'અમેરિકા જૂઠ્ઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ...', ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનો ટ્રમ્પ પર આકરો પ્રહાર
Iran Slams USA: ઈરાને અમેરિકા પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે અમેરિકા સાથે સંવાદની કોઈપણ સંભાવનાને ફગાવી દીધી છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ અમેરિકાને વચન તોડનારૂ, જૂઠું, અને ધમકીઓ આપવાનો આક્ષેપ કર્યો હતો.
અલી ખામેનેઈએ કહ્યુ કે, જે પક્ષનો અમે સામનો કરી રહ્યા છે (અમેરિકા) તે દરેક બાબતમાં પોતાનું વચન તોડી નાખે છે. તે જૂઠુંં બોલે છે, અને સૈન્યની ધમકીઓ આપે છે. લોકોની હત્યા અને પરમાણુ મથકો પર હુમલો કરે છે. અમે આવા પક્ષ સાથે વાતચીત કે સમાધાન કરવા માગતા નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન-ઈઝરાયલ વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન ઈરાનના ત્રણ પરમાણું મથકો ફોર્દો, ઈસ્ફહાન અને નતાંજ પર હુમલો કર્યો હતો. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ જણાવ્યું હતું કે, અમેરિકા સાથે વાતચીત તેહરાનના હિતોની પૂર્તિ કરતી નથી. તે એક અવરોધરૂપ સાબિત થશે.
પરમાણુ બોમ્બ નથી જોઈતા પણ...
ખામેનેઈએ જણાવ્યું હતું કે, ઈરાન યુરિનિયમ સંવર્ધન સંબંધિત 'પ્રેશરમાં ઝુકશે નહીં' અને તેમણે તેહરાનમાં લાંબા સમયથી અડગ પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે, અમને પરમાણુ હથિયારોની આવશ્યકતા નથી, અને અમે તેનુ ઉત્પાદન કરવાનો કોઈ ઉદ્દેશ ધરાવતા નથી.
આ પણ વાંચોઃ 'અમે ભારતને દંડિત કરવા નથી માગતા પણ..' ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઈચ્છા
ટ્રમ્પની ધમકીનો આપ્યો જવાબ
ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે યુએન મહાસભાને સંબોધિત કરતાં ઈરાનને ધમકી આપી હતી કે, ઈરાનને કોઈપણ પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપશું નહીં. તેના જવાબમાં ખામેનેઈએ કહ્યું કે, ઈરાન યુરેનિયન એનરિચમેન્ટ કરવાનું બંધ કરશે નહીં. જો અમને ન્યૂક્લિયર એનરિચમેન્ટ કરતાં રોકવામાં આવ્યા તો ઈરાનની જનતા તેને આકરો જવાબ આપશે. અમારી વર્તમાન સ્થિતિમાં અમને અમેરિકા સાથે વાતચીત કરવાનો કોઈ લાભ થશે નહીં. તેમજ દેશને થનારા કોઈપણ નુકસાનને પણ રોકી શકાશે નહીં. તેની સાથે વાત કરવાથી દેશને માત્ર નુકસાન જ થશે. ખામેનેઈએ અમેરિકાના હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે આવ્યા અને ઈરાનના યુરેનિયન એનરિચમેન્ટ ફેસિલિટી પર હુમલો કર્યો હતો. એનરિચમેન્ટ એક સાયન્સ છે. તેને નષ્ટ કરી શકશે નહીં. સાયન્સને બોમ્બ, ધમકીઓ ખતમ કરી શકશે નહીં.
અમેરિકા સાથે વાટાઘાટો હાનિકારક
ઈરાનના સુપ્રીમ લીડરે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે વાટાઘાટો હાનિકારક છે. અમેરિકા ઇચ્છે છે કે અમારી પાસે મધ્યમ અંતરની મિસાઇલો સહિત કોઈ મિસાઇલો ન રહે. તેની ધમકીઓ વચ્ચે વાટાઘાટો સ્વીકારવાનો અર્થ એ છે કે અમે દબાણ સામે ઝૂકી રહ્યા છીએ, અને કોઈ પણ આદરણીય રાષ્ટ્રને આ સ્વીકાર્ય નથી. ખામેનાઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને યુરોપિયન દેશો તેહરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો ચાલુ રાખવા માટે સંમત થયા છે. ઈરાની વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાહેરાત કરી હતી.