણ કરવામાં આવશે.

અમેરિકાને ગ્રીનલેન્ડમાં આટલો રસ કેમ?

ગ્રીનલેન્ડ પાછળ અમેરિકાના આટલા લગાવ પાછળ મુખ્યત્વે બે કારણો છે:

ખનીજ સંપત્તિ: ગ્રીનલેન્ડ દુર્લભ ખનીજોથી સમૃદ્ધ છે, જેનો ઉપયોગ મોબાઇલ ફોન, કમ્પ્યુટર અને બેટરી જેવા હાઇ-ટેક ઉપકરણોમાં થાય છે. હાલમાં, આ મહત્વપૂર્ણ ખનીજોના સપ્લાય પર ચીનનું વર્ચસ્વ છે.

વ્યૂહાત્મક સ્થાન: ગ્રીનલેન્ડનું લગભગ 80% ક્ષેત્ર આર્કટિક સર્કલની ઉપર છે, જે આર્કટિક સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. ક્લાઈમેટ ચેન્જને કારણે બરફ પીગળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં રશિયા અને ચીન જેવી શક્તિઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે.

યુરોપિયન દેશોની આકરી ચેતવણી, ‘...તો નાટો ખતમ થઈ જશે’

અમેરિકાની આ યોજના સામે યુરોપિયન દેશોએ સખત ચેતવણી આપી છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્કે એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું છે, "ગ્રીનલેન્ડ અહીંના લોકોનું છે અને તેનો નિર્ણય માત્ર અહીંના લોકો જ કરશે."

ડેનમાર્કે તો ત્યાં સુધી કહી દીધું છે કે, "ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વ પર કોઈપણ હુમલો થશે તો નાટો ખતમ થઈ જશે." આનાથી 75 વર્ષ જૂના નાટો ગઠબંધનમાં મોટી તિરાડ પડવાની સંભાવના ઉભી થઈ છે.