World

મોહન ભાગવતના અમેરિકાના પ્રવાસને લઈને વિવાદ, ન્યૂયોર્કના મેયર જોહરાન મામદાનીનો વિરોધ!

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવત અમેરિકા પહોંચ્યા છે. 29 ઓગસ્ટે ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં તેઓ 5,000 ભારતીય પ્રવાસીઓને 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમમાં સંબોધિત કરશે. જોકે, આ આયોજન સામે વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. ન્યૂ યોર્કના મેયર સહિત નાગરિક સંગઠનોએ આ રેલી રદ કરવાની માંગ કરી છે. આયોજકો 'વસુધૈવ કુટુંબકમ્'નો સંદેશ આપવાનું જણાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોહન ભાગવતના અમેરિકાના પ્રવાસને લઈને વિવાદ, ન્યૂયોર્કના મેયર જોહરાન મામદાનીનો વિરોધ!

Mohan Bhagwat Madison Square Garden : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા વૈશ્વિક સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સંઘ પ્રમુખ મોહન ભાગવતની અમેરિકા યાત્રા શરૂ થઈ ગઈ છે. તેઓ 29 ઓગસ્ટના રોજ ન્યૂ યોર્કના પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 'યુનિવર્સલ વનનેસ' (Universal Oneness) નામના કાર્યક્રમમાં અંદાજે 5,000 ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરવાના છે. જોકે, આ આયોજનને લઈને અમેરિકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મેયરનો વિરોધ

ન્યૂ યોર્ક સિટીના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર જોહરાન મામદાનીએ આ રેલી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. એક પત્રકાર પરિષદ દરમિયાન કાર્યક્રમ રદ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ પ્રકારની રેલીનું સમર્થન કરતા નથી, પરંતુ કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર સિટી તંત્ર પાસે છે કે કેમ તે અંગે તેઓ સ્પષ્ટ નથી.

મેયર મામદાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત એક બહુલવાદી સમાજ અને ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક દેશ છે, જે દરેક નાગરિકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે. કોઈપણ દેશમાં બહિષ્કાર અને ભેદભાવ પર આધારિત વિચારધારાનો ઉદભવ ચિંતાજનક છે અને તેઓ એક ભારતીય-અમેરિકન તથા ન્યૂ યોર્કના મેયર તરીકે આવી વિચારધારાનો સખત વિરોધ કરે છે.

સિટી હોલ બહાર નાગરિક સંગઠનોના ધામા

આ કાર્યક્રમનો વિરોધ માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતો સીમિત નથી રહ્યો. 'હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ', 'ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ' અને 'ઇન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂ યોર્ક' જેવા અગ્રણી સંગઠનોએ ન્યૂ યોર્ક સિટી હોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ નાગરિક અધિકાર જૂથોએ મેડિસન સ્ક્વેર ગાર્ડન પ્રશાસન પાસે આ આયોજનને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

આયોજકોનો સ્પષ્ટવચન: 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશ

બીજી તરફ, આ કાર્યક્રમના આયોજક 'અહેડ ફોરુમ' (Ahead Forum) દ્વારા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'યુનિવર્સલ વનનેસ' કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વને એકતાના સૂત્રમાં બાંધવાનો છે. સંઘ પ્રમુખનો આ પ્રવાસ RSS ના 100 વર્ષ પૂરા થવાના આંતરરાષ્ટ્રીય આઉટરીચ પ્રોગ્રામનો ભાગ છે, જે અંતર્ગત તેઓ અમેરિકા બાદ કેનેડા અને યુકેની પણ મુલાકાત લેવાના છે.