World

બ્રેઈન કેન્સર સામે કીમોથેરપીથી પાંચ ગણી અસરકારક પધ્ધતિની શોધ

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં MITના વૈજ્ઞાનિકોએ કેન્સર સામે લડવા ઇન્જેક્ટેબલ નેનો-એન્ટેના વિકસાવ્યા છે. આ સૂક્ષ્મ નેનો-એન્ટેના મેગ્નેટિક ફીલ્ડથી સક્રિય થઈ કેન્સરના કોષો પર સીધો પ્રહાર કરે છે. ખાસ કરીને ગ્લિયોબ્લાસ્ટોમા જેવા આક્રમક કેન્સર સામે આ ટેક્નોલોજી 5 ગણી વધુ અસરકારક સાબિત થઈ છે. આ સંશોધન 'સાયન્સ એડવાન્સીસ' જર્નલમાં પ્રકાશિત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રેઈન કેન્સર સામે  કીમોથેરપીથી પાંચ ગણી અસરકારક પધ્ધતિની શોધ
  • એમઆઈટીના વૈજ્ઞાનિકોને સફળતા મળી
  • કેન્સરના કોષો સામે લડતા ઈન્જેક્ટેબલ નેનો એન્ટેના તૈયાર કર્યા : મેગ્નેટિક ફીલ્ડથી સક્રિય થઈને પ્રહાર કરે છે

વોશિંગ્ટન : મેડિકલ સાયન્સમાં મગજના સૌથી આક્રમક અને દવાઓ સામે પ્રતિકાર દર્શાવતા કિલર કેન્સર 'ગ્લિયોબ્લાસ્ટોમા' (Glioblastoma) સામે અમેરિકાની મેસાચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી લેબના વૈજ્ઞાાનિકોએ એક અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સંશોધકોએ વાળની જાડાઈના ૧૦૦મા ભાગ જેટલા સૂક્ષ્મ ઈન્જેક્ટેબલ 'નેનો-એન્ટેના' તૈયાર કર્યા છે. જે શરીરની બહારથી મેગ્નેટિક ફીલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) દ્વારા સક્રિય થઈને કેન્સરના કોષો પર સીધો પ્રહાર કરે છે. આ સંશોધન અહેવાલ વિજ્ઞાાન જગતની પ્રખ્યાત જર્નલ સાયન્સ એડવાન્સીસમાં પ્રકાશિત થયો છે. સંશોધન ટીમે આ નવીન વિજ્ઞાનને HITMAN (Highly-localized electric-field-induced tumor therapy using magnetically actuated nanoantennas) નામ આપ્યું છે. સામાન્ય રીતે ગ્લિયોબ્લાસ્ટોમા કેન્સરમાં સર્જરી, રેડિયેશન કે કીમોથેરાપી પછી પણ દર્દીનું આયુષ્ય સરેરાશ ૧૨ થી ૧૫ મહિના જ રહેતું હોય છે. મેયો ક્લિનિકના દર્દીઓના ડ્રગ-રેઝિસ્ટન્ટ કેન્સર ટીશ્યુ પર કરાયેલા પ્રયોગોમાં આ ટેકનોલોજીએ ૫૨.૨ ટકા કેન્સર કોષોનો સફાયો કર્યો હતો.
આ પરિણામ પરંપરાગત કીમોથેરાપી દવાની સરખામણીએ ૫ ગણાથી પણ વધુ અસરકારક સાબિત થયું છે.૧૫૦ નેનોમીટરની સાઈઝ ધરાવતા આ નેનો-એન્ટેના મગજમાં પહોંચાડયા બાદ ખોપરીની બહારથી ૨૦૦ કિલોહર્ટઝથી ઓછી ક્ષમતાવાળા લો-ફ્રિકવન્સી મેગ્નેટિક ફીલ્ડ દ્વારા એક્ટિવેટ કરવામાં આવે છે. ચુંબકીય લહેરો નેનો-એન્ટેના સાથે અથડાઈને બાયો-ઈલેક્ટ્રિક કરંટ પેદા કરે છે. કેન્સરના કોષોના ઝડપી વિકાસ અને અસામાન્ય મેમ્બ્રેન સ્ટ્રક્ચરને કારણે આ ઈલેક્ટ્રિક તરંગો માત્ર કેન્સર સેલ્સને પ્રોટીન અનફોલ્ડિંગ અને મેમ્બ્રેન ડેમેજ દ્વારા નાશ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આસપાસના સ્વસ્થ ન્યુરોન્સ અને બ્રેઈન ટિશ્યુને કોઈ જ નુકસાન થતું નથી.

નેનો-ડિવાઈઝને મગજ સુધી ઈન્જેક્ટ કરી શકાશે
આ ટેકનોલોજી મગજમાં ઈન્જેક્ટ કરી શકાય છે. લેબ દ્વારા વિકસાવવામાં આવેલી 'સર્ક્યુલેટ્રોનિક્સ' ટેકનોલોજીની મદદથી ભવિષ્યમાં આ નેનો-ડિવાઈસને માત્ર હાથમાં સામાન્ય ઈન્જેક્શન આપીને રક્તપ્રવાહ દ્વારા બ્લડ-બ્રેઈન બેરિયર ઓળંગીને મગજ સુધી પહોંચાડી શકાશે. પ્રાણીઓ (ઉંદર) પર કરાયેલા ટ્રાયલમાં આ થેરાપીથી ટયુમરના નવા કોલોની બનવાના કિસ્સાઓ ૧૫૦થી ઘટીને માત્ર ૨૬ થઈ ગયા હતા અને મુખ્ય અંગો હૃદય, લીવર, કિડની પર કોઈ ઝેરી અસર જોવા મળી નહોતી.