'ભારત નહીં માને...', જે.ડી.વેન્સનો યુદ્ધ અંગેનો એ પ્લાન જેને ટ્રમ્પે તાત્કાલિક ફગાવી દીધો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Troops in Ukraine: અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સે યુક્રેન યુદ્ધમાં ભારતીય સૈનિકોને તહેનાત કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જો આવું થયું હોત તો આ યુદ્ધમાં કેટલાય ભારતીયોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હોત. વેન્સે અમેરિકાના ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ આ પ્લાનનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્લાન સાંભળતાની સાથે જ તેને તાત્કાલિક ફગાવી દીધો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત આના માટે ક્યારેય તૈયાર નહીં થાય. તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ દાવા પ્રમાણે યુક્રેનમાં ભારતીય સૈનિકોને શાંતિદૂત બનાવીને મોકલવાના જેડી વેન્સના પ્રસ્તાવને ટ્રમ્પે તાત્કાલિક ફગાવી દીધો હતો.
ઓવલ ઑફિસની સિક્રેટ મીટિંગનો ખુલાસો
ટ્રમ્પ વહીવટીતંત્રની અંદરની વાતો સામે લાવનારું પુસ્તક 'રેજીમ ચેન્જ' ગત 23 જૂનના રોજ પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં વ્હાઇટ હાઉસના ઓવલ ઑફિસમાં યોજાયેલી એક અત્યંત ગુપ્ત બેઠકનો ઉલ્લેખ છે. પ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળના શપથ ગ્રહણના માત્ર 10 દિવસ બાદ 30 જાન્યુઆરી 2025ના રોજ ઓવલ ઑફિસમાં એક હાઇ-લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઉપ પ્રમુખ જેડી વેન્સે એવો પ્રસ્તાવ આપ્યો હતો કે યુક્રેનમાં સીઝફાયરની દેખરેખ માટે ભારત અથવા સાઉદી અરેબિયાના સૈનિકોને શાંતિ સૈનિકો તરીકે તહેનાત કરવા જોઈએ.
શું બોલ્યા હતા ટ્રમ્પ?
જોકે, ટ્રમ્પે જેડી વેન્સની આ વાતને બિલકુલ મહત્ત્વ ન આપ્યું. પુસ્તકમાં કરાયેલા દાવા પ્રમાણે ટ્રમ્પે આ યોજના સાંભળીને કહ્યું હતું કે, 'ભારતીયો આવું નહીં કરે. તેઓ આના માટે ક્યારેય નહીં માને.' પુસ્તકમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, 'જ્યારે ભારતનું નામ આવ્યું ત્યારે ટ્રમ્પનું વલણ હંમેશની જેમ અત્યંત બેબાક અને સ્પષ્ટ હતું.' જોકે, ટ્રમ્પે આ બેઠકમાં એ વાતનો સ્વીકાર જરૂર કર્યો હતો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો અત્યંત શાનદાર છે.
ટ્રમ્પે આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદી મને ખૂબ પસંદ કરે છે અને તેઓ અહીં આવવા માગે છે. પરંતુ આ પછી ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ભારતીયો આવી બાબત માટે ક્યારેય નહીં માને.' ટ્રમ્પે આગળ કહ્યું કે, 'જો બ્રિટન કે ફ્રાન્સ પોતાના સૈનિકોને ત્યાં મોકલવા માગતા હોય તો મને કોઈ વાંધો નથી, પરંતુ શરત માત્ર એટલી જ છે કે તેનાથી અમેરિકા પર કોઈ પણ પ્રકારનો આર્થિક કે સૈન્ય બોજ ન પડવો જોઈએ.'
યુરોપિયન દેશોના સૈનિકો તહેનાત કરવાનો હતો સુઝાવ
વાસ્તવમાં આ સમગ્ર બેઠક ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કીથ કેલૉગે બોલાવી હતી. તેમણે 'એન અમેરિકા ફર્સ્ટ પ્લાન: ટ્રમ્પ્સ હિસ્ટોરિક પીસ ડીલ ફોર રશિયા-યુક્રેન વોર' નામથી એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. આ પ્લાન હેઠળ અમેરિકા, યુક્રેનની જમીન પર રશિયાના કબજાને સત્તાવાર માન્યતા નહીં આપે, પરંતુ યુક્રેન પણ તેને પાછી મેળવવાનો પ્રયાસ કરશે નહીં. આ યુદ્ધને રોકવા માટે ફ્રાન્સ, બ્રિટન અને નેધરલૅન્ડ જેવા યુરોપિયન દેશોના સૈનિકોને જમીન પર તહેનાત કરવાનો સુઝાવ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક
જોકે, જેડી વેન્સે આ પ્લાન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે નાટો(NATO) દેશોના સૈનિકોને યુક્રેનમાં તહેનાત કરવા એ રશિયાને સીધું ઉશ્કેરવા સમાન ગણાશે. આનાથી તણાવ એટલો વધી શકે છે કે અમેરિકા પણ સીધી રીતે આ યુદ્ધમાં ઢસેડાઈ જશે. આ જ કારણોસર વેન્સે યુરોપ બહારના દેશો જેવા કે ભારત અને સાઉદી અરેબિયાના નામનો સુઝાવ આપ્યો હતો, જેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક ફગાવી દીધો હતો.









