- 'નીચતા નીચલા સ્તરે પહોંચી છે' : નિરીક્ષકો
- અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું : 'આવી દુર્ભાવપૂર્ણ અફવાઓ ચલાવવી જ ન જોઈએ, તેથી ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચે છે'
નવી દીલ્હી : અમેરિકામાં બાલિકાઓ અને મહિલાઓના યૌન શોષણના અપરાધી જેફરી એપસ્ટિન સાથે બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરૂ ૧૪મા દલાઈ લામાનું પણ નામ જોડાતા બૌદ્ધ ધર્મીઓ, બૌદ્ધ ધર્મી દેશો અને ભારત સહિત દુનિયાના દેશોને આંચકો લાગ્યો હતો. આ અંગે દલાઈ લામાના કાર્યકર તરફથી સ્પષ્ટીકરણ કરતું નિવેદન પ્રસિદ્ધ કરાયું છે. તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, 'હીઝ હોલીનેસને, જેફરી એપસ્ટિન સાથે કોઈ જ સંબંધ નથી. તેઓ તેને કદી મળ્યા ન હતા કે, પોતાના તરફથી કોઈને મળવા મોકલ્યા પણ ન હતા. એપસ્ટિન લિંકની વાયરલ થઈ રહેલી પોસ્ટ માથા વગરની અને તદ્દન ખોટી, મનઘડંત અને તથ્યહીન છે. તે લોકોને ગેરમાર્ગે દોરનારી છે.'
બીજી તરફ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ દલાઈ લામાનું નામ એક અપરાધી સાથે જોડવા અંગે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેઓએ કહ્યું હતું : 'દલાઈ લામા માત્ર તિબેટીયનોના જ ધર્મગુરુ નથી પરંતુ દુનિયાભરમાં પથરાયેલા દરેક બૌદ્ધોના પણ ધર્મગુરુ છે. તેઓનું નામ આવી દુર્ભાવપૂર્ણ અફવાઓમાં જોડવું ન જોઈએ. આવી ખોટી વાતો ફેલાવી પવિત્ર આધ્યાત્મિક આત્મા અને સંસ્થાને બદનામ કરવાની કોશિષ અને સાજીશ બેહદ ગેરજવાબદાર અને નિંદનીય છે.-'
જેફરી એપસ્ટિન અમેરિકાનો જાણીતો ફાયનાન્સર અને બિઝનેસમેન હતો તેણે હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓ આયોજિત કરી દુનિયાભરની મશહુર હસ્તીઓ, નેતાઓ અને અધિકારીઓને બોલાવતો હતો અને તેમને છોકરીઓ સપ્લાય કરતો હતો. તે પોતે પણ બાળકીઓ અને મહિલાઓનું યૌન-શોષણ કરતો હતો આ પાપાચારમાં તેની મિત્ર ધીસલેન મેક્સવેલ સાથ આપતી હતી. પરંતુ પછીથી બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા. ૨૦૧૯માં એપસ્ટિનનું જેલમાં જ મૃત્યુ થયું હતું. તેના ઘરની જપ્તી કરતા કેટલીય ફાઇલો, ફોટા, વિડિયો ક્લિપ મળી આવ્યાહતા. તે બંનેને ૨૦ વર્ષની સજા થઈ હતી.
આવી નીચ વ્યક્તિ બૌદ્ધોના આધ્યાત્મિક ગુરૂને પણ તેના બનાવટી આક્ષેપોમાં ખેંચે તેથી નિરીક્ષકો બોલ ઉઠયા હતા કે, 'હવે તો નીચતા તેના નિમ્નતમ સ્તરે પહોંચી ગઈ છે.'


