કાયદામાં રહેજો નહીંતર ગ્રીન કાર્ડ રદ કરીશું, અમેરિકાની વધુ એક ચેતવણીથી હજારો ભારતીયો ચિંતામાં
US Green Card Holders: અમેરિકામાં હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત વિશ્વભરના ગ્રીન કાર્ડ ધારકોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. ટ્રમ્પ સરકારે તેમને ચેતવણી આપી છે કે, જો તેઓ કાયદામાં નહીં રહે તો તેમની પરમેનન્ટ રેસિડેન્સી ગુમાવશે. યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝે (USCIS) આ અંગે માહિતી આપી હતી.
કાયદો તોડશો તો કાઢી મુકીશુંઃ ટ્રમ્પ સરકાર
USCISએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, જો કોઈ વિદેશી નાગરિક કાયદાનો ભંગ કરે છે, તો તેમના ગ્રીન કાર્ડ અને વિઝા રદ કરવામાં આવશે. આ આદેશ ટ્રમ્પ સરકારના 'કેચ એન્ડ રિવોક પોલિસી' હેઠળ આપવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડર પર મોટાપાયે કાર્યવાહીની જોગવાઈ છે. અમેરિકાના વિઝા અથવા ગ્રીન કાર્ડ મેળવવું એ એક વિશેષાધિકાર છે. આ વિશેષાધિકાર સાથે અમારા કાયદા અને મૂલ્યોનું પણ સન્માન થવુ જોઈએ. જો તમે હિંસાને સમર્થન આપો છો, આતંકવાદી ગતિવિધિને સમર્થન આપો છો, અથવા બીજાને આમ કરવા પ્રોત્સાહિત કરો છો, તો તમે અમેરિકામાં રહેવા માટે લાયક નથી.
ગ્રીન કાર્ડ હોલ્ડર્સની ગતિવિધિઓ પર નજર
વધુમાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન ઓથોરિટી વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સના ડોક્યુમેન્ટ્સ જાહેર થયા બાદ તેની સમીક્ષા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે મળી કામ કરી રહ્યું છે. આ સતર્કતા અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવા જરૂરી છે. કાયદો તોડવા પર તમારૂ ગ્રીન કાર્ડ અને વિઝા રદ થશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ નીતિને સમર્થન આપ્યું છે.
We continuously work alongside our @DHSgov partners to rigorously vet all aliens even after a visa or green card has been obtained. This vigilance is essential to making America safe again. Break the laws and you will lose your green card or visa privilege. pic.twitter.com/VM0gjhsFXQ
— USCIS (@USCIS) May 2, 2025
અમેરિકાની ઉદારતાનો યુગ સમાપ્તઃ રૂબિયો
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ નીતિને સમર્થન આપતાં કહ્યું કે, હવે અમેરિકાની ઉદારતાનો દુરૂપયોગ કરવાનો યુગ સમાપ્ત થયો છે. નોંધનીય છે કે, અમેરિકાના આ પગલાંથી કાયદેસર રહેતાં વિદેશીઓની ચિંતા વધી છે. ખાસ કરીને ભારતીય નાગરિકોની. વર્ષો સુધી રાહ જોયા બાદ પરમિનન્ટ રેસિડન્સનું સ્ટેટ્સ મેળવનારા લોકોમાં ભય વ્યાપી રહ્યો છે કે, નજીવા કાયદાકીય મુદ્દાઓ પર તેમનું આ સ્ટેટ્સ છીનવાઈ શકે છે.
શું છે ગ્રીન કાર્ડ?
અમેરિકામાં ગ્રીન કાર્ડ એક સરકારી ઓળખપત્ર છે. જે સત્તાવાર ધોરણે કાયમી વસવાટ માટે આપવામાં આવે છે. અન્ય દેશના નાગરિકોને અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ તેમની અમેરિકાની સિટિઝનશીપનો માર્ગ મોકળો બનાવે છે.