Get The App

આતંકવાદ વિરુદ્ધ લડતમાં ટ્રમ્પ સરકાર ભારતની સાથે, અમેરિકાનું ફરી મોટું નિવેદન

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
Trump Administration on Terrorism


Trump Administration on Terrorism: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતને વૈશ્વિક મંચ પર આતંકવાદ સામે સંયુક્ત સમર્થન મળી રહ્યું છે. એવામાં હવે અમેરિકાએ પણ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી છે. યુએસ સંસદ(હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ)ના સ્પીકર માઇક જોહ્ન્સને સ્પષ્ટ કર્યું કે અમેરિકા, ભારત સાથે મળીને, આતંકવાદને નાબૂદ કરવા માટે દરેક શક્ય પગલાં લેશે. 

ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને સંસાધનોની તમામ શક્ય મદદ પૂરી પાડશે

યુએસ સંસદના સ્પીકર માઇક જોહ્ન્સને કાશ્મીરના પહલગામ હુમલાની નિંદા કરતાં જાહેરાત કરી કે, 'અમેરિકા શક્ય તેટલું બધું કરશે. મને લાગે છે કે આ રીતે સંબંધો વધુ મજબૂત બને છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેના મહત્ત્વને સ્પષ્ટપણે સમજે છે અને આતંકવાદના ખતરાને પણ સમજે છે.'

અમારી સહાનુભૂતિ ભારતની સાથે છે: અમેરિકા 

આ મામલે જોહ્ન્સને વધુમાં કહ્યું, 'ભારતમાં જે કંઈ બન્યું છે તેના પ્રત્યે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. અમે અમારા સાથીઓ સાથે ઊભા રહેવા માંગીએ છીએ. મને લાગે છે કે ભારત ઘણી રીતે આપણો મહત્ત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. બંને દેશો વચ્ચે વેપાર અંગેની વાટાઘાટો ટૂંક સમયમાં સફળ થશે. જો ખતરો વધશે, તો ટ્રમ્પ વહીવટીતંત્ર સંસાધનોની મદદથી તમામ શક્ય મદદ પૂરી પાડશે.' એવામાં હવે માઈક જોહ્ન્સનનું આ નિવેદન ભારત માટે ગ્રીન સિગ્નલ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાનની ચિંતા વધી છે. 

ભારતે પાકિસ્તાન સામે કરી કડક કાર્યવાહી 

22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પહલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ(CCS)એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ભારતે પાણી રોકતા પાકિસ્તાનમાં ખરીફ પાકમાં ભારે નુકસાનનો દાવો, ચિનાબનું જળસ્તર માત્ર બે ફૂટ થયું

કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે.

આ ઉપરાંત, ભારત સરકારે ભારતમાં પાકિસ્તાન સંબંધિત ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો. ઉપરાંત, પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર 23 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

આતંકવાદ વિરુદ્ધ લડતમાં ટ્રમ્પ સરકાર ભારતની સાથે, અમેરિકાનું ફરી મોટું નિવેદન 2 - image
Tags :