Get The App

માત્ર 57 હજારની વસતી ધરાવતા દેશ પર કબજો કરવા ટ્રમ્પ તલપાપડ! રશિયા-ચીનનું વધશે ટેન્શન

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
Trump on Greenland


(IMAGE - IANS)

Trump on Greenland: ગ્રીનલૅન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ જીદ પર અડગ છે. ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલૅન્ડને કોઈ પણ ભોગે હસ્તગત કરવા માટે ટ્રમ્પ અત્યારે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિને કારણે યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ પર કબજો મેળવવો અત્યંત અનિવાર્ય છે.

ખાસ દૂતની નિમણૂક સાથે મિશન શરુ 

આ મિશનને ગંભીરતાથી આગળ વધારવા માટે ટ્રમ્પે લુઇસિયાનાના ગવર્નર જેફ લૅન્ડ્રીને ગ્રીનલૅન્ડ માટે 'વિશેષ દૂત' તરીકે નિયુક્ત કર્યા છે. લૅન્ડ્રી પર આ આખા આઇલૅન્ડને અમેરિકન વહીવટનો ભાગ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયની ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે.

સુરક્ષાના બહાને કબજો અશક્ય

ટ્રમ્પના દાવા પર નારાજગી વ્યક્ત કરતાં ગ્રીનલૅન્ડના પીએમ જેન્સ ફ્રેડરિક નીલસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ગ્રીનલૅન્ડ અહીંના લોકોનું છે. કોઈ બીજો દેશ આંતરરાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢીને આના પર કબજો કરી શકે નહીં.' તેમણે ગ્રીનલૅન્ડને ખરીદવાની કે હડપવાની વાતને સદંતર ફગાવી દીધી છે.

ગ્રીનલૅન્ડ પર જ કેમ છે ટ્રમ્પની નજર?

ગ્રીનલૅન્ડ પર કબજો મેળવવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પે મુખ્યત્વે તેના વ્યૂહાત્મક સ્થાન અને અખૂટ કુદરતી સંસાધનોને જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પના મતે, ગ્રીનલૅન્ડની આસપાસ ચીની અને રશિયન જહાજોની વધતી જતી સક્રિયતા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે, જેને રોકવા માટે અમેરિકા ત્યાં પોતાની આધુનિક 'બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ' સ્થાપીને આ બંને શક્તિશાળી દેશોને સીધો પડકાર આપવા માંગે છે. 

વધુમાં, ગ્રીનલૅન્ડ કિંમતી ખનીજ પદાર્થોનો વિશાળ ભંડાર ધરાવે છે, જેના પર નિયંત્રણ મેળવીને અમેરિકા ખનીજ સંસાધનોના મામલે ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા ઉત્સુક છે. યુરોપ અને ઉત્તર અમેરિકાની બિલકુલ મધ્યમાં આવેલું હોવાથી, લશ્કરી અને ભૌગોલિક દૃષ્ટિએ ગ્રીનલૅન્ડનું લોકેશન અમેરિકા માટે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ન્યૂઝીલૅન્ડમાં અંદરોઅંદર ડખા! વિદેશમંત્રી નારાજ

2009માં આઝાદી મળ્યા પછી પણ ગ્રીનલૅન્ડ હજુ સંપૂર્ણ સ્વાયત્ત નથી

ગ્રીનલૅન્ડની ભૌગોલિક સ્થિતિ અને તેની વર્તમાન રાજકીય સ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે. આશરે 57,000ની નાની વસ્તી ધરાવતા આ ટાપુને વર્ષ 2009માં સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ પણ સંપૂર્ણ રીતે સ્વાયત્ત રાષ્ટ્ર નથી. ગ્રીનલૅન્ડ આજે પણ તેના સંરક્ષણ અને વિદેશી બાબતો માટે ડેનમાર્ક પર નિર્ભર છે, એટલું જ નહીં, તેની અર્થવ્યવસ્થા પણ મોટાભાગે ડેનિશ સબસિડી એટલે કે આર્થિક મદદ પર ટકી છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલૅન્ડને અમેરિકામાં ભેળવી દેવાની જાહેરાત બાદ, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં તણાવ આવવાની પૂરી શક્યતા વર્તાઈ રહી છે.

માત્ર 57 હજારની વસતી ધરાવતા દેશ પર કબજો કરવા ટ્રમ્પ તલપાપડ! રશિયા-ચીનનું વધશે ટેન્શન 2 - image