Donlad Trump News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા 24 કલાકના પાંચ મોટા નિવેદનો અને આક્રમક વલણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ટ્રમ્પના આ પગલાં ભવિષ્યની મોટી ભૌગોલિક-રાજકીય ઉથલપાથલના સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને ગ્રીનલેન્ડ અને નોબેલ શાંતિ પુરસ્કારના મુદ્દે ટ્રમ્પનું વલણ અત્યંત આક્રમક જોવા મળી રહ્યું છે.

1. નોબેલ પુરસ્કાર ન મળતા નારાજગી અને ગ્રીનલેન્ડ પર દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાનને એક પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, જે પત્ર સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો છે. ટ્રમ્પે પત્રમાં લખ્યું છે કે, '8 જેટલા યુદ્ધો અટકાવ્યા હોવા છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો નથી, તેથી હવે હું શાંતિ જાળવી રાખવાની કોઈ જવાબદારી લેતો નથી.' આ સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ હવે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની દિશામાં આગળ વધી શકે છે.
2. AI નકશો અને સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર AI દ્વારા બનાવવામાં આવેલો એક નવો નકશો પોસ્ટ કર્યો છે, જેમાં ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુએલાને અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
3. ગ્રીનલેન્ડ પર અમેરિકન ઝંડો લહેરાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર ગ્રીનલેન્ડમાં અમેરિકન ધ્વજ લહેરાવતી તસવીર મૂકીને નવો વિવાદ છેડ્યો છે. આ ફોટામાં તેઓ જેડી વેન્સ અને માર્કો રુબિયો સાથે દેખાય છે, જ્યાં એક બોર્ડ પર ગ્રીનલેન્ડને 'અમેરિકન વિસ્તાર(2026)' તરીકે દર્શાવવામાં આવ્યું છે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રીનલેન્ડ મેળવવાના લક્ષ્યથી પાછળ નહીં હટે. આ જાહેરાતથી યુરોપમાં ભારે તણાવ સર્જાયો છે. બીજી તરફ, ડેનમાર્કના વડાપ્રધાને પણ કડક ચેતવણી આપી છે કે તેઓ આઝાદી અને સરહદ મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે, જેના કારણે હવે સીધા સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ છે.
4. ફ્રાંસને 200% ટેરિફની ધમકી
વૈશ્વિક સ્તરે દબાણ બનાવવા માટે ટ્રમ્પે ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો મેક્રોન પ્રસ્તાવિત 'ગાઝા શાંતિ બોર્ડ'માં સામેલ નહીં થાય, તો અમેરિકા ફ્રેન્ચ વાઈન અને શેમ્પેન પર 200% ટેરિફ લાદશે. ટ્રમ્પે મેક્રોન સાથેની ચેટના સ્ક્રીનશોટ પણ વાઇરલ કર્યા છે, જે રાજદ્વારી સ્તરે ઘણી ચર્ચા જગાવી રહ્યા છે.
5. બ્રિટન પર પ્રહાર અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા
ટ્રમ્પે હિંદ મહાસાગરમાં સ્થિત ડિયેગો ગાર્સિયા ટાપુનો મુદ્દો ઉઠાવીને બ્રિટનની કડક ટીકા કરી છે. બ્રિટન દ્વારા આ ટાપુની સાર્વભૌમત્વ મોરિશિયસને સોંપવાના નિર્ણયને ટ્રમ્પે 'મોટી મૂર્ખામી' ગણાવી છે. તેમણે કહ્યું કે ચીન અને રશિયા અમેરિકાની આ નબળાઈનો લાભ ઉઠાવી શકે છે અને રાષ્ટ્રીય સુરક્ષાના આ જ કારણોસર ગ્રીનલેન્ડને હાંસલ કરવું અમેરિકા માટે અનિવાર્ય છે.
ટ્રમ્પના આ આક્રમક વલણ અને અણધાર્યા નિર્ણયોએ આગામી સમયમાં વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સંબંધોમાં મોટા ફેરફારોના એંધાણ આપ્યા છે.


