Get The App

‘ડીલ નહીં થાય તો...’ ટ્રમ્પનું મોટું નિવેદન, ઈરાન મામલે અબ્રાહમ કરારમાં જોડાવા 6 દેશોને અપીલ

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
‘ડીલ નહીં થાય તો...’ ટ્રમ્પનું મોટું નિવેદન, ઈરાન મામલે અબ્રાહમ કરારમાં જોડાવા 6 દેશોને અપીલ 1 - image

Donald Trump On Iran : ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની વાતચીત ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે. તેમનું માનવું છે કે, વાતચીત દરેક માટે ખૂબ મોટી ડીલ સાબિત થશે અથવા તો દુનિયા ફરી એકવાર યુદ્ધના મેદાનમાં આવી જશે.

...તો મોટાપાયે ગોળીબાર થશે : ટ્રમ્પની ધમકી

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, ‘વાતચીત દરેક માટે અત્યંત મોટી ડીલ સાબિત થશે અથવા કોઈ સમજૂતી નહીં થાય, તો દુનિયા ફરીથી યુદ્ધના મેદાનમાં આવી જશે. પહેલા કરતાં પણ મોટા પાયે ગોળીબાર શરૂ થઈ શકે છે, જે કોઈ ઈચ્છતું નથી.’ તેમણે કહ્યું કે ઈરાન સાથે સમજૂતી માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

6 દેશોને કરારમાં સામેલ થવા ટ્રમ્પની અપીલ

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શનિવારે કેટલાય મુસ્લિમ દેશોના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી છે. તેમણે દાવો કર્યો કે ઈરાન સાથેના સંભવિત કરાર અને મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા માટે ઘણા દેશો સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. આ નેતાઓમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, બહેરીન અને UAE, જોર્ડનના કેટલાક નેતાઓ સામેલ હતા.

ટ્રમ્પે આ દેશોના નેતાઓ કરી વિનંતી

આ નેતાઓમાં સાઉદી અરેબિયાના મોહમ્મદ બિન સલમાન અલ સઉદ, સંયુક્ત આરબ અમીરાતના મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, કતારના અમીર તમીમ બિન હમદ બિન ખલીફા અલ થાની, વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ બિન જાબેર અલ થાની અને મંત્રી અલી અલ-થવાદી સામેલ હતા. આ સિવાય પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ આસિમ મુનીર, તુર્કેઈના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન, ઈજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસી, જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય અને બહેરીનના રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે પણ વાતચીત થઈ હતી. ટ્રમ્પે આ તમામ નેતાઓને એક ખાસ વિનંતી કરી છે.

બે દેશો પહેલેથી જ કરારમાં સામેલ : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, તેઓ અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરે. અમેરિકા દ્વારા આ જટિલ પરિસ્થિતિને ઉકેલવા માટે કરાયેલા તમામ પ્રયાસો બાદ એ જરૂરી છે કે, બધા દેશો એકસાથે આવીને આ કરારનો હિસ્સો બને. તેમણે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન પહેલેથી જ આ કરારનો ભાગ છે.

આ પણ વાંચો : વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન કરતાં ઇરાનમાં અમેરિકા ખરેખરૂં ફસાઇ ગયું છે

અબ્રાહમ કરારમાં સામેલ દેશોને અનેક ફાયદો

ટ્રમ્પે કહ્યું, ‘એવું બની શકે છે કે, કોઈ કારણોસર એક કે બે દેશો કરાર પર હસ્તાક્ષર ન કરે, જેને અમે સ્વિકારી લઈશું, પરંતુ મોટાભાગના દેશો આ કરાર પર હસ્તાંક્ષર કરવા માટે, તેને ઐતિહાસિક ઘટના બનાવવા માટે તૈયાર અને સક્ષમ હોવા જોઈએ. અબ્રાહમ કરારમાં સામેલ દેશોને નાણાકીય, આર્થિક અને સામાજિક સ્તરે મોટો ફાયદો થયો છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધ છતાં પણ આ દેશોએ ક્યારેય આ કરારમાંથી બહાર નીકળવાની વાત સુદ્ધાં કરી નથી. અબ્રાહમ કરાર દરેક માટે ખૂબ જ સારો રહ્યો છે.’

વિશ્વનો સૌથી મહત્ત્વનો કરાર હોવાનો ટ્રમ્પનો દાવો

ટ્રમ્પે આને દુનિયાનો સૌથી મહત્વનો અને પ્રતિષ્ઠિત કરાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આની શરૂઆત સાઉદી અરેબિયા અને કતાર દ્વારા તાત્કાલિક હસ્તાક્ષર કરીને થવી જોઈએ. બાકીના દેશોએ પણ તેમનું અનુકરણ કરવું જોઈએ. તેઓ ઈરાનને પણ અબ્રાહમ કરારનો એક હિસ્સો બનાવવામાં આવે તેનું સમર્થન કરશે.

આ પણ વાંચો : દરેક દેશમાં બેવકૂફો હોય છે...!, ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રીના એક નિવેદનથી કેમ મચ્યો હોબાળો?

શું છે આ અબ્રાહમ કરાર ?

અબ્રાહમ અકોર્ડ કરાર એ અમેરિકાની મધ્યસ્થતાથી તૈયાર કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર છે, જેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. આ સમજૂતીનો મુખ્ય હેતુ આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચેની વર્ષો જૂની દુશ્મનીનો અંત લાવીને તેમની વચ્ચે રાજદ્વારી અને વ્યાપારી સંબંધો સામાન્ય બનાવવાનો છે. કોરોના કાળ દરમિયાન થયેલા આ કરારમાં સૌથી પહેલા યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને બહેરીન જેવા દેશો જોડાયા હતા અને ઈઝરાયલ સાથે સત્તાવાર સંબંધો શરૂ કર્યા હતા. ત્યારબાદ મોરોક્કો અને સુદાન પણ તેમાં સામેલ થયા. આ કરાર પાછળનો એક મોટો વ્યૂહાત્મક હેતુ મિડલ ઈસ્ટમાં ઈરાનના વધતા પ્રભાવને રોકવાનો પણ હતો, પરંતુ હવે ટ્રમ્પ પોતે જ ઈરાનને આ ગ્રુપમાં લાવવાની વાત કરી રહ્યા છે જે ઘણું મહત્ત્વ ધરાવે છે.