Get The App

શાંતિ ઈચ્છો છો કે યુદ્ધ ? નિર્ણય તમારે કરવાનો છે : ઈરાનનો અમેરિકાને સખ્ત જવાબ

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
શાંતિ ઈચ્છો છો કે યુદ્ધ ? નિર્ણય તમારે કરવાનો છે : ઈરાનનો અમેરિકાને સખ્ત જવાબ 1 - image

ઈરાનના ઉપ-વિદેશમંત્રી કાજેમ ગરીબાબાદીએ તહેરાનમાં વિદેશના રાજકીય નેતાઓ સમક્ષ યુદ્ધ અંગે ઈરાનનું વલણ સ્પષ્ટ રીતે દર્શાવ્યું

તહેરાન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હોવાનો સંકેત મળતાં ઈરાને કહ્યું છે કે હવે પછીનું પગલું સંપૂર્ણ રીતે અમેરિકા ઉપર નિર્ભય કરે છે.

અહીં યોજાયેલી વિદેશી રાજકીય અગ્રણીઓની બેઠકમાં સંબોધન કરતાં ઈરાનના ઉપ-વિદેશમંત્રી કાજેમ ગરીબાબાદીએ વાતચીતમાં કહ્યું કે, (યુદ્ધ અંગે) રાજદ્વારી માર્ગ અપનાવવો છે કે, પછી ટકરાવભર્યું વલણ ચાલુ રાખવું છે, તે નિર્ણય તો હવે અમેરિકાએ કરવાનો છે, અમે તો બંને વિકલ્પો માટે તૈયાર છીએ.

વાસ્તવમાં શનિવારે એરફોર્સ - વનમાં જતાં પહેલાં ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે તેઓ ઈરાનના પ્રસ્તાવની સમીક્ષા કરવાના છે, પરંતુ તે (પ્રસ્તાવ) સફળ રહેવાની સંભાવના અંગે તેમણે સંદેહ દર્શાવ્યો હતો અને કહ્યું કે, 'ઈરાને હજી પૂરતી કિંમત ચૂકવી નથી.'

તેઓએ વધુમાં કહ્યું કે તે અંગે હું આપ સર્વેને પછીથી જણાવીશ.

તે પછી થોડા સમયે સોશ્યલ મીડીયા પર કરેલા પોસ્ટમાં લખ્યું કે, તે પ્રસ્તાવ સ્વીકારવાની હું કલ્પના પણ કરી નથી શકતો કારણ કે ઈરાને છેલ્લાં ૪૭ વર્ષોમાં માનવતા અને દુનિયાની સાથે જે કંઈ કર્યું તે માટે તેણે હજી સુધી સજા ભોગવી નથી.

ઈરાનની બે અર્ધ સરકારી સમાચાર એજન્સીઓ 'તસનીમ' અને 'ફાર્સે' જણાવ્યું છે કે તહેરાને પાકિસ્તાન દ્વારા ૧૪ સૂત્રીય નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે.

આ ઘટના તેવા સમયે બની હતી કે, જ્યારે ઈઝરાયલ-અમેરિકા વિરૂદ્ધ ઈરાનનાં યુદ્ધમાં ફેબુ્રઆરીનાં અંતમાં થયેલો યુદ્ધ વિરામ ૮મી એપ્રિલથી લાગુ છે. વોશિંગ્ટને સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન પરમાણુ શસ્ત્ર ન બનાવે તેવી સમજૂતી ન થાય ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત નહીં કરાય. બીજી તરફ ઈરાન સતત કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ છે.