World

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂક્યું ડેનમાર્ક! ગ્રીનલેન્ડમાં અમેરિકન સૈન્ય વિસ્તાર સમજૂતીને સંસદની મંજૂરી

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
ડેનમાર્કની સંસદે અમેરિકા સાથેના સુરક્ષા કરારને મંજૂરી આપતા ગ્રીનલેન્ડમાં અમેરિકી સૈન્યની હાજરી વધશે. આ ડીલથી ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વને અસર થશે નહીં. અમેરિકા ગ્રીનલેન્ડમાં સંરક્ષણ સુવિધાઓનું આધુનિકીકરણ કરશે અને વધારાનું સૈન્ય માળખું ઊભું કરશે. આ કરાર આર્કટિકમાં અમેરિકાની મિસાઈલ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરશે અને રશિયા-ચીનના વધતા પ્રભાવને રોકવામાં મદદરૂપ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂક્યું ડેનમાર્ક! ગ્રીનલેન્ડમાં અમેરિકન સૈન્ય વિસ્તાર સમજૂતીને સંસદની મંજૂરી

Denmark US Security Deal : ડેનમાર્કની સંસદે ગુરુવારે અમેરિકા સાથેના સુરક્ષા કરારની તરફેણમાં મતદાન કરતા તમામ સંસદીય અવરોધો દૂર થયા છે, જેનાથી ગ્રીનલેન્ડમાં અમેરિકાની સૈન્ય હાજરી વધશે. થોડા મહિના પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો લેવાની વારંવાર ધમકી આપી હતી, જેનાથી અમેરિકા અને NATO સાથી દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો.

અમેરિકાની તરફેણ પણ ગ્રીનલેન્ડનું સાર્વભૌમત્વ જળવાશે

ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, મહિનાઓ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ બાદ આ વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે. ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરવાના ડેનમાર્કના સ્પષ્ટ વલણ વચ્ચે, આ કરાર ગ્રીનલેન્ડની રાજકીય સ્થિતિ બદલ્યા વગર અમેરિકી સૈન્ય પહોંચ વધારે છે.

ગ્રીનલેન્ડમાં વધશે અમેરિકન સૈનિકોની સંખ્યા

આ કરાર હેઠળ અમેરિકા ગ્રીનલેન્ડમાં હાલની સંરક્ષણ સુવિધાઓનું આધુનિકીકરણ કરી શકશે અને વધારાનું સૈન્ય માળખું ઊભું કરી શકશે. તે આર્કટિકમાં અમેરિકાની મિસાઈલ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાનું માળખું પૂરું પાડે છે, જેમાં ટ્રમ્પની પ્રસ્તાવિત 'ગોલ્ડન ડોમ' સિસ્ટમના સમર્થનનો પણ સમાવેશ થાય છે.

1951ના US-ડેનમાર્ક કરાર આધારિત સમજૂતી

વર્ષ 1951ના અમેરિકા-ડેનમાર્ક સંરક્ષણ કરાર પર આધારિત આ સમજૂતીનો હેતુ આર્કટિકમાં સુરક્ષા સહયોગ વધારવાનો છે. આ ક્ષેત્રમાં રશિયા અને ચીનની વધતી મહત્વાકાંક્ષાઓ વચ્ચે, ગ્રીનલેન્ડમાં નાટો સિવાયના દેશોની સૈન્ય અને વ્યૂહાત્મક હાજરી મર્યાદિત રાખવાનો પણ તેનો ઉદ્દેશ્ય છે.

ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખૂબ મહત્વનું

ઉત્તર અમેરિકા, યુરોપ અને આર્કટિક વચ્ચે આવેલું ગ્રીનલેન્ડ અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. અહીં આવેલું અમેરિકી 'પિટુફિક સ્પેસ બેઝ' મિસાઈલ ચેતવણી, મિસાઈલ સંરક્ષણ અને અવકાશ દેખરેખમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે ઉત્તર અમેરિકા તરફ આવતા મિસાઈલ જોખમો અને આર્કટિકની સૈન્ય હિલચાલ પર નજર રાખવામાં મદદ કરે છે.

અમેરિકા રશિયા પર રાખી શકશે નજર

ગ્રીનલેન્ડ 'ગ્રીનલેન્ડ-આઈસલેન્ડ-યુકે ગેપ' દરિયાઈ કોરિડોર પાસે આવેલું છે, જેનો ઉપયોગ રશિયન સબમરીન અને નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખવા થાય છે. રશિયાએ આર્કટિકમાં સૈન્ય માળખું વધાર્યું છે અને ચીન અહીં આર્થિક-વ્યૂહાત્મક પગપેસારો કરવા પ્રયાસરત છે. આર્કટિકનો બરફ પીગળવાથી નવા શિપિંગ રૂટ અને કુદરતી સંસાધનો ખુલી રહ્યા હોવાથી વોશિંગ્ટન હરીફોના પ્રભાવને રોકવા ગ્રીનલેન્ડને મુખ્ય કેન્દ્ર માને છે.

ગ્રીનલેન્ડમાં ખજાનો, અમેરિકાને ફાયદો

ગ્રીનલેન્ડમાં રેર અર્થ તત્વો અને મહત્વપૂર્ણ ખનિજોનો મોટો ભંડાર છે, જે ફાઈટર વિમાનો, મિસાઈલ પ્રણાલીઓ અને ઈલેક્ટ્રોનિક્સમાં વપરાય છે. વૈશ્વિક રેર અર્થ પ્રોસેસિંગમાં ચીનનો દબદબો હોવાથી, આ સંસાધનો અમેરિકાને સપ્લાય ચેઈનમાં વૈવિધ્ય લાવવા અને ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે, કઠોર આબોહવા, મર્યાદિત માળખાકીય સુવિધાઓ અને પર્યાવરણીય ચિંતાઓ મોટા પાયે ખનનમાં અવરોધરૂપ છે.