Explainer: હોલિવૂડ સહિત દુનિયાભરની ફિલ્મો પર ટ્રમ્પે ઝીંક્યો 100 ટકા ટેરિફ, આ માટે પણ ચીન જવાબદાર
Donald Trump Imposes 100 Tariff on Films: ટેરિફ પે ટેરિફ, ટેરિફ પે ટેરિફ, ટેરિફ પે ટેરિફ… અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાણે ‘ટેરિફ’ને પોતાનો જીવનમંત્ર બનાવી લીધો હોય એમ તેઓ નીતનવા ટેરિફ લાદતા જાય છે. તાજેતરમાં તેમણે હોલિવૂડની ફિલ્મો પર ટેરિફ લાદવાની જાહેરાત કરીને ફરી ખળભળાટ મચાવી દીધો છે. એય જેવો તેવો નહીં, ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની તેમની યોજના છે!
શા માટે ફિલ્મો પર ટેરિફ લગાવ્યો?
ટ્રમ્પે અમેરિકાની બહાર બનતી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. આ માટે તેમણે એવી દલીલ કરી છે કે, અમેરિકન ફિલ્મ નિર્માતાઓ વિદેશમાં ફિલ્મ બનાવે એ માટે બીજા દેશો તેમને આકર્ષક ઓફર આપે છે, જેને લીધે અમેરિકનોના હકની રોજગારી વિદેશોમાં જતી રહે છે. આમ થતાં હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામદારોને નુકસાન થાય છે અને સરવાળે અમેરિકાને પણ આર્થિક ફટકો પડે છે. તેથી ટ્રમ્પે અમેરિકન ફિલ્મો અમેરિકામાં જ બને એવા આશયે ફિલ્મો પર ટેરિફ લાદવાની યોજના બનાવી છે.
આ પણ વાંચોઃ આતંકવાદ વિરુદ્ધ લડતમાં ટ્રમ્પ સરકાર ભારતની સાથે, અમેરિકાનું ફરી મોટું નિવેદન
શું કહ્યું ટ્રમ્પે?
ટ્રુથ સોશિયલ પર મૂકેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, ‘હોલિવૂડ અને અમેરિકાના અન્ય ઘણાં ક્ષેત્રો બરબાદ થઈ રહ્યા છે. આ માટે અન્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેથી આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. આ એક જાણીજોઈને કરવામાં આવેલો દુષ્પ્રચાર છે. તેથી, વિદેશમાં બનાવવામાં આવેલી કોઈપણ ફિલ્મ અમેરિકામાં રજૂ થાય ત્યારે તેના પર 100 ટકા ટેરિફ લાગુ કરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા માટે હું વાણિજ્ય વિભાગ અને યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને તાત્કાલિક ધોરણે અધિકૃત કરું છું.’
ટ્રમ્પની પોસ્ટનો જવાબ આપતાં યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.’
કયા દેશો ફિલ્મ નિર્માણ માટે રાહત દરે સગવડ આપે છે?
અમેરિકામાં ફિલ્મ નિર્માણ કરવા કરતાં યુકે અને યુરોપના અન્ય દેશોમાં ફિલ્મ નિર્માણનો ખર્ચ ઓછો આવતો હોવાથી હોલિવૂડની ઘણી ફિલ્મો અમેરિકાની બહાર બને છે. યુરોપના દેશો ફિલ્મોના શૂટિંગથી લઈને તમામ સવલતો રાહતદરે આપતાં હોવાથી ભારતની અનેક ફિલ્મોનું નિર્માણ પણ એવા દેશોમાં થાય છે.
100 ટકા ટેરિફ કયા હિસાબે લાગશે?
ફિલ્મો પર 100 ટકા ટેરિફ કયા હિસાબે લાગશે, એની સ્પષ્ટતા ટ્રમ્પે કરી નથી. 100 ટકા એટલે ફિલ્મના કુલ બજેટ જેટલો ટેરિફ હશે કે બોક્સ ઑફિસ પરના કલેક્શન જેટલો ટેરિફ આપવો પડશે? કે પછી કોઈ ત્રીજી જ રીતે ગણતરી કરવામાં આવશે, એ જણાવાયું નથી.
