World

કોલંબિયામાં તબાહી, 24 કલાકમાં 30 આફટરશૉક, 60 લાખથી વધુ લોકોએ ભૂકંપ અનુભવ્યો

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
કોલંબિયાના પશ્ચિમ ભાગમાં 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 7:34 વાગ્યે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ચોકો વિભાગના સેન જોસ ડેલ પાલમાર પાસે 100-110 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપથી 240થી વધુ લોકોના મોત થયા. 60 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા, જેમાં કેલી, પેરિરા જેવા શહેરોમાં ઇમારતો ધ્રુજી ઉઠી. સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલંબિયામાં તબાહી, 24 કલાકમાં 30 આફટરશૉક, 60 લાખથી વધુ લોકોએ ભૂકંપ અનુભવ્યો

Colombia Earthquake: દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના પશ્ચિમ ભાગમાં 10 ઓગસ્ટ 2026ની સવારે આશરે 7:34 વાગ્યે 7.4ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ચોકો વિભાગના સેન જોસ ડેલ પાલમાર પાસે જમીનથી 100થી 110 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપનું કેન્દ્ર વધુ ઊંડાઈએ હોવા છતાં આંચકા એટલા તીવ્ર હતા કે કેલી, પેરિરા, મનિઝાલેસ, આર્મેનિયા અને ક્વિબદો જેવા શહેરોમાં બે મિનિટ સુધી ઈમારતો હલતી રહી હતી. આ ભયાનક હોનારતમાં અત્યાર સુધીમાં 240થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે.

21મી સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ, 60 લાખથી વધુ લોકો પ્રભાવિત

કોલંબિયાના જીઓલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ 21મી સદીમાં દેશમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ છે. યુએસજીએસ (USGS)ના અંદાજ મુજબ, 60 લાખથી વધુ લોકોએ 7થી 8ની તીવ્રતાના આંચકા અનુભવ્યા છે. પહાડી વિસ્તાર, જમીનની સંરચના અને જૂની ઈમારતોને કારણે નુકસાનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. અગાઉ વર્ષ 1999માં કોફી ક્ષેત્રમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં હજારથી વધુ લોકોના મોત થયા હતા અને આ વખતે પણ એ જ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થતાં જૂની યાદો તાજી થઈ ગઈ છે.

30થી વધુ આફ્ટરશૉક્સ, રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી

ભૂકંપ બાદ 30થી વધુ આફ્ટરશૉક્સ (હળવા આંચકા) નોંધાયા છે, જેમાં સૌથી મોટો આંચકો 5.0ની તીવ્રતાનો હતો. મુખ્ય આંચકાના એક દિવસ પછી પણ ઘણી નબળી પડેલી ઈમારતો ધડાકાભેર જમીનદોસ્ત થઈ રહી છે. બચાવ ટુકડીઓ અને સ્થાનિક સ્વયંસેવકો રાત-દિવસ કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, સતત આવી રહેલા આફ્ટરશૉક્સ, તૂટેલા રસ્તાઓ અને ટેલિકોમ નેટવર્ક ઠપ થઈ જવાના કારણે ચોકો જેવા દૂરના અને ગરીબ વિસ્તારો સુધી રાહત સામગ્રી તેમજ ભારે મશીનરી પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

સરકારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલંબિયા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. દેશના નવા રાષ્ટ્રપતિએ પોતે બચાવ કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું છે અને તમામ સરકારી સંસાધનો લોકોને મદદ કરવા માટે લગાવી દીધા છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ મદદના પ્રસ્તાવ આવી રહ્યા છે.

જનજીવન અસ્તવ્યસ્ત: હજારો લોકો બેઘર, હોસ્પિટલો અને તબીબી સેવાઓ પર દબાણ

આ ભૂકંપે કોલંબિયાના આર્થિક અને સામાજિક માળખાને મોટો ફટકો માર્યો છે. દેશના મુખ્ય કોફી ઉત્પાદક ક્ષેત્રોમાં ખેતરો અને સ્ટોરેજ સુવિધાઓ નષ્ટ થઈ ગઈ છે. હજારો લોકો બેઘર બની ગયા છે અને અસ્થાયી કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. ઈમારતોને નુકસાન પહોંચતા હોસ્પિટલોમાંથી પણ દર્દીઓને બહાર ખસેડવા પડ્યા હતા. હાલ ઘાયલોની સંખ્યા વધી રહી હોવાથી તબીબી સેવાઓ, ખોરાક અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઊભી કરવી એ પ્રશાસન માટે મોટો પડકાર બની ગયો છે.