World

E20 પેટ્રોલની ઓફરને લઈને ભારત-ભુતાન વચ્ચે વિવાદ ચગ્યો, ફેક્ટ ચેક બાદ ભુતાની પત્રકાર મક્કમ

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
E20 પેટ્રોલને લઈને ભારત-ભુતાન વચ્ચે વિવાદ થયો છે. ભારતે ભુતાનને E20 પેટ્રોલ ઓફર કર્યાની વાત નકારી, પરંતુ ભુતાનના વરિષ્ઠ પત્રકારે ભારતીય ઓઇલ કંપનીઓના પ્રસ્તાવના લેખિત પુરાવા રજૂ કર્યા. ભુતાને ભેજવાળા વાતાવરણ અને સ્ટોરેજ ટેન્કની મર્યાદાઓને કારણે E20 પેટ્રોલ લેવાનો ઇનકાર કર્યો છે. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

E20 પેટ્રોલની ઓફરને લઈને ભારત-ભુતાન વચ્ચે વિવાદ ચગ્યો, ફેક્ટ ચેક બાદ ભુતાની પત્રકાર મક્કમ

E20 Petrol Dispute: ભારતમાં ચાલી રહેલા ઇથેનોલ બ્લેન્ડેડ (E20) પેટ્રોલના વિવાદની ગૂંજ હવે પાડોશી દેશ ભુતાન સુધી પહોંચી ગઈ છે. ભારત અને ભુતાન વચ્ચે E20 પેટ્રોલની સપ્લાયને લઈને એક મોટો રાજદ્વારી અને મીડિયા વિવાદ ઊભો થયો છે. ભારત સરકારે ભુતાનને E20 પેટ્રોલની ઓફર કરી હોવાની વાતને સત્તાવાર રીતે નકારી કાઢી હોવા છતાં, ભુતાનના વરિષ્ઠ પત્રકારે દાવો કર્યો છે કે તેમની પાસે ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હોવાના લેખિત પુરાવા છે.

ભારત સરકારનું ફેક્ટ ચેક

આ વિવાદની શરૂઆત ભુતાની મીડિયાના અહેવાલોથી થઈ હતી. જેના જવાબમાં ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સત્તાવાર ફેક્ટ ચેક જારી કરીને તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા ભુતાનને આવો કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી અને ભુતાનમાં E20 પેટ્રોલની નિકાસ કરવાનો કોઈ પ્લાન હાલ ચર્ચામાં પણ નથી. મંત્રાલયે મીડિયા અને સામાન્ય જનતાને માત્ર સત્તાવાર નિવેદનો પર જ ભરોસો રાખવા અપીલ કરી હતી.

ભુતાની પત્રકાર પોતાના દાવા પર અડગ, સરકારી દસ્તાવેજ કર્યા જાહેર

ભારત સરકારના આ ખંડન પછી પણ ભુતાનના અગ્રણી અખબાર 'દ ભુતાનીઝ'ના એડિટર તેનઝિંગ લામસાંગ પોતાના અહેવાલ પર અડગ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભુતાન સરકારના 'ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેડ'નો એક સત્તાવાર અને લેખિત દસ્તાવેજ શેર કર્યો છે. આ દસ્તાવેજ અનુસાર, ભારતીય ઓઇલ કંપનીઓ સાથેની બેઠકો દરમિયાન ભુતાને E20 પેટ્રોલ લેવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર સામાન્ય (Regular) પેટ્રોલની સપ્લાય ચાલુ રાખવા વિનંતી કરી હતી.

ભુતાને શા માટે E20 પેટ્રોલ લેવાની ના પાડી?

ભુતાન સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો સ્વીકાર ન કરવા પાછળ ટેકનિકલ અને ભૌગોલિક કારણો આપ્યા છે.
ભેજવાળું વાતાવરણ: ઇથેનોલ હવામાંથી ભેજ અને પાણીના કણોને ખૂબ ઝડપથી આકર્ષે છે. ભુતાન એક પહાડી અને અત્યંત ભેજવાળો દેશ હોવાથી, ઇથેનોલના કારણે પેટ્રોલમાં પાણી ભળી જવાનો ભય છે, જે ગાડીઓના એન્જિનને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે.
સ્ટોરેજની સમસ્યા: ભુતાનના પેટ્રોલ પંપો પર આવેલા અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક ઇથેનોલ યુક્ત ઇંધણ રાખવા માટે સક્ષમ નથી, ત્યાં પાણીના લીકેજ થવાનું જોખમ ઘણું વધારે છે.

ભારતમાં પણ ઇથેનોલ મિક્સ પેટ્રોલ અંગે ચર્ચા

આ અગાઉ ભારતમાં પણ ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે E20 પેટ્રોલના કારણે વાહનોની માઇલેજ ઘટી રહી છે અને એન્જિનના પાર્ટ્સ ખરાબ થવાનું જોખમ રહે છે. જો કે, ભારત સરકારનું માનવું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગથી ક્રૂડ ઓઇલની આયાત પર ભારતની નિર્ભરતા ઘટશે અને તે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. હાલ આ આંતરરાષ્ટ્રીય વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.