Get The App

ટ્રમ્પના મતે યુએન ‘નિષ્ફળ સંસ્થા’, અમેરિકાએ જ મોટું કરેલું વટવૃક્ષ હવે ‘બિનજરૂરી’

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News

ટ્રમ્પના મતે યુએન ‘નિષ્ફળ સંસ્થા’, અમેરિકાએ જ મોટું કરેલું વટવૃક્ષ હવે ‘બિનજરૂરી’ 1 - image

Why Trump Called the UN ‘Irrelevant’ : તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર (UN – યુનાઈટેડ નેશન્સ)ના મંચ પરથી બોલતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનને એક ‘નિષ્ફળ સંસ્થા’ ઠરાવી દીધી હતી. એક એવી સંસ્થા જે વિશ્વ શાંતિ માટે મહત્ત્વની નથી. તેમણે યુદ્ધ, પરમાણુ કાર્યક્રમો અને ઇમિગ્રેશન જેવા મુદ્દે નિષ્ફળ જવા બદલ યુએનને આડે હાથે લીધી હતી.

શું કહ્યું અમેરિકન પ્રમુખ ટ્રમ્પે?

ટ્રમ્પે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ‘યુએન ફક્ત કડક ભાષામાં પત્રો લખે છે, પરંતુ ક્યારેય કાર્યવાહી કરતી નથી. ખાલી શબ્દો યુદ્ધો બંધ કરાવી શકતા નથી.’ તેમણે યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાને ઉકેલવામાં યુએનની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો. ઇમિગ્રેશનના પ્રશ્ન બાબતે તો તેમણે સીધો જ આક્ષેપ કર્યો કે, ‘યુએનનું કામ ગેરકાયદે પ્રવાસીઓને રોકવાનું હોવું જોઈએ. તેના બદલે યુએન તેને પ્રોત્સાહન આપી રહ્યું છે. 2024માં તેણે $372 મિલિયન ખર્ચીને 6,24,000 સ્થળાંતરિત લોકોને અમેરિકામાં પ્રવેશવામાં મદદ કરી હતી.’

યુએનની સ્થાપનામાં અમેરિકાની ભૂમિકા 

ટ્રમ્પે કરેલી યુએનની ટીકા મોટો વિરોધાભાસ સર્જે છે, કેમ કે આ સંસ્થાની કલ્પના, એની સ્થાપના અને એને મજબૂત કરવા પાછળ અમેરિકાનો જ હાથ છે. બીજા વિશ્વયુદ્ધના વિનાશ પછી ભવિષ્યમાં થનારા વિશ્વયુદ્ધને રોકવા, વિશ્વશાંતિ સ્થાપવા અને વૈશ્વિક સહયોગ સર્જવા માટે એક મજબૂત વૈશ્વિક સંસ્થા બનાવવાનું સપનું ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ અને હેરી ટ્રુમેન જેવા બે દિગ્ગજ અમેરિકન નેતાએ જોયું હતું. 1945માં સાન ફ્રાન્સિસ્કોમાં 50 દેશના પ્રતિનિધિએ મળીને યુએન ચાર્ટર તૈયાર કર્યો અને તેનું મુખ્ય મથક ન્યૂ યોર્કમાં સ્થાપવામાં આવ્યું હતું.  

અમેરિકાએ યુએનનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કર્યો 

યુએનને સૌથી મોટું ભંડોળ આપ્યે રાખીને અમેરિકાએ એ સંસ્થા પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું. પોતાના સ્વાર્થ માટે અમેરિકા યુએનનો ઉપયોગ કરતું રહ્યું. પોતાના હિતો સાધવામાં યુએન ઉપયોગી થયું ત્યારે તે અમેરિકાને વ્હાલું લાગ્યું, પણ જ્યારે યુએનના નિર્ણયો તેની વિરુદ્ધ ગયા ત્યારે અમેરિકાએ તેને અપ્રસ્તુત જાહેર કર્યું. ઉદાહરણ તરીકે, 1950માં કોરિયાના યુદ્ધમાં યુએનનું સમર્થન મળતા અમેરિકાએ તેને વધાવી લીધું, પણ 1960માં વિયેતનામ યુદ્ધ દરમિયાન યુએનની તટસ્થતાથી અમેરિકા ગુસ્સે ભરાયું હતું. આવું દાયકાઓ સુધી થતું રહ્યું એમાં વિશ્વના અન્ય દેશોને આ સંસ્થા પરથી વિશ્વાસ ઊઠવા લાગ્યો. આમ, યુએનના પાયાને નબળો પાડવામાં અમેરિકાએ જ ભાગ ભજવ્યો છે. 

