'ઈરાન પાસે કંઈ નહીં બચે...' ડોનાલ્ડ ટ્રમ્પે મહાયુદ્ધના સંકેત આપ્યા, દુનિયાના વધ્યા ધબકારાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Trump security meeting: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે પોતાની નેશનલ સિક્યોરિટી ટીમના ટોચના અધિકારીઓ સાથે એક અત્યંત મહત્ત્વની બેઠક યોજી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ હાઈ-લેવલ મીટિંગનો મુખ્ય હેતુ ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને લઈને આગળની વ્યૂહનીતિ નક્કી કરવાનો હતો.
ટ્રમ્પની આ બેઠક તેમના એ આકરા નિવેદનના ઠીક એક દિવસ બાદ થઈ છે, જેમાં તેમણે તેહરાનને ખુલ્લી ચેતવણી આપી હતી. રવિવારે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પે ઈરાનને ચેતવતા લખ્યું હતું કે, 'ઈરાન માટે ઘડિયાળના કાંટા ઝડપથી ભાગી રહ્યા છે. તેમણે વહેલી તકે અને ઝડપથી કદમ ઉઠાવવા પડશે, નહિતર તેમનું કંઈ જ બાકી નહીં રહે. સમય ઘણો કિંમતી છે.'
ટ્રમ્પના ગોલ્ફ ક્લબમાં જામ્યો દિગ્ગજોનો મેળાવડો
અહેવાલો અનુસાર, ટ્રમ્પના વર્જિનિયા સ્થિત ગોલ્ફ ક્લબમાં આ ગુપ્ત અને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ હાઈ-પ્રોફાઈલ મીટિંગમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, સીઆઈએ (CIA)ના ડિરેક્ટર જોન રેટક્લિફ અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. આ બેઠક એટલા માટે પણ ખાસ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પોતાના અત્યંત મહત્ત્વના પ્રવાસેથી વોશિંગ્ટન પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ આ મીટિંગ બોલાવવામાં આવી હતી. અહીં એ નોંધવું રહ્યું કે ચીન અને ઈરાન વચ્ચે ખૂબ જ નજીકના સંબંધો છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ઓઇલ બજારમાં ખળભળાટ
ઈરાન જે રીતે આખી રાજદ્વારી વાતચીતને હેન્ડલ કરી રહ્યું છે, તેનાથી હવે ડોનાલ્ડ ટ્રમ્પની ધીરજ ખૂટી રહી છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે હોર્મુઝ સ્ટ્રેટ સતત બંધ રહેવાના કારણે ઇન્ટરનેટ અને વૈશ્વિક બજારોમાં ઓઇલની કિંમતો પર જે ગંભીર અસર પડી રહી છે, તેનાથી પણ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારે ચિંતામાં છે. તેહરાનની આ ચાલ સામે હવે અમેરિકા આરપારના મૂડમાં દેખાઈ રહ્યું છે.
ચીન પ્રવાસ બાદ અમેરિકા એક્શન મોડમાં
પોતાની બેઇજિંગ યાત્રા દરમિયાન ટ્રમ્પ અને તેમની ટીમે ઈરાન મામલે કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર આગળનું કદમ ઉઠાવતા પહેલા એ જોવા માંગતું હતું કે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતનું શું પરિણામ આવે છે. હવે જ્યારે ટ્રમ્પ પરત ફરી ચૂક્યા છે, ત્યારે ઈરાન પર દબાણ વધારવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: 'મિત્ર' દેશમાં ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલાથી ભારત ભારે નારાજ, ઈરાનને આપ્યો સ્પષ્ટ મેસેજ
શું ઈરાન પર થશે મોટો સૈન્ય હુમલો?
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરના દિવસોમાં ટ્રમ્પે ઈરાનમાં મોટા પાયે સૈન્ય અભિયાન ફરીથી શરૂ કરવાના વિકલ્પ પર ખૂબ જ ગંભીરતાથી વિચારવિમર્શ કર્યો છે. જો કે, ટ્રમ્પની વ્યક્તિગત ઈચ્છા અને પ્રાથમિકતા હંમેશા આ વિવાદને કૂટનીતિક એટલે કે વાતચીતના રસ્તે જ ઉકેલવાની રહી છે, પરંતુ ઈરાન પર દબાણ લાવીને યુદ્ધનો અંત લાવવા માટે અને તેમને કોઈ સમજૂતી પર રાજી કરવા માટે અમેરિકા હવે આકરા સૈન્ય પગલાં ભરવા પર પણ મજબૂરીમાં વિચાર કરી રહ્યું છે.









