ધૂમ 2 ફિલ્મની સ્ટાઈલમાં મોટી ચોરી, 4 ચોર 10 કરોડ ડૉલરના શાહી આભૂષણ સાથે રફુચક્કર, AI VIDEO વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Paris Theft news : ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા વિશ્વના સૌથી પ્રસિદ્ધ લૂવ્ર મ્યુઝિયમમાં રવિવારે એક મોટી ચોરીની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. અત્યંત સુરક્ષિત ગણાતા આ મ્યુઝિયમમાંથી ચોરોનું એક જૂથ માત્ર સાત મિનિટમાં 10 કરોડ ડોલર (આશરે 880 કરોડ રૂપિયા)થી વધુની કિંમતના શાહી આભૂષણોની ચોરી કરીને ફરાર થઈ ગયું હતું. આ ચોરીની પદ્ધતિ એટલી ફિલ્મી હતી કે સોશિયલ મીડિયા પર લોકો તેની સરખામણી બોલિવૂડની ફિલ્મ 'ધૂમ-2' સાથે કરી રહ્યા છે.
આવી રીતે આપ્યો ચોરીને અંજામ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોરોએ આ સમગ્ર ઓપરેશનને અંજામ આપવા માટે મ્યુઝિયમની અંદર ચાર મિનિટથી પણ ઓછો સમય વિતાવ્યો હતો. ચોરો સીન નદી તરફ આવેલી એક માલવાહક લિફ્ટનો ઉપયોગ કરીને ઉપર પહોંચ્યા, બારી તોડી અને મ્યુઝિયમમાં પ્રવેશ્યા. અંદર જઈને તેમણે બે બોક્સ તોડ્યા અને સંગ્રહાલયના કેટલાક અમૂલ્ય ખજાના ચોરી લીધા. આ દરમિયાન એલાર્મ વાગવાનું શરૂ થઈ ગયું હતું, અને સુરક્ષા એજન્ટો ગેલેરીમાં પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં ચોર ફરાર થઈ ચૂક્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે ચાર લોકોને સ્કૂટર પર ભાગતા જોયા હતા. નવાઈની વાત એ છે કે આ ઘટના પેરિસ પોલીસ હેડક્વાર્ટરથી માત્ર 800 મીટરના અંતરે જ બની હતી.
સોશિયલ મીડિયા પર 'ધૂમ-4'ની ચર્ચા
આ હાઈ-પ્રોફાઈલ ચોરી બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને 'ધૂમ-2' માં હૃતિક રોશન દ્વારા કરવામાં આવેલી ચોરી સાથે સરખાવી. એક યુઝરે લખ્યું, "ધૂમ-4 માટે સારી વાર્તા મળી ગઈ." અન્ય એક યુઝરે લખ્યું, "ધૂમ-2' ના અસલી ચાહકો જાણે છે કે લૂવ્રમાં ખરેખર શું થયું હતું." આ ઘટનાનો એક AI-જનરેટેડ વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં ચોરીને ફિલ્મી અંદાજમાં દર્શાવવામાં આવી છે. ચોરીની ઘટના બાદ મ્યુઝિયમને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને ફરીથી ખોલી દેવામાં આવ્યું છે. પેરિસ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી ચોરો કે ચોરાયેલા દાગીના અંગે કોઈ ભાળ મળી નથી.









