63,000 એકરની પ્રોપર્ટી અને 20થી વધુ બેડરૂમ, છતાં દુબઈના શેખને રહેવા માટે જગ્યા નાની પડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sheikh Mohammed bin Rashid Al Maktoum : દુનિયાના સૌથી અમીર અને શક્તિશાળી દેશોમાં સામેલ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ તેમના આલીશાન રિયલ એસ્ટેટ સામ્રાજ્ય માટે આખી દુનિયામાં જાણીતા છે. પરંતુ આ દિવસોમાં સ્કોટલેન્ડના ખુબસૂરત સ્કોટિશ હાઈલેન્ડ્સમાં આવેલી તેમની એક શાહી મિલકત ભારે ચર્ચામાં છે. શેખ પાસે અહીં 63,000 એકરનું અત્યંત વિશાળ એસ્ટેટ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી અતિવિશાળ જગ્યા હોવા છતાં તેમના શાહી લશ્કર માટે આ સ્થળ નાનું પડી રહ્યું છે! હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્યાં 58 થી વધુ બેડરૂમ અને 10 વૈભવી બંગલાઓનું નવું સામ્રાજ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ભારેખમ શાહી લશ્કરના કારણે 20 વર્ષમાં માત્ર 5 વખત જ આવ્યા
આશરે 1.6 લાખ કરોડ રૂપિયા ($19.7 બિલિયન) થી વધુની અઢળક સંપત્તિના માલિક શેખ મોહમ્મદે બે દાયકા પહેલાં કરોડો રૂપિયા ખર્ચીને સ્કોટલેન્ડમાં આ પ્રોપર્ટી ખરીદી હતી. શેખ મોહમ્મદનો શાહી કાફલો એટલો મોટો છે કે તેમાં તેમની પત્નીઓ, 30 બાળકો, નજીકના સંબંધીઓ, અંગરક્ષકો અને ખાસ સ્ટાફની આખી ફોજ સામેલ હોય છે. આ ભારેખમ લશ્કરને કારણે જગ્યા ટૂંકી પડતી હોવાથી શેખ છેલ્લા 20 વર્ષમાં અહીં માત્ર 5 વખત જ આવી શક્યા છે.
નવી સુવિધાઓ સાથેનું ‘મિની ટાઉન’ ઊભું કરાશે
આ વિશાળ એસ્ટેટમાં અગાઉથી જ 14 બેડરૂમનું હોલિડે હોમ, સ્વિમિંગ પૂલ અને જિમ ધરાવતી 16 બેડરૂમની શિકાર લોજ, એક કોટેજ અને સ્ટાફ ક્વાર્ટર આવેલા હતા. છતાં આ વિશાળ પરિવાર માટે તે અપૂરતું હોવાથી તાજેતરમાં જ વધુ એક 15 બેડરૂમની નવી લક્ઝરી ગેસ્ટ લોજ બનાવવાની મંજૂરી મેળવવામાં આવી છે, જેનાથી હવે કુલ બેડરૂમની સંખ્યા 58 થી વધુ થઈ જશે. લોચ ડુઇચ તળાવના સુંદર કિનારે બની રહેલી આ લોજમાં આલીશાન ડાઇનિંગ હોલ અને લિવિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ આખું બાંધકામ હવે એક ‘નાનકડા ગામ’ જેવું દેખાઈ રહ્યું છે, જો કે સ્થાનિક ચર્ચ અને પર્યાવરણ જૂથો દ્વારા આ બાંધકામનો ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
દુનિયાભરમાં ફેલાયેલું છે શેખનું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય
શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને વિશ્વના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક ગણવામાં આવે છે. તેમના નેતૃત્વમાં જ દુબઈએ વિશ્વની સૌથી ઊંચી ઈમારત ‘બુર્જ ખલીફા’, વિશ્વનું સૌથી મોટું શોપિંગ સેન્ટર ‘દુબઈ મોલ’ અને ‘દુબઈ મેટ્રો’ મેળવ્યા છે. આ સિવાય બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, શેખ બ્રિટનના સૌથી મોટા જમીન માલિકોમાંના એક છે, જેમની પાસે માત્ર યુકે (UK) માં જ 1,00,000 એકરથી વધુ જમીન અને અંદાજે 1,000 કરોડ રૂપિયાથી વધુની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે. આ ઉપરાંત રોમમાં પણ ઘણી બધી આલીશાન મિલકતો તેમના નામે નોંધાયેલી છે.









