World

એફિલ ટાવરમાં હિન્દુ સંતોની મુલાકાત માટે મહિલા કર્મીઓને હટાવાતા વિવાદ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
પેરિસમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-હરિભક્તોની એફિલ ટાવર મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ થયો. આ પગલાંને મહિલા વિરોધી ગણાવી કર્મચારીઓએ સોમવારે હડતાળ પાડી. મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી માફી માંગી. BAPS સંસ્થાએ મહિલાઓને હટાવવાની જાણકારી ન હોવાનું જણાવી, કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી.

Summarized by AI; it may make mistakes. Check important info

એફિલ ટાવરમાં હિન્દુ સંતોની મુલાકાત માટે મહિલા કર્મીઓને હટાવાતા વિવાદ
  • એફિલ ટાવરના કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ કર્યો
  • મહિલાઓને હટાવાઈ હોવા અંગે કોઈ માહિતી નથી, કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો માફી માગીએ છીએ : સંસ્થા
  • મહિલાઓને હટાવી પુરુષ કર્મચારીઓને તૈનાત કરાયા હતા, સંસ્થાની માગ સ્વીકારવાની જરૂર નહોતી : મેનેજમેન્ટ

પેરિસ : ફ્રાન્સની રાજધાની પેરિસમાં હિન્દુ સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસના સાધુઓ અને હરીભક્તોએ એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત માટે એફિલ ટાવરમાંથી મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ સર્જાયો છે. એફિલ ટાવરના કર્મચારીઓએ આ પગલાંને મહિલા વિરોધી ગણાવી સોમવારે એક દિવસની હડતાળ પાડી હતી. બીજીબાજુ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયે આ વિવાદ પર કહ્યું હતું કે, અમારા પ્રતિનિધિમંડળે અન્ય પ્રવાસીઓને, કર્મચારીઓને કોઈ તકલીફ ના પડે તે માટે સામાન્ય સમય પહેલા જ એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. છતાં આ પગલાંથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માગીએ છીએ.
બીએપીએસ સંસ્થાના ૧૦૦ લોકોનું એક જૂથ પેરિસમાં મંદિરના ઉદ્ધાટન માટે પહોંચ્યું હતું.
આ જૂથે શનિવારે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. જોકે, તેમની મુલાકાત માટે એફિલ ટાવરના મેનેજમેન્ટે મહિલા કર્મચારીઓને કામના સ્થળેથી હટાવી દીધી હતી.
આ બાબતની કર્મચારીઓને જાણ થતાં તેમણે આ બાબતને મહિલા વિરોધી ગણાવી સોમવારે હડતાળની પાડી હતી. ભવિષ્યમાં આવું ન થાય તેની પણ માગણી કરી હતી.
હડતાળના કારણે મેનેજેન્ટને સોમવારે એફિલ ટાવર થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.
એફિલ ટાવર બંધ થવો અસાધારણ બાબત હતી. એફિલ ટાવર બંધ રહેતા પ્રવાસીઓએ ભારે હેરાનગતીનો સામનો કરવો પડયો હતો અને તેમણે આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની એસઈટીઈએ કબૂલ્યું કે, બીએપીએસ સંસ્થા તરફથી મહિલાઓ સાથે વાતચીતને મર્યાદિત કરવાની અને તેમને હટાવવા વિનંતી કરાઈ હતી. મેનેજમેન્ટે મહિલા કર્મચારીઓને તેમની કામની જગ્યાએથી હટાવી હતી અને તેમના સ્થાને પુરુષ કર્મચારીઓને તૈનાત કરાયા હતા.
વધુમાં આ પ્રતિનિધિમંડળ હાજર હોય ત્યાં સુધી મહિલાઓને તેમના રસ્તામાં ન આવાવ એસઈટીઈના મેનેજમેન્ટે નિર્દેશ આપ્યા હતા. મેનેજમેન્ટે કબૂલ્યું કે, તેમનાથી ભૂલ થઈ છે અને તેમણે આવી શરતો સ્વીકારવાની જરૂર નહોતી.
મેનેજમેન્ટે આ બાબતે કર્મચારીઓની માફી પણ માગી હતી.
આ સમગ્ર વિવાદ પર બીએપીએસ સંસ્થાએ ખુલાસો કર્યો છે. સંસ્થાએ કહ્યું કે, તેમણે તેમના પ્રવાસ અંગે અગાઉથી જ મેનેજમેન્ટ જાણ કરી હતી.
તેમનું જૂથ મોટું હતું તેથી સામાન્ય લોકોને તકલીફ ના પડે તે માટે મેનેજમેન્ટ સાથે વહેલા આવવા અંગે ચર્ચા કરાઈ હતી. તેમને મહિલાઓને કામ પરથી હટાવાઈ હોવા અંગે કોઈ જાણ નથી. જોકે, આ વિવાદને તેમણે ગંભીરતાથી લીધો છે અને આ સ્થિતિથી કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચી હોય અથવા અસુવિધા થઈ હોત તો અમે પ્રમાણિક્તાપૂર્વક માફી માગીએ છીએ.