ભારત સહિત દુનિયાભરના દેશની ફિલ્મો પર ટેરિફ
ટ્રમ્પે જે લખ્યું એનો અર્થ એ થયો કે આ ટેરિફ વિદેશમાં બનતી અમેરિકન ફિલ્મો પર તો લાગશે જ, સાથોસાથ વિદેશમાં બનેલી અન્ય દેશોની ફિલ્મોને પણ લાગુ પડશે. એટલે કે ભારતમાં બનેલી હિન્દી કે અન્ય કોઈપણ ભારતીય ભાષાની ફિલ્મ અમેરિકામાં રજૂ થશે ત્યારે તેના પર ટ્રમ્પનો આ સો-કરોડી ટેરિફ કોરડો વીંઝાશે!
ટ્રમ્પના નિર્ણય પાછળ જવાબદાર છે ચીન!
ફિલ્મોને ટેરિફ-સપાટામાં લેવાનું ટ્રમ્પને સૂઝ્યું એની પાછળ ચીન જવાબદાર છે. તાજેતરમાં ચીને પોતાના દેશમાં રજૂ થતી અમેરિકન ફિલ્મોની સંખ્યા ઘટાડી દીધી છે. હવેથી અમુક નિશ્ચિત માત્રામાં જ અમેરિકન ફિલ્મો ચીનમાં પ્રદર્શિત થઈ શકશે. ચીનનો આ નિર્ણય અમેરિકાએ છેડેલા ટેરિફ યુદ્ધને પગલે લેવાયો છે. અમેરિકા પછી ચીન વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ફિલ્મ બજાર છે તેથી તેના આ પગલાથી હોલિવૂડના મોટા ફિલ્મ નિર્માણ સ્ટુડિયોને આર્થિક ફટકો પડશે જ. તેથી એમ કહી શકાય કે, ચીનની આડોડાઈના જવાબમાં જ ટ્રમ્પ પણ આડા ફાટ્યા છે.
હોલિવૂડને પણ મંદી નડી રહી છે
હોલિવૂડના ફિલ્મ પ્રોડક્શન સ્ટુડિયો હજુ કોવિડ-કાળની મારમાંથી પૂરેપૂરા બેઠા નથી થયા. ટ્રમ્પની ટેરિફ નીતિઓએ સર્જેલી આર્થિક રોકાણની અશક્યતાઓ, લોસ એન્જલસની ભયાનક આગમાં થયેલું અબજોનું નુકસાન, હોલિવૂડના કર્મચારી સંગઠનોની રોજગારી મુદ્દે કરાયેલી હડતાલ જેવા કારણોસર અમેરિકામાં તાજેતરના વર્ષોમાં ફિલ્મનિર્માણમાં કમી આવી છે. વૈશ્વિક સ્તરે ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે, તો અમેરિકામાં એનું પ્રમાણ 40 ટકા જેટલું છે! એવામાં ટ્રમ્પનો ફિલ્મો પર ટેરિફ ઝીંકવાનો નિર્ણય હોલિવૂડને ફળશે કે નડશે, એ તો સમય આવ્યે જ ખબર પડશે.
ફિલ્મો પર ટેરિફનો નિર્ણય પ્રેક્ટિકલ ખરો?
અમેરિકાને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે તમામ પ્રકારના આકરા પગલાં લઈ રહેલા ટ્રમ્પના આ લેટેસ્ટ પગલાંથી અમેરિકાને ફાયદો જ થશે, એમ કહી ન શકાય, કેમ કે જો ફિલ્મના પૂરા બજેટ જેટલો 100 ટકા ટેરિફ લેવાશે તો વિદેશમાં બનતી તમામ ફિલ્મોના નિર્માતાઓને અમેરિકામાં ફિલ્મ રિલીઝ કરવાનું પરવડશે જ નહીં, કેમ કે કઈ ફિલ્મ બોક્સ ઑફિસ પર કેટલું કમાશે, એ નક્કી નથી હોતું. મોટા બજેટની, મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મોના નિર્માતાઓ હજુ એકવાર 100 ટકા ટેરિફ ચૂકવી શકશે, પણ નાની, ઓછા બજેટની ફિલ્મોનું શું? એવી ફિલ્મો તો પછી અમેરિકન નાગરિકો સુધી પહોંચી જ નહીં શકે. અને એમ થયું તો પૂરતી ફિલ્મોના અભાવે અમેરિકાના થિયેટરોના ધંધા પર પ્રતિકૂળ અસર પડશે. જે સરવાળે અમેરિકાની આવકમાં ઘટાડો જ કરશે. તેથી ટ્રમ્પનો આ નિર્ણય પ્રેક્ટિકલ લાગતો નથી.