'રશિયાની સેના માત્ર કાગળનો વાઘ', યુક્રેનની જમીનને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન
US President Donald Trump And Putin: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ યુદ્ધને રોકવા માટે શક્ય તેટલા ઉપાય અજમાવી રહ્યા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ તાજેતરમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ટ્રમ્પે ફરી એકવાર રશિયા પર નિશાન સાધ્યું હતું. આ વખતે તેમણે રશિયાને સ્પષ્ટપણે ધમકી આપી હતી કે, યુક્રેન યુદ્ધમાં ગુમાવેલા તેના તમામ પ્રદેશો પાછા મેળવી શકે છે, જેમાં 2014 પછી રશિયા દ્વારા કબજે કરાયેલા અને 2022 ના યુદ્ધમાં ગુમાવેલા પ્રદેશોનો સમાવેશ થાય છે.
રશિયન સેનાને કાગળનો વાઘ કહ્યો
ટ્રમ્પે રશિયન સેનાને કાગળનો વાઘ કહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, યુદ્ધ અને પ્રતિબંધોએ રશિયાને ગંભીર આર્થિક સંકટમાં મૂકી દીધું છે. રશિયન સેના કાગળના વાઘ સમાન છે, તે ખૂબ જ પછાત છે. રશિયન પ્રમુખના નિવાસસ્થાન ક્રેમલિનએ આ મામલે વળતો જવાબ આપ્યો હતો કે, ક્રેમલિનની સેના રીંછ છે, રશિયા રીંછ છે, કાગળનો વાઘ નથી.
આ પણ વાંચોઃ રશિયાનું નોઆહ્સ આર્ક અવકાશમાં ત્રીસ જૈવિક પ્રયોગો કરીને પાછુ ફર્યું
રશિયન વિમાનને તોડી પાડવાની અપીલ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ખુલ્લેઆમ રશિયાને પડકાર આપી રહ્યા છે. તેઓ રશિયા પર તમામ પ્રકારના દબાણ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે નાટોને રશિયા સામે કાર્યવાહી કરવા પણ કહ્યું છે. જરૂર પડ્યે રશિયન વિમાનને તોડી પાડવાની પણ અપીલ કરી છે. ટ્રમ્પે અગાઉ યુરોપિયન દેશોને રશિયન ક્રૂડ ખરીદવા બદલ ચેતવણી આપી હતી. ટ્રમ્પ માને છે કે પુતિન રશિયન ક્રૂડમાંથી થતી આવકનો ઉપયોગ યુક્રેન પર હુમલો કરવા કરી રહ્યા છે.