આ દેશમાં ડીઝલ એક ઝાટકે 40% મોંઘું! જનતા રસ્તા પર ઉતરી, ટાયરો બાળી હાઈવે જામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Syria Petrol Diesel Price Hike Protests: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની અસર હવે વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશો પર જોવા મળી રહી છે. સીરિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો થતાં જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે, રસ્તાઓ પર ટાયરો સળગાવ્યા છે, અને રાજધાની દમાસ્કસને ઔદ્યોગિક શહેર અલેપ્પો સાથે જોડતા મુખ્ય હાઈવે સહિતના રસ્તાઓ બ્લોક કરી દીધા છે.
એક ઝાટકે ડીઝલના ભાવમાં 40% નો વધારો
સીરિયા સરકારે શનિવારે ડીઝલની કિંમતમાં 40% નો વધારો કરીને 175 સીરિયાઈ પાઉન્ડ પ્રતિ લીટર કરી દીધી છે. આ કિંમત આશરે 1.32 ડોલર એટલે કે, ભારતીય ચલણ મુજબ આશરે ₹ 127 પ્રતિ લીટર થાય છે. દેશની લગભગ 90% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે, ત્યારે આટલો મોટો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ગેસ પણ મોંઘા થયા
સરકારે ડીઝલ સિવાય અન્ય ઇંધણના ભાવમાં પણ ધરખમ વધારો કર્યો છે.
ઘરગથ્થુ અને ઔદ્યોગિક ગેસ: ભાવમાં 9% નો વધારો.
95 ઓક્ટેન પેટ્રોલ: 28% ના વધારા સાથે 195 પાઉન્ડ પ્રતિ લીટર.
90 ઓક્ટેન પેટ્રોલ: 26% ના વધારા સાથે 185 પાઉન્ડ પ્રતિ લીટર.
વિશ્વના અનેક દેશોમાં ઇંધણના ભાવ આસમાને, ભારતમાં રાહત
રશિયા-યુક્રેન અને અન્ય વૈશ્વિક પરિસ્થિતિઓ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલના દરમાં અત્યાર સુધી માત્ર 8% જેટલો જ વધારો થયો છે. જ્યારે નાઈજીરિયામાં ડીઝલ 92.3 %, યુએઈ (UAE) માં 70.6%, મ્યાનમારમાં 71.9% અને ઈન્ડોનેશિયામાં 87% જેટલું ડીઝલ મોંઘુ થયું છે.
રશિયાથી તેલ સપ્લાય ઘટી અને રિફાઇનરી બંધ
સીરિયાના ઊર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશ આયાત પર ખૂબ નિર્ભર છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદી મોંઘી થવાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સીરિયા દરરોજ રશિયા પાસેથી 60,000 બેરલ ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું, પરંતુ યુક્રેનના હુમલા બાદ રશિયાએ નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. ઉપરાંત, સીરિયાની સૌથી મોટી 'બનિયાસ રિફાઇનરી' છેલ્લા ત્રણ મહિનાથી સમારકામ (મેઇન્ટેનન્સ) માટે બંધ હોવાથી ઇંધણની તંગી વધુ ગંભીર બની છે.
ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ સીરિયામાં 95 ઓક્ટેન પેટ્રોલ 86 % અને ડીઝલ બમણાથી પણ વધુ મોંઘુ થઈ ચૂક્યું છે.