આ પણ વાંચો: 'અમેરિકા જૂઠ્ઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ...', ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનો ટ્રમ્પ પર આકરો પ્રહાર

શાંતિનો માર્ગ અવરોધતો વીટોનો ઘાતક ઉપયોગ

યુએનની અસરકારકતા ઘટાડવામાં તેની 'વીટો પાવર'ની જોગવાઈએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સુરક્ષા પરિષદના પાંચ સત્તાવાર સભ્ય દેશો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ)ને આ વિશેષ અધિકાર હોવાથી, એ પાંચ પૈકીનો કોઈ પણ દેશ તેમનો વીટો પાવર વાપરીને સમગ્ર વિશ્વના બહુમતીના મતને નકારી શકે છે. આ વ્યવસ્થાએ શીતયુદ્ધ દરમિયાન યુએનને ઘણીવાર પાછું પાડ્યું છે. આજ સુધીમાં, રશિયાએ સૌથી વધુ 143 વખત, જ્યારે અમેરિકાએ 83 વખત (જેમાંથી 45 થી વધુ વખત ઇઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દા પર) વીટોનો ઉપયોગ કર્યો છે. ઉદાહરણ તરીકે, 2023-24માં ગાઝા સંઘર્ષ દરમિયાન માનવીય સહાય અને યુદ્ધવિરામના ઠરાવોને અમેરિકાએ વારંવાર વીટો કરીને નામંજૂર કર્યા હતા. વીટોના આવા દુરુપયોગે સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

યુએન ચાર્ટરની અવગણના કરીને અમેરિકાએ યુદ્ધો છેડ્યા 

અમેરિકાએ યુએનની મંજૂરી લીધા વિના જ ઘણાં યુદ્ધો ચલાવીને આ વૈશ્વિક સંસ્થાની અવગણના કરી છે. અમુક ઉદાહરણ જોઈએ.

- વિયેતનામ યુદ્ધ (1955-1975) દરમિયાન અમેરિકાએ યુએનની કોઈ મંજૂરી લીધી ન હતી અને 5 લાખથી વધુનું સૈન્યદળ તહેનાત કર્યું હતું. આ યુદ્ધમાં અમેરિકાએ નેપામ અને એજન્ટ ઓરેન્જ જેવા ઘાતક રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ કર્યો હતો, જેની વિશ્વવ્યાપી નિંદા થઈ હતી.

- 2003માં ઇરાક પર હુમલો કરવા માટે યુએન સુરક્ષા પરિષદની મંજૂરી મેળવવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું હતું, કારણ કે યુએનના શસ્ત્ર નિરીક્ષકોએ ઇરાક પાસે 'વિનાશક શસ્ત્રો' હોવાના અમેરિકન દાવાને સમર્થન ન હતું આપ્યું. આમ છતાં, અમેરિકાએ યુએનના વિરોધ અને ઠરાવોને અવગણીને ઇરાક પર આક્રમણ કર્યું હતું. પરિણામે લગભગ 1 લાખ લોકો માર્યા ગયા હતા અને દેશમાં ભીષણ અરાજકતા ફેલાઈ હતી. 

આવી એકપક્ષીય કાર્યવાહી કરીને અમેરિકાએ યુએનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો, જેને લીધે યુએનની શાખને ઝાંખપ લાગી છે.

આ પણ વાંચો: 'રશિયાની સેના માત્ર કાગળનો વાઘ', યુક્રેનની જમીનને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન

ભંડોળમાં કાપ મૂકીને અમેરિકાએ યુએનની કમર તોડી 

ટ્રમ્પે સત્તામાં આવતાં જ અમેરિકા તરફથી યુએનને મળતા ભંડોળમાં મોટો ઘટાડો કર્યો હતો. યુએનના કુલ બજેટમાં અમેરિકાનું યોગદાન લગભગ 22% ($13 અબજ) જેટલું છે, પરંતુ ટ્રમ્પે યુએન અને એની સાથે સંકળાયેલી અનેક મહત્ત્વની  એજન્સીઓને ભંડોળ આપવાનું સ્થગિત કરી દીધું છે. 5 ફેબ્રુઆરી, 2025ના રોજ જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા UNRWA (પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે), UNHRC (માનવ અધિકાર પરિષદ), અને UNESCO (શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ સંગઠન) જેવી એજન્સીઓને મળતા ભંડોળમાં ટ્રમ્પ દ્વારા કપાત કરાઈ હતી. આ કારણે ગાઝામાં માનવીય સહાયનું કામ અટકી પડ્યું અને શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર ગંભીર અસર પડી છે.

અમેરિકા અનેક વૈશ્વિક સંગઠનોમાંથી અલગ થઈ ગયું

'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ અપનાવીને ટ્રમ્પે અન્ય અનેક વૈશ્વિક સંગઠનોમાંથી પણ અમેરિકાને દૂર કરી લીધું છે, જે યુએનના બહુપક્ષીય માળખાનો સીધો ત્યાગ છે.

- વિશ્વ આરોગ્ય સંગઠન (WHO): 20 જાન્યુઆરી, 2025ના રોજ, ટ્રમ્પે કોવિડ-19 મહામારીના ગેરવહીવટ અને ચીનના પ્રભાવના આરોપો મૂકીને WHOમાંથી અમેરિકાને પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ પગલાંએ વૈશ્વિક આરોગ્ય સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડી છે.

- યુએન માનવ અધિકાર પરિષદ (UNHRC): 4 ફેબ્રુઆરી, 2025ના રોજ, ઇઝરાયલ સામે પક્ષપાત કરવાના આરોપ લગાવીને અમેરિકાએ UNHRCમાંથી પણ રજા લઈ લીધી હતી. 

- યુનેસ્કો: 22 જુલાઈ 2025ના રોજ, યુનેસ્કો પર ઇઝરાયલ વિરોધી હોવાના આરોપ મૂકીને અમેરિકાએ વર્ષ 2026ના અંતથી તેમાંથી બહાર થઈ જવાની જાહેરાત કરી દીધી છે.

- પેરિસ ક્લાઈમેટ ચેન્જ ડીલ : ટ્રમ્પે આ કરારને ‘અમેરિકન અર્થતંત્ર માટે નુકસાનદાયક’ ઠરાવીને તેમાંથી પણ અમેરિકાને પાછું ખેંચી લીધું છે.

આ પણ વાંચો: 'હું રાષ્ટ્રપ્રમુખ પદ છોડવા માટે તૈયાર', રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનું ચોંકાવનારું નિવેદન

શક્તિશાળી દેશો જવાબદારીપૂર્વક નહીં વર્તે તો… 

યુએનની નિષ્ફળતાની વાત કરનારા ટ્રમ્પ ખરેખર તો અમેરિકાની જ વૈશ્વિક જવાબદારીમાંથી પીછેહઠ કરવાની નીતિને ઉજાગર કરે છે. યુએનની મર્યાદાઓ જરૂર છે, પરંતુ તેની નબળાઈ માટે સૌથી વધુ જવાબદાર શક્તિશાળી દેશોનો સ્વાર્થ છે. યુએનને મજબૂત બનાવવાને બદલે તેને નબળી પાડવાની રાજનીતિએ જ વિશ્વમાં અસ્થિરતા અને સંઘર્ષને વેગ આપ્યો છે. યુએન બહેતર કામ કરી શકે એ માટે એના વીટો પાવરમાં સુધારો કરવાની, સુરક્ષા પરિષદમાં વધુ દેશોને સમાવવાની અને એના કામમાં વધુ પારદર્શિતા આણવાની માંગ લાંબા સમયથી થતી આવી છે, પરંતુ અમેરિકા સહિતના સત્તાવાર દેશો એને મંજૂર કરતા નથી, કેમ કે તેઓ પોતાના વિશેષાધિકારો ગુમાવવા માંગતા નથી. અમેરિકા જેવા દેશો યુએનના સુધારા માટે રચનાત્મક ભૂમિકા નિભાવવાને બદલે તેના પાયાને નબળું કરવાનું કામ કરતા રહેશે તો એ દિવસ દૂર નથી જ્યારે આ સંસ્થાનો વીંટો વાળી લેવાનો વખત આવે.

Tags